સુરતમાં આધેડે ચાર વર્ષની બાળકી પર કર્યો બળાત્કાર

સુરતઃ પલસાણા તાલુકામાં એક આધેડે ચાર વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવી હતી. આ ઘટનાને પગલે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે CCTV દ્વારા ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા તાલુકા નજીક એક શ્રમજીવી પરિવારની ચાર વર્ષની બાળકી ઘરઆંગણે રમી રહી હતી, ત્યારે નજીકમાં રહેતો 45 વર્ષનો આધેડ શખસ બાળકીને લાડ લડાવવા લાગ્યો હતો. ત્યાર બાદ હવસખોર આરોપી બાળકીને અડધો કિલોમીટરના અંતરે આવેલા પોતાના રૂમ પર લઇ ગયો હતો. જ્યાં તેણે બાળકીને પોતાનો હવસનો શિકાર બનાવી હતી. ત્યાર બાદ બાળકી લોહીલુહાણ હાલતમાં રડતી-રડતી ઘરે પહોંચી હતી.

આ જોઇને શ્રમિક પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. પરિવારજનો તાત્કાલિક બાળકીને લઇને કડોદરા પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. કડોદરા પોલીસ અને LCBએ સંયુક્ત તપાસ આદરી હતી. આ CCTV ફુટેજમાં એક આધેડ બાળકીને લઈ જતો જોવા મળ્યો હતો. જેને આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરીને કડક પૂછપરછ હાથ હતી.

પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ અંતગર્ત ગુનો દાખલ કર્યો છે. આ ઘટનાના પગલે આખા વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે. સ્થાનિકો આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે.