અમદાવાદ : શહેરના પોશ વિસ્તારમાં રાતો રાત વૃક્ષોનું નિકંદન

પર્યાવરણ દિવસની ઉજવણી તાજેતરમાં જ થઈ હતી. સમાચાર માધ્યમો, હોર્ડિંગ્સ, સોશિયલ મીડિયામાં પર્યાવરણને બચાવવા કરોડો રૂપિયાની જાહેરાતો અપાઈ. પર્યાવરણને બચાવવા સેમિનારો, વર્કશોપ, વક્તવ્યો રજુ કરાયા. આ સેમિનારો અને વક્તવ્યો યોજાયા એ એ.એમ.એથી થોડે જ દૂર પાંજરા પોળ, પોલીટેકનિક નજીક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શનિવારની રાતથી મોટા પ્રમાણમાં વૃક્ષો કાપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. રળિયામણાં આ વિસ્તારમાં ધડાધડ અચાનક જ રાત્રે વૃક્ષો કાપવાનું શરૂ થતાં સ્થાનિકો રોષે ભરાયા હતા.


અચાનક જ શહેરના ઘટાદાર વૃક્ષો કાપવાનું શરૂ કરતાં સ્થાનિક અનુરાધા સિંઘવી ચિત્રલેખા.કોમને કહે છે રાત્રે દશ વાગ્યાની આસપાસ કેટલાક લોકોએ વૃક્ષોને કાપવાની શરૂઆત કરી દીધી હતી. અમે જ્યારે પુછ્યું કે વૃક્ષો કેમ કાપો છો ? ત્યારે એમણે એક લેટર બતાવ્યો અને ક્હ્યું મે એ.એમ.સીના કોન્ટ્રાક્ટરો છીએ. 91 જેટલા વૃક્ષો કાપવાની મારી પાસે પરવાનગી છે. એ વખતે એ લોકોએ બે વૃક્ષો કાપી ચૂક્યા હતા. કાપેલા વૃક્ષો જોઈ બધાએ વિરોધ શરૂ કર્યો. એ દરમિયાન ઘણાં માળા ઝાડ પરથી નીચે પડેલા જોવા મળ્યા. જેમાં ખિસકોલી અને અન્ય પક્ષીઓના માળા હતા. ઉંચાઈથી પટકાતાં કેટલાક અબોલ જીવ મરી ગયા કેટલાકને ઈજાઓ થઈ. સ્થાનિક લોકોએ ખિસકોલી જેવા જીવને બચાવવા પ્રયાસ કર્યો.


અનુરાધા બહેન વધુમાં કહ્યું કે, આ કઈ પ્રકારનો વિકાસ છે. સમય જોયા વગર જ અડધી રાત્રે ઝાડ કાપી નાંખે છે. જો સર્વિસ રોડ કે બ્રિજ માટે જ વૃક્ષો કાપવાના હોય તો આતો ફૂટપાથ પરના મુસાફરોએ છાંયો આપતાં વૃક્ષો છે. એ ક્યાં કોઈને નડે છે ? આ જ રોડ પર આઈ.આઈ.એમ પણ છે એની બંને તરફ ફૂટપાથ પર જ વૃક્ષો લાગેલા છે. શું વિકસાવવા આ વર્ષો જુના વૃક્ષોનું નિકંદન કઢાઈ રહ્યું છે અને પક્ષીઓના માળા છીનવાઈ રહ્યા છે એ પ્રશ્ન સૌને મુંઝવી રહ્યો છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)