મુંબઈ: મુંબઈના ગેઈટી ગેલેક્સી થિયેટરમાં અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2: ધ રૂલ’નું સ્ક્રીનિંગ 5 ડિસેમ્બરે યોજવામાં આવ્યું હતું. પરંતુ એક રહસ્યમય સ્પ્રેને કારણે તેને અટકાવવું પડ્યુ હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસ અધિકારીઓને કરવામાં આવી હતી જેઓ હવે આ મામલે તપાસ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, ઈન્ટરવલ પછી સ્ક્રીનિંગ 15-20 મિનિટ માટે રોકી દેવામાં આવી હતી.
ભેદી સ્પ્રેને કારણે સમસ્યા વધી
કોઈ અજાણ્યા વ્યક્તિએ કોઈ પદાર્થ છાંટ્યો હતો જેના કારણે થિયેટરમાં હાજર લોકોમાં ઉધરસ, ગળામાં બળતરા અને ઉલ્ટી થઈ હતી. આવી ફરિયાદ બાદ શો બંધ કરી દેવામાં આવ્યો હતો. બાદમાં જ્યારે સ્થિતિ સામાન્ય થઈ ત્યારે ફરીથી તપાસ શરૂ થઈ. પોલીસ અધિકારીઓ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે થિયેટરની અંદર કયા સ્પ્રેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમને શંકા છે કે જે સ્પ્રેનો ઉપયોગ બહાર ખુલ્લી જગ્યામાં કરવાનો હતો, તેનો ઉપયોગ થિયેટરની અંદર કરવામાં આવ્યો હશે.
વિરામ પછી સ્ક્રીનિંગ ફરી શરૂ થયું
પોલીસ સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે. તેમજ કડીઓ મેળવવા માટે અંદર રહેલા લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. થિયેટરની અંદર હાજર એક દર્શકે કહ્યું, ‘અમે ઈન્ટરવલ પછી પાછા ફર્યા કે તરત જ અમને ખાંસી આવવા લાગી. અમે બાથરૂમમાં ગયા અને ઉલટી થઈ. ગંધ 10-15 મિનિટ સુધી ચાલી હતી. દરવાજા ખોલ્યા પછી ગંધ દૂર થઈ ગઈ. એ પછી ફિલ્મ ફરી શરૂ થઈ.
‘પુષ્પા 2’ એ બોક્સ ઓફિસ પર કમાલ કરી
‘પુષ્પા 2’ એ ભારતમાં પ્રથમ દિવસે 175 કરોડ રૂપિયાની કમાણી કરીને બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યો છે. હિન્દી બેલ્ટમાંથી, તેણે ભારતમાં રૂ. 67 કરોડની કમાણી કરીને શાહરૂખ ખાનની ‘જવાન’ને માત આપી.
સુકુમાર દ્વારા દિગ્દર્શિત ‘પુષ્પા 2’માં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના અને ફહાદ ફાસિલ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. હવે બધાની નજર ‘પુષ્પા 2’ના વીકએન્ડ કલેક્શન પર ટકેલી છે.