એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી હાઈકોર્ટને કહ્યું છે કે, એક્સાઈઝ પોલિસી કેસમાં દાખલ થનારી આગામી ચાર્જશીટમાં આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવવામાં આવશે. EDએ દિલ્હી હાઈકોર્ટને એ પણ જણાવ્યું કે ઘણા આરોપીઓ કેસની સુનાવણીમાં વિલંબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
EDના વકીલે આ દલીલ ત્યારે આપી જ્યારે હાઇકોર્ટ એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી કરી રહી હતી. જો કે, EDએ સિસોદિયાની જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું કે આરોપીઓ દ્વારા દારૂ નીતિ કેસમાં સુનાવણીમાં વિલંબ કરવા માટે નક્કર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આબકારી નીતિ શું છે?
વર્ષ 2021માં દિલ્હી સરકારે નવી આબકારી નીતિ રજૂ કરી હતી. વર્ષ 2022 સુધીમાં આબકારી નીતિ પ્રશ્નના ઘેરામાં આવી. એલજી વીકે સક્સેનાએ પોલિસીની રચના અને અમલીકરણમાં કથિત અનિયમિતતાઓની સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. આ પછી CBI અને EDએ પણ કથિત અનિયમિતતાઓને લઈને કેસ નોંધ્યા હતા. જે બાદ દિલ્હી સરકારે એક્સાઇઝ પોલિસી રદ્દ કરી દીધી હતી.