‘ગુજ્જુ લવ ગુરુ’ના પરિવાર માટે ગુજરાતે વહાવ્યો મદદનો ધોધ

સોશિયલ મીડિયા ક્ષેત્રે ‘ગુજ્જુ લવ ગુરુ’ તરીકે લોકપ્રિય બનેલા બનાસકાંઠાના સુઈગામ પંથકના કલાકાર સ્વ. ચંદન રાઠોડના અચાનક નિધનથી તેમના ચાહકો અને પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. જોકે, વિપરીત પરિસ્થિતિમાં સમગ્ર ગુજરાતે માનવતા દાખવીને પરિવારની વ્હારે આવી આર્થિક સહાયનો ધોધ વહાવ્યો છે. તાજેતરમાં નીતિન જાની (ઉર્ફે ખજૂરભાઈ), વિલેજ બોય ટીમ અને ચંદન રાઠોડના પરિવાર દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં અત્યાર સુધી મળેલી સહાય અને તેના ભવિષ્યના આયોજન અંગેનો પારદર્શક હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો.

કૂલ ₹3.50 કરોડનું ભંડોળ એકત્રિત: ઓનલાઈન અને રોકડ મદદનો વિગતવાર હિસાબ
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, સ્વ. ચંદન રાઠોડના પરિવારને અત્યાર સુધીમાં આશરે રૂ. ૩.૫૦ કરોડની આર્થિક સહાય પ્રાપ્ત થઈ છે. આ રકમનું વર્ગીકરણ નીચે મુજબ છે:

ઓનલાઈન ટ્રાન્સફર: રૂ. ૨.૯૬ કરોડની રકમ ડિજિટલ માધ્યમો અને યુપીઆઈ દ્વારા સીધી બેંક ખાતામાં જમા થઈ છે.

રોકડ રકમ: રૂ. ૫૩.૭૧ લાખની સહાય પ્રત્યક્ષ રીતે રોકડ સ્વરૂપે મળી છે.

વિદેશથી મદદ: એનઆરઆઈ ચાહકો તરફથી ૧૮૭૩ યુએસ ડોલરની સહાય પણ પ્રાપ્ત થઈ છે.

પરિવારના ભવિષ્યની સુરક્ષા: કોના નામે કેટલી FD થશે?

ચંદન રાઠોડના અવસાન બાદ પરિવારને દીર્ઘકાલીન આર્થિક આશરો પૂરો પાડવાના હેતુથી એકત્રિત થયેલા ભંડોળમાંથી પરિવારના તમામ સભ્યોના નામે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે:

ભાઈના નામે: રૂ. ૧ કરોડની FD

પત્નીના નામે: રૂ. ૪૧ લાખની FD

બંને બાળકોના નામે: રૂ. ૪૧-૪૧ લાખની FD (કૂલ રૂ. ૮૨ લાખ)

પિતાના નામે: રૂ. ૪૦ લાખની FD

બંને બહેનોના નામે: રૂ. ૧૧-૧૧ લાખની FD (કૂલ રૂ. ૨૨ લાખ)

રોકડ રકમમાંથી પુત્રના નામે ખરીદાશે જમીન

મળેલી રૂ. ૫૩.૭૧ લાખની રોકડ રકમ અંગે સ્પષ્ટતા કરતાં જણાવવામાં આવ્યું હતું કે, આ નાણાંનો ઉપયોગ ચંદન રાઠોડના પુત્રના ભવિષ્યને સ્થાવર મિલકતથી સુરક્ષિત કરવા માટે તેના નામે જમીનની ખરીદી કરવા માટે કરવામાં આવશે.

QR કોડ સત્તાવાર રીતે બંધ: દાન ન મોકલવા અપીલ

પરિવારની આર્થિક જરૂરિયાતો પૂરી થઈ ગઈ હોવાથી, ચંદન રાઠોડના પિતાના નામે બનાવવામાં આવેલો QR કોડ અને સ્કેનર હવે સત્તાવાર રીતે બંધ કરી દેવાયો છે. નીતિન જાની અને પરિવારે લોકોને વિનંતી કરી છે કે હવે આ સ્કેનર પર કોઈ પણ પ્રકારનું ઓનલાઈન પેમેન્ટ કે નાણાકીય ટ્રાન્ઝેક્શન ન કરવું.

દાતાઓ અને કલાકારોનો આભાર વ્યક્ત કરાયો

ગુજરાત સહિત દેશ-વિદેશમાંથી મદદ કરનાર તમામ સોશિયલ મીડિયા ક્રિએટર્સ, સામાજિક અગ્રણીઓ, કલાકારો, યુટ્યુબર્સ અને ચાહકોનો ચંદન રાઠોડના પરિવારે હૃદયપૂર્વક આભાર માન્યો હતો. જાહેર જીવનમાં પારદર્શિતા જાળવી રાખવા માટે અને દરેક રૂપિયો સાચા હેતુ માટે વપરાય તે સુનિશ્ચિત કરવા આ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.