KBCમાં બિગીએ જૂના દિવસો યાદ કર્યા,કહ્યું- “કભી કભી જોશ મેં હમ…”

મુંબઈ: સોની ટીવીનો આઇકોનિક ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની 16મી સિઝન ધૂમ મચાવી રહી છે. બૉલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવતા આ શોમાં સંગીતના મહારથીઓ શ્રેયા ઘોષાલ અને સોનુ નિગમ એક ખાસ એપિસોડમાં મહેમાન બન્યાં. ભારતીય સંગીતમાં જેમનું અસાધારણ યોગદાન છે એવી સંગીતની આ જોડીએ અમિતાભ બચ્ચન સાથે ભાવનાત્મક વાર્તાલાપમાં કર્યો. આ સાથે જ બિગ બીએ પણ તેમના શૂટિંગના જૂના દિવસોની યાદ તાજી કરી.

અમિતાભ બચ્ચને ફિલ્મ કભી કભી (1976) ના ગીત “પલ દો પલ કા શાયર હૂં” વિશે વાત કરી અને કહ્યું,”ફિલ્મમાં તમે ગીતમાં જે અવાજ સાંભળ્યો છે, તે મારો અવાજ છે. તેમણે એ પણ કહ્યું કે પહેલા દિવસનું શૂટિંગ કાશ્મીરની એક હોટલના હોલમાં થયું હતું. આ દરમિયાન સોનુ નિગમે અમિતાભ બચ્ચનને પૂછ્યું કે દીવારના ચોક્કસ દ્રશ્યો ક્યાં ફિલ્માવવામાં આવ્યા હતા? જેના જવાબમાં અમિતાભ બચ્ચને જણાવ્યું કે મોટાભાગની ફિલ્મ મુંબઈમાં શૂટ કરવામાં આવી હતી. તેમજ તેમણે દીવારના એક્શન-પેક્ડ સિક્વન્સ અને કભી કભીના રોમેન્ટિક સીનના શિડ્યુલને સ્વિચ કરવાના પડકાર વિશે વાત કરી. બિગ બિ એ દરમિયાન એકસાથે એક કરતાં વધુ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં હતાં. સ્વર્ગસ્થ યશ ચોપરાએ તેમના વ્યસ્ત શેડ્યૂલ અને એક સેટથી બીજા સેટ પર પહોંચી જે-તે પાત્રને તરત અપનાવી લેવાને પ્રોત્સાહિત કર્યા હતાં. જ્યારે સોનુએ તેની મલ્ટીટાસ્કીંગ કુશળતા પર હોસ્ટની પ્રશંસા કરી ત્યારે બિગ બીએ સ્મિત કર્યું અને કહ્યું, “કભી કભી જોશ મેં હમ લોગ બહોત કુછ કર દેતે હૈં.”

અમિતાભ બચ્ચને દીવારના તેમના એક મનપસંદ દ્રશ્યો પણ શેર કર્યા, તે ભાવનાત્મક ક્ષણ જ્યાં આઇકોનિક સંવાદ “આજ ખુશ તો બહોત હોગે તુમ” બોલવામાં આવ્યો હતો અને સ્વીકાર્યું કે તેને પરફેક્ટ બનાવવા માટે આખો દિવસ લાગ્યો હતો. આ જ ફિલ્મ વિશે તેમણે ફિલ્મમાં મૃત્યુના દ્રશ્ય સાથે સંબંધિત એક વિચિત્ર સ્મૃતિને યાદ કરી હતી, જ્યાં શૂટિંગ દરમિયાન તેમના પાત્ર વિજય વર્માના જીવનનો અંત આવ્યો ત્યારે સેટ પરની ઘડિયાળમાં રહસ્યમય રીતે બેલ વાગી, જોકે આવું થવું એ સીનનો ભાગ નહોતું.