BCCI એ GTના કેપ્ટન શુભમન ગિલ સામે કાર્યવાહી કરી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની મેચ નંબર-35 માં ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને 7 વિકેટથી હરાવ્યું. ગુજરાત ટાઇટન્સનો હીરો જોસ બટલર હતો, જેણે અણનમ 97 રન બનાવ્યા હતા. બટલરની યાદગાર ઇનિંગ્સના આધારે ગુજરાતે 4 બોલ બાકી રહેતા 204 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો. આ જીત સાથે, ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર આવી ગયું છે. આ મેચ શનિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી.

શુભમન સામે BCCI એ શા માટે કાર્યવાહી કરી?

આ મેચ બાદ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ સામે કાર્યવાહી કરી છે. શુભમન ગિલને સ્લો ઓવર રેટ માટે 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ મેચમાં સાત રન બનાવ્યા બાદ રન આઉટ થયેલા શુભમન ગિલ એવા કેપ્ટનોની યાદીમાં જોડાયા છે જેમને સમાન દંડ ફટકારવામાં આવ્યો હતો. આ યાદીમાં હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, અક્ષર પટેલ, સંજુ સેમસન, રજત પાટીદાર અને અક્ષર પટેલ પહેલાથી જ પ્રવેશી ચૂક્યા છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક રિલીઝમાં જણાવ્યું હતું કે, ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે ટાટા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 મેચ દરમિયાન ધીમો ઓવર રેટ જાળવવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. રિલીઝમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, ‘સ્લો ઓવર-રેટ સંબંધિત IPL આચારસંહિતાના કલમ 2.22 હેઠળ આ તેની ટીમનો સિઝનનો પહેલો ગુનો હતો, તેથી શુભમન ગિલને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.’