મોંઘવારીનો સામનો કરી રહેલા લોકોને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. દેશભરમાં અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કર્યો છે. મોંઘવારી વચ્ચે અમૂલ દૂધના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે.
અમૂલ ગોલ્ડ મિલ્કમાં પ્રતિ લિટર બે રૂપિયાના વધારા ઉપરાંત અમૂલ શક્તિ અને ટી સ્પેશિયલના ભાવમાં પણ પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો થયો છે. દૂધના ભાવમાં આ વધારો આવતીકાલ એટલે કે સોમવારથી અમલી બનશે. દિલ્હીમાં ભાવ વધારા બાદ ગ્રાહકોએ અમૂલ ગોલ્ડ માટે 66 રૂપિયાને બદલે 68 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે અડધા લિટર અમૂલ ગોલ્ડની કિંમત 34 રૂપિયા રહેશે.
આ સિવાય અમૂલ તાઝા અડધા લિટરની કિંમત 26 રૂપિયાથી વધીને 27 રૂપિયા થઈ ગઈ છે. અમૂલ શક્તિ અડધા લિટરની કિંમત 29 રૂપિયાથી વધારીને 30 રૂપિયા કરવામાં આવી છે. અમૂલ તાઝા સ્મોલ સેચેટ સિવાય તમામના ભાવમાં પ્રતિ લીટર રૂ. 2નો વધારો કરવામાં આવ્યો છે.
જ્યારે અમૂલ ગાયના દૂધ માટે ગ્રાહકોએ પ્રતિ લિટર રૂ. 56 ચૂકવવા પડશે. આ સિવાય અમૂલ તાઝાની કિંમત 54 રૂપિયા અને અમૂલ ટી-સ્પેશિયલની કિંમત 62 રૂપિયા પ્રતિ લિટર હશે.