કાંદિવલીના આંગણે ગયા શનિવારની સાંજ સાહિત્યક બની રહી હતી. ડો. કલ્પના દવેના ત્રણ પુસ્તકોનું લોકાર્પણ થયું હતું. આ લોકાર્પણ સમારોહ 21 ઓકટોબરે કાંદિવલી એજયુકેશન સોસાયટી સ્થાપિત ગુજરાતી ભાષા ભવન અને એસ.એન.ડી.ટી. મહિલા વિધાપીઠ તેમ જ શ્રી સાંઈ સાર્વજનિક ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે એચ. પટેલ લો કોલેજના સભાગૃહમાં યોજાયો હતો.
સ્ત્રી સંવેદનના લેખિકા ડો. કલ્પના દવેના બીલીપત્ર સમાન ત્રણ પુસ્તકો (1) રાષ્ટ્રીય નવી શિક્ષણનીતિ-2020, (2) મનની ભીતર આભ (3) ન્યુ લાઈફ, ન્યુ વિઝનના લોકાર્પણ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે સંનિષ્ઠ સમાજસેવક- લોકપ્રિય નેતા યોગેશ સાગરે કહ્યું હતું કે આ ત્રણે પુસ્તકોમાં સ્ત્રી સશકતિકરણ તથા જાગરુકતા લાવનાર સાહિત્ય છે. આ પ્રસંગે મૂર્ધન્ય સાહિત્યકાર દિનકર જોષીએ પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું. દિનકરભાઈ તથા તથા યોગેશ સાગરે ડો.કલ્પના દવેનું શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. ડો.પ્રીતિ જરીવાલાએ મનની ભીતર આભ માંથી પ્રસ્તુતિ કરતાં લેખિકાની કલમનો આસ્વાદ કરાવ્યો હતો. અતિથિ વિશેષ તરીકે હાજર રહેનાર એસએનડીટી, ચર્ચગેટના પ્રિન્સિપાલ દર્શના ઓઝાએ કલ્પના દવેની ત્રણે કૃતિનો પરિચય આપ્યો હતો.
આકાશવાણીના જાણીતા ઉદઘોષક અને નાટય અભિનેત્રી વૈશાલી ત્રિવેદીએ કલ્પના દવે સાથે સંવાદ કરતા તેમના સર્જકતાનો પરિચય કરાવ્યો હતો. આ પ્રસંગે કે.ઈ.એસ. તરફથી મહેશભાઈ શાહ, મહેશભાઈ ચંદારાણા, સંવિત્તિના અને ગુજરાતી ભાષા ભવનના સભ્ય કીર્તિભાઈ શાહ અને સાંઈ સાર્વજનિક સહિત વિવિધ સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલા અનંતરાય મહેતાએ પોતાના ભાવ વ્યકત કર્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન રસપ્રદ શૈલીમાં કવિ મુકેશ જોષીએ કર્યુ હતું તથા સંયોજન ડો.કવિત પંડયાએ કર્યું હતું. આ કાર્યક્રમને સંખ્યાબંધ સાહિત્યપ્રેમીઓએ માણ્યો હતો.