ભોજપુરી સ્ટાર પવન સિંહનો આસનસોલથી ચૂંટણી લડવાનો ઈન્કાર

ભોજપુરી સિનેમાના સુપરસ્ટાર કહેવાતા પવન સિંહે રવિવારે પશ્ચિમ બંગાળની આસનસોલ સંસદીય બેઠક પરથી ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. ગઈકાલે શનિવારે ભાજપે પવન સિંહને આસનસોલથી ચૂંટણી લડવા માટે ટિકિટ આપવાની જાહેરાત કરી હતી. જો કે ગઈ કાલે ટિકિટ મળ્યા બાદ પવન સિંહે આ માટે પાર્ટીની ટોચની નેતાગીરીનો આભાર માન્યો હતો, પરંતુ આજે તેમણે ત્યાંથી ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો.

ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગઈ કાલે 195 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી જેમાં પશ્ચિમ બંગાળની 20 બેઠકોનો સમાવેશ થાય છે. આ 20 સીટોમાં આસનસોલ સંસદીય સીટ પણ સામેલ હતી જ્યાંથી પવન સિંહને ટિકિટ આપવામાં આવી હતી. તૃણમૂલ કોંગ્રેસના શત્રુઘ્ન સિન્હા આસનસોલ બેઠક પરથી લોકસભાના સાંસદ છે. 2022માં અહીં યોજાયેલી પેટાચૂંટણીમાં તેઓ સાંસદ તરીકે ચૂંટાયા હતા. ભાજપ 2014થી આસનસોલ બેઠક પરથી ચૂંટણી જીતી રહ્યું છે. પરંતુ 2021માં તત્કાલિન ભાજપના સાંસદ બાબુલ સુપ્રિયો પાર્ટી છોડીને ટીએમસીમાં જોડાયા હતા. આ કારણોસર અહીં પેટાચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપનો પરાજય થયો હતો.

ટિકિટ માટે ભાજપનો આભાર વ્યક્ત કર્યો હતો

પરંતુ ટિકિટ મળ્યાના ઘણા કલાકો પછી પવન સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટ કર્યું “પાર્ટીએ મારા પર વિશ્વાસ કર્યો અને મને આસનસોલથી ઉમેદવાર તરીકે જાહેર કર્યો, પરંતુ કેટલાક કારણોસર હું આસનસોલથી ચૂંટણી લડી શકીશ નહીં.”