આર્યન ખાન કેસની ડીલ 18 કરોડમાં થઈ હતી, 50 લાખની એડવાન્સ પેમેન્ટ, વાનખેડે વિરુદ્ધ FIRમાં ખુલાસો

આર્યન ખાન કેસમાં પૂર્વ NCB ઓફિસર સમીર વાનખેડે મુશ્કેલીમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. CBIએ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના મુંબઈ ઝોનના ભૂતપૂર્વ ડિરેક્ટર વિરુદ્ધ FIR નોંધી છે. જેમાં સમીર વાનખેડે પર અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ફસાવવાના બદલામાં 25 કરોડની લાંચ માંગવાનો આરોપ છે. FIRની કોપી અનુસાર, સમીર વાનખેડેના કહેવા પર ગોસાવીએ આર્યન ખાન કેસમાં 25 કરોડની માંગણી કરી હતી. આ રકમના બદલામાં આર્યન ખાનને ડ્રગ્સના કેસમાં ફસાવવામાં નહીં આવે તેવી ખાતરી આપવામાં આવી હતી.

ગોસાવી વાનખેડે માટે ડીલ કરતો હતો

એફઆઈઆરની કોપી અનુસાર, સમીર વાનખેડેએ ગોસાવીને સોદા માટે પૈસાના મામલે સંપૂર્ણ છૂટ આપી હતી. ગોસાવીએ 18 કરોડમાં ડીલની પુષ્ટિ કરી હતી. એટલું જ નહીં ગોસાવીએ એડવાન્સ તરીકે 50 લાખ રૂપિયા પણ લીધા હતા. એફઆઈઆર મુજબ તપાસમાં સમીર વાનખેડેએ પણ પોતાની વિદેશ યાત્રા વિશે સાચી માહિતી આપી ન હતી. તેણે તેની મોંઘી ઘડિયાળ અને કપડાં વિશે પણ સત્ય જણાવ્યું ન હતું. FIRમાં સમીર વાનખેડેની અપ્રમાણસર સંપત્તિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સીબીઆઈએ વાનખેડેના ઘરે દરોડા પાડ્યા હતા

12 મેના રોજ, સમીર વાનખેડે વિરુદ્ધ એક મોટી કાર્યવાહીમાં, સીબીઆઈએ તેના પરિસરમાં દરોડા પાડ્યા હતા. સીબીઆઈની ટીમે વાનખેડેની તેમના મુંબઈના ઘરે 13 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. સીબીઆઈના અધિકારીઓ વાનખેડેના પિતા, સસરા અને બહેનના ઘરે પણ પહોંચ્યા હતા.