મુંબઈઃ પડોશના રાયગડ જિલ્લામાં આવેલા લોકપ્રિય હિલસ્ટેશન માથેરાન માટેની ટોય-ટ્રેન સેવા (નેરોગેજ) 4 નવેમ્બર, શનિવારથી ફરી શરૂ થશે. ચોમાસાની મોસમને કારણે આ સેવા બંધ રાખવામાં આવી હતી જે શનિવારથી ફરી શરૂ કરવાની મધ્ય રેલવેએ જાહેરાત કરી છે. રેલવેએ આ સાથે ‘માથેરાનની રાણી’ ટોય-ટ્રેન સેવાનું સમયપત્રક પણ બહાર પાડ્યું છે. આ ટ્રેન તળેટીના નેરળ સ્ટેશનેથી પહાડ પર વસેલા માથેરાન સુધી લઈ જાય છે.
ચોમાસાને કારણે નેરળથી અમન લોજ સુધીની સેવા બંધ કરવામાં આવી હતી, અમન લોજથી માથેરાન સુધીની સેવા ચાલુ હતી. હવે નેરળથી માથેરાન સુધી ટ્રેન ફરી શરૂ કરાશે. મિની ટ્રેનમાં એન્જિન સાથે છ ડબ્બા હશે. એક ડબ્બો વિસ્ટાડોમ હશે. નેરળથી ચોથું સ્ટેશન માથેરાન આવે છે. તેની વચ્ચે જુમ્માપટ્ટી, વોટરપાઈપ અને અમન લોજ સ્ટેશનો આવે છે. મુંબઈ મહાનગરથી સૌથી નજીકનું અને ખૂબ જ મનમોહક એવું માથેરાન હિલસ્ટેશન ટ્રેન માર્ગે બે-અઢી કલાકમાં પહોંચી શકાય છે. દિવાળી તહેવાર અને વેકેશન નિમિત્તે અહીં પર્યટકો મોટી સંખ્યામાં આવે છે.
મિની ટ્રેનનું ટાઈમટેબલઃ
નેરળથીઃ
પહેલી ગાડીઃ સવારે 8.50 વાગ્યે છૂટશે અને 11,30 વાગ્યે માથેરાન પહોંચશે.
બીજી ગાડીઃ નેરળથી 10.25 વાગ્યે છૂટશે અને બપોરે 1.05 વાગ્યે માથેરાન પહોંચશે.
(આ બંને ગાડીની સેવા દરરોજ ઉપલબ્ધ છે)
માથેરાનથીઃ
પહેલી ગાડીઃ બપોરે 2.45 વાગ્યે છૂટશે અને સાંજે 5.30 વાગ્યે નેરળ પહોંચશે.
બીજી ગાડીઃ બપોરે 4.00 વાગ્યે છૂટશે અને સાંજે 6.40 વાગ્યે નેરળ પહોંચશે.
(આ ટ્રેન સેવા દરરોજ ઉપલબ્ધ છે)