ગુજરાતના રાજકારણમાં ભૂકંપ, તમામ મંત્રીઓએ રાજીનામાં આપ્યા

ગુજરાતના રાજકારણમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓએ રાજીનામાં આપી દીધા છે.

ઉલ્લેખનીય છે કે સૌપ્રથમ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાજીનામું આપ્યું હતું, ત્યાર બાદ એક પછી એક તમામ મંત્રીઓએ રાજીનામાં આપી દીધા. આ રાજીનામાં જગદીશ વિશ્વકર્માને સુપરત કરવામાં આવ્યા હતા, જેમણે તમામ મંત્રીઓને રાજીનામું આપવાની સૂચના આપી હતી.

જગદીશ વિશ્વકર્મા સહિત કુલ 16 મંત્રીએ રાજીનામાં આપ્યા છે. રસપ્રદ બાબત એ છે કે મુખ્યમંત્રીએ મંત્રીઓ પાસે રાજીનામું માંગ્યું ન હતું. મુખ્યમંત્રી સાથે તમામ નેતાઓની બેઠક પૂર્ણ થઈ ગઈ છે, અને અહેવાલો મુજબ, બેઠક શરૂ થાય તે પહેલાં જ રાજીનામાંનું એક ફોર્મ તૈયાર રાખવામાં આવ્યું હતું, જેના પર મંત્રીઓએ માત્ર સહી કરવાની હતી. હવે, આ મંત્રીઓએ આપેલા રાજીનામાં રાજ્યપાલને સોંપવામાં આવશે, અને આ સંદર્ભમાં મુખ્યમંત્રી એક પત્ર રાજ્યપાલને સુપરત કરશે.

ગુજરાત સરકારના નવા મંત્રીમંડળના શપથવિધિ સમારોહમાં હાજરી આપવા આજે એટલે કે ગુરુવારે સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગાંધીનગર પહોંચી જશે જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા શુક્રવારે સવારે પધારશે.