2024ની લોકસભા ચૂંટણી જીતવા માટે નરેન્દ્ર મોદીએ શાંતપણે પ્રવાસી ભારતીયોમાં ઊર્જા ભરી છે
કોઈ પણ માનસશાસ્ત્રી વિશ્વાસપૂર્વક ભવિષ્યવાણી કરી શકશે કે ભારતીય જનતા પાર્ટી 2024ની લોકસભા ચૂંટણી જીતીને હેટ-ટ્રિક કરશે.
નરેન્દ્ર મોદી સરકારનું દસ વર્ષનું શાસન ડાઘ-મુક્ત રહ્યું છે. વિદેશમાં વસતા ભારતીયોથી પ્રેરિત થઈને ભારતના મતદારોને પ્રભાવિત કરવાની ભાજપ અને નરેન્દ્ર મોદીએ એક નવી રીત અપનાવી છે.
આ રીતની ઘણાયને જાણકારી નથી, પરંતુ નરેન્દ્ર મોદીએ એકદમ શાંતપણે આ વ્યૂરચનાને કામે લગાડી દીધી છે. આ લેખમાં હું જણાવીશ કે ભાજપ અને મોદી આમાં કેવી રીતે સફળ થયા છે. આની સાથોસાથ, ભારતના ઘણા વિરોધપક્ષો ભાજપના ચૂંટણીતંત્રની ગતિનો મુકાબલો કરવામાં નિષ્ફળ ગયા છે. રાહુલ ગાંધી એમના અંગત વિપસ્સના માટે 248 દેશોનો પ્રવાસ કરી આવ્યા છે. એમણે પક્ષનું કોઈ કામ નથી કર્યું. ડીએમકે, તૃણમુલ કોંગ્રેસ, વાઈએસઆર જગન કોંગ્રેસ જેવા રાજ્યસ્તરના અમુક રાજકીય પક્ષોના વિદેશમાં પ્રશંસકો અને કટ્ટર સમર્થકો જરૂર છે, પરંતુ ભાજપના પ્રવાસી મિત્રો છે એ પ્રકારના નહીં.
ચૂંટણી વિશ્લેષણ બેઠકોની જીતનું અનુમાન કરવા વિશેનું હોય છે.
પરંતુ. આધુનિક જમાનાની ચૂંટણી સમીક્ષામાં બીજા ઘણા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે.
એમાં હવે ડિજિટલ ટેક્નોલોજી જોડાઈ હોવાથી અનુમાન લગાવવાનું વધારે આસાન બન્યું છે.
નરેન્દ્ર મોદી માટે મેદાન મોકળું છે એમ કહી શકાય. એમને માટે વાતાવરણ એકદમ અનુકૂળ છે. ચૂંટણી નજીક આવતી હોય અને તમે એ માટેની રણનીતિઓ વિચારતા હો ત્યારે પાયાના સ્તરે પ્રત્યેક મતદાર સુધી પહોંચવાનું તાર્કિક રીતે અસરકારક ગણાય. 1980ની સાલથી હું લોકસભાની ચૂંટણીઓનું અનુમાન કરતો આવ્યો છું. તેથી હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીએ શાંત રીતે અધિક પ્રયાસો કામે લગાડ્યા છે.
2014ની સાલથી નરેન્દ્ર મોદી અનેક દેશોનો પ્રવાસ કરી રહ્યા છે. જુદા જુદા દેશોની મુલાકાત દરમિયાન એમણે પ્રવાસી ભારતીયો સાથે 45/50 જેટલા કાર્યક્રમોમાં સંબોધન કર્યું હશે. મેં એની સમીક્ષા કરી હતી. 30 વર્ષો દરમિયાન મેં અનેક રાષ્ટ્રપતિઓ, ઉપરાષ્ટ્રપતિઓ અને વડા પ્રધાનો સાથે પ્રવાસ કર્યો છે, આ નેતાઓને પ્રવાસી ભારતીયો સાથે સંવાદ કરતા જોયા છે. એમાંના મોટા ભાગનાંઓ 100-200 જેટલા ટોચના ઉદ્યોગપતિઓ અને નિવૃત્ત રાજદૂતો સાથે કોર્પોરેટ સ્ટાઈલમાં બેઠક યોજતા, બંધબારણે સેમિનાર યોજતા, પરંતુ નરેન્દ્ર મોદી વિશે એટલું તો કહેવું જ પડશે કે એમણે તેવી બેઠકોને વિશાળ જનસભામં પરિવર્તિત કરીને તેને એક નવો જ રંગ આપ્યો.
2015માં મોદીની ઓસ્ટ્રેલિયા મુલાકાત વખતે સિડનીમાં મેં જાણ્યું. એ વખતે 50 હજારથી પણ વધારે એન્ટ્રી પાસ ઈશ્યૂ કરવામાં આવ્યા હતા. એમની જાહેર સભા ક્રિકેટ સ્ટેડિયમ કે વિશાળ હોલમાં યોજાતી. એમાં હાજર રહેતા લોકો ઓસ્ટ્રેલિયાના પાંચેય રાજ્યમાંથી આવતા. ભીડને સંભાળવામાં ઓસ્ટ્રેલિયાની પોલીસને નાકે દમ આવી જતો. 2023ના ફેબ્રુઆરીમાં વડા પ્રધાન મોદી QUAD શિખર સંમેલન માટે ઓસ્ટ્રેલિયાના સિડની અને કેનબેરા જવાના છે. એ માટે સિડનીમાં અત્યારથી જ મોટા પાયે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયામાં એન્થની આલ્બનીઝની સરકાર સત્તારૂઢ થયાને હજી માંડ છ મહિના થયા છે અને પીયૂષ ગોયલ, ડો. એસ. જયશંકર, નીતિન ગડકરી, ધર્મેન્દ્ર પ્રધાન, આર.કે. સિંહ, ગજેન્દ્ર શેખાવત સહિત આઠ કેન્દ્રીય પ્રધાનો ઓસ્ટ્રેલિયાની મુલાકાતે જઈ આવ્યા છે. સંગીતકાર ઈલ્યારાજાના ઓરકેસ્ટ્રાના તાલે અનેક બોલીવુડ પાર્શ્વગાયકો સ્ટેજ પરફોર્મન્સ કરવાના છે. ઓસ્ટ્રેલિયામાં પ્રવાસી ભારતીયો મોટી સંખ્યામાં રહે છે. હિન્દુઓની મોટી વસ્તીની દ્રષ્ટિએ અમેરિકાના ન્યૂ જર્સી પછીના નંબરે ઓસ્ટ્રેલિયાનું સિડની શહેર આવે. ઓસ્ટ્રેલિયામાં પ્રવાસી ભારતીયોએ 264 જેટલી સંસ્થાઓ શરૂ કરી છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે ઓસ્ટ્રેલિયામાં એક લાખથી વધારે હરિયાણવી લોકો રહે છે. એમણે એસોસિએશન ઓફ હરિયાણવીઝની રચના કરી છે. એના ચેરમેન છે સેવાસિંહ અને સેંકડો સ્વયંસેવકોએ ઓસ્ટ્રેલિયામાં કોરોના મહામારીના ફેલાવા વખતે દવાઓ અને ઓક્સિજન સિલિન્ડરોની વ્યવસ્થા કરવા માટે ખૂબ જહેમત ઉઠાવી હતી.
ગુજરાતી, તામિલ, તેલુગુ, બંગાળી તથા અન્ય વંશીય સમાજોના આગેવાનો પણ ઓસ્ટ્રેલિયાના સત્તાધિશો સાથે સારી એવી નિકટતા ધરાવે છે. વિદેશની ધરતી પર કોંગ્રેસ પાર્ટી કે બીજા કોઈ પણ પ્રાદેશિક પક્ષો આવું ઠસ્સાદાર સેટ-અપ ધરાવતા નથી. આવા ઉત્તમ સંચાલનનો સંપૂર્ણ શ્રેય ભાજપને જાય છે. સામ પિત્રોડા એમની વધી ગયેલી ઉંમરને કારણે કોંગ્રેસ માટે આવી વ્યવસ્થા કરી શક્યા નથી.
2021માં મોદી જાપાન ગયા હતા ત્યારે ત્યાંના પ્રવાસી ભારતીયો એમને સાંભળવા માટે ખૂબ ઉત્સૂક હતા. મોદી 2022માં જર્મનીની બે વાર મુલાકાતે જઈ આવ્યા છે. એમણે વસાહતી ભારતીયોને નવી ઊર્જા પૂરી પાડી હતી.
કોરોના મહામારી પૂર્વે, મોદીએ અમેરિકા, બ્રિટન અને સંયુક્ત આરબ અમિરાતના અનેક ભાગોમાં ભારતીય વસાહતીઓને સંબોધિત કર્યા હતા. એમની એ જાહેર સભાઓ વિશે આ દેશોમાં વસતાં ભારતીયો આજે ત્રણ-ચાર વર્ષ પછી પણ ચર્ચા કરતાં હોય છે.
એવી જાહેર સભાઓમાં મોદી એમની ભાષણ કરવાની છટાને કારણે પ્રવાસી ભારતીયોમાં છવાઈ ગયા હતા. મોદીની જેમ ભારતના બીજા કોઈ પણ નેતાઓ પ્રવાસી ભારતીયોને પ્રભાવિત કરી શક્યાં નથી.
નરેન્દ્ર મોદી કાયમ એમની નવી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રવાસી ભારતીયોને સંબોધન કરતા આવ્યા છે. એ પ્રેક્ષકવર્ગમાંની દરેક વ્યક્તિના ભારતમાં અનેક સ્વજનો કે સગાં-સંબંધીઓ હોય છે. ભાજપ કાયમ નવી ચૂંટણી વખતે પોતાના પ્રચાર માટે બે મહત્ત્વની બાબત પર ધ્યાન કેન્દ્રિત કરતો આવ્યો છે. પ્રવાસી ભારતીયોને ભારતની સંસ્કૃતિ સાથે જોડવા. 2019માં લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત બાદ મોદી અને અમિત શાહે નવી દિલ્હીમાંથી પ્રવાસી ભારતીયો સાથે સંકલન વધારી દીધું છે. અમિત શાહે ભાજપના ફોરેન વિભાગને પુનઃ સક્રિય કરીને વિદેશમાં વસતા ભારતીય નાગરિકો સાથે સંકલન સંભાળવાની કામગીરી સંભાળી લીધી છે.
OFBJP સંસ્થા 40થી વધારે દેશોમાં સક્રિય છે. એમાં ભાજપના શુભચિંતકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વડા પ્રધાન મોદી વિદેશ પ્રવાસે જાય ત્યારે ભારતીય સમુદાયોના લોકો સાથે એમના સ્વાગત સમારંભોનું સંકલન કરવાની કામગીરી ડો.વિજય ચૌથાઈવાલા સંભાળતા હોય છે.
ભારતીય વિરોધપક્ષો, ખાસ કરીને મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ લોકસભા ચૂંટણો વખતે આ રણનીતિને અમલમાં મૂકતો નથી. ભારતમાં મતદારોને પ્રેરિત કરવા માટે અપ્રત્યક્ષ રીતે પ્રવાસી ભારતીયોની આવી સક્રિય ભાગીદારીને કારણે ભાજપ વધારે મત મેળવે છે.
આ બધી બાબતોને ધ્યાનમાં લેતાં, 2024ની લોકસભા ચૂંટણી ભાજપ માટે એટલી બધી કઠિન નહીં હોય. પ્રવાસી ભારતીય નાગરિકોને આકર્ષિત કરવામાં કોંગ્રેસની નિષ્ફળતા અને ભાજપની સફળતા ભાજપને સહેલાઈથી મતો અપાવશે.
(આર. રાજગોપાલન)
(લેખક નવીદિલ્હીસ્થિત વરિષ્ઠ પત્રકાર છે. ટેલિવિઝન પર રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય રાજકારણ પર યોજાતી ચર્ચામાં વિશ્લેષક તરીકે ભાગ લે છે.)