ગોગામેડી હત્યા કેસમાં રાજસ્થાન પોલીસે હરિયાણાના એક યુવકની ધરપકડ કરી છે. પોલીસે આ અંગે માહિતી આપી હતી. જયપુર પોલીસ કમિશનર બિજુ જ્યોર્જ જોસેફે જણાવ્યું કે ગોગામેડી હત્યા કેસના કાવતરાખોરો પૈકીના એક આરોપી રામવીર જાટની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. તે હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના સુરેતી પિલાનિયા ગામનો રહેવાસી છે.
શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી મંગળવારે શૂટર્સ નીતિન ફૌજી અને રોહિત રાઠોડ દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબારમાં માર્યા ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર રામવીરે જયપુરમાં નીતિન ફૌજી માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી. તેણે જણાવ્યું કે બંને મિત્રો છે. નીતિન અને રામવીર 12મા ધોરણ સુધી સાથે ભણ્યા હતા. ઘટના બાદ રામવીર આરોપી નીતિન અને રોહિતને મોટરસાઈકલ પર લઈને બગરુ ટોલ પ્લાઝાથી આગળ ગયો અને રાજસ્થાન રોડવેઝની બસમાં બેસાડી દીધો. પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં રામવીર અને અન્ય એક શંકાસ્પદ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
