મુંબઈ: ફિલ્મ નિર્માતા હંસલ મહેતાએ 16 મેના રોજ તેમની સ્કેમ ફ્રેન્ચાઇઝી ‘સ્કેમ 2010 – ધ સુબ્રત રોય સાગા’ના નામે સ્કેમની ત્રીજી સીઝનની જાહેરાત કરા છે. આ સિરીઝ તમલ બંદોપાધ્યાયના પુસ્તક ‘સહારાઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ પર આધારિત હશે અને તે દિવંગત ઉદ્યોગપતિના જીવન અને વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમણે 1978માં બિઝનેસ ગ્રુપ સહારા ઈન્ડિયા પરિવારની સ્થાપના કરી હતી. હવે આ પ્રોજેક્ટની જાણકારી મળ્યા બાદ સહારા પરિવાર તરફથી પ્રતિક્રિયા આવી છે.
સહારા ઈન્ડિયા પરિવાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં, તેણે આ સિરીઝને સસ્તો અને વ્યાપક પ્રચાર ગણાવીને વખોડી કાઢી છે. સહારા ઈન્ડિયા પરિવાર સામેલ તમામ વ્યક્તિઓ અને પક્ષોની નિંદા કરે છે અને તેમના અપમાનજનક વર્તનનો વિરોધ કરે છે. તેમજ સંડોવાયેલા તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે પણ સલાહ લેશે.
સહારા ઈન્ડિયાનું નિવેદન
સહારા ઈન્ડિયા પરિવારનું માનવું છે કે સેબી અને સહારા વચ્ચેનો વિવાદ હજુ પણ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે અને આ કેસની કાર્યવાહીને પ્રભાવિત કરવાનો કોઈપણ પ્રયાસ કોર્ટની અવમાનના સમાન હશે. આ ઉપરાંત આમ કરવું ગુનો ગણાશે. વાણી અને કાર્યવાહીની સ્વતંત્રતાની આડમાં કોઈને પણ એવી વ્યક્તિની સદ્ભાવના અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાની મંજૂરી આપી શકાતી નથી જે પોતાનો બચાવ કરવા માટે ત્યાં ન હોય.
હંસલ મહેતાની સિરીઝને અપમાનજનક કહેવામાં આવી હતી
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે,’વેબ-સિરીઝના શીર્ષકમાં કૌભાંડ શબ્દનો ઉપયોગ અને તેને સહારા સાથે જોડવું અપમાનજનક છે, અને સહારા જી અને સહારા ઇન્ડિયા પરિવારની છબીને નુકસાન પહોંચાડે છે. સહારા ઈન્ડિયા પરિવાર ક્યારેય કોઈ ચિટ ફંડ પ્રવૃત્તિમાં સામેલ નથી. સહારા-સેબીનો મુદ્દો પણ સહારા દ્વારા જારી કરાયેલા OFCD બોન્ડ પર સેબીના અધિકારક્ષેત્રનો વિવાદ હતો.’
હંસલ મહેતાની પ્રતિક્રિયા
તે જ સમયે જ્યારે ‘હિન્દુસ્તાન ટાઈમ્સે’ હંસલ મહેતા સાથે વાત કરી તો તેણે કહ્યું, ‘હું યુકેમાં શૂટિંગ કરી રહ્યો છું. મને આની જાણ નથી. આ અંગે સંબંધિત લોકો જવાબ આપશે. તમને જણાવી દઈએ કે ફિલ્મ નિર્માતા યુકેમાં પ્રતીક ગાંધી સાથે તેની આગામી સિરીઝ ‘ગાંધી’નું શૂટિંગ કરી રહ્યા છે.