કોણ હતા દિલીપકુમારના ગુરુ?

હિંદી સિનેમાના છેલ્લા મુઘલ દિલીપકુમારનો બુધવારે, 7 જુલાઈએ ઈંતેકાલ થયો એ પછી એમને યથોચિત અંજલિ અપાઈ ગઈ છે. ‘ચિત્રલેખા’એ પણ પ્રેસમાં છપાઈ રહેલા અંકને અટકાવી અંજલિ અર્પી. એટલે આપણે વાત કરીએ દિલીપકુમાર નામના આ બેહતરીન કોહિનૂરનાં ઘાટ-ઘડામણ કરનારાંની.

આ જુઓ, બૅકગ્રાઉન્ડમાં સંતૂરના સૂર છેડાઈ રહ્યા છે ને વર્તમાનમાંથી આપણે પહોંચી જઈએ છીએ છીએ સ્વાતંત્ર્યોત્તર ભારતમાં… સન 1944. દેશના હજારો  યુવાનોની જેમ 22 વર્ષના યુસુફ ખાન પણ નોકરી શોધી રહ્યા હતા. એવામાં અભિનેત્રી અને ‘બૉમ્બે ટૉકીઝ’નાં માલિકણ દેવિકા રાનીએ યુસુફને 1250 રૂપિયાના પગારવાળી ઍક્ટરની નોકરી ઑફર કરે છે. દિલીપકુમાર પોતાની ઑટોબાયોગ્રાફી (‘ધ સબ્સ્ટન્સ ઍન્ડ ધ શૅડો’)માં પીઢ પત્રકાર ઉદયતારા નાયરને કહે છે કે “ફિલ્મોનો મને કોઈ અનુભવ નહોતો, જીવનમાં એકેય ફિલ્મ જોઈ નહોતી, હા, યુદ્ધ વિશેની એક ડૉક્યુમેન્ટરી જોયેલી એટલે હું દેવિકા રાનીને ના પાડીને એ ઘરે આવતો રહ્યો.”

એ પછી દેવિકા રાનીએ ફરી કહેણ મોકલ્યું ત્યારે “1250 રૂપિયા મહિનાનો પગારને?” એ કન્ફર્મ કરીને યુસુફ સાહબ ‘બૉમ્બે ટૉકીઝ’માં જોડાઈ ગયા. પહેલી ફિલ્મઃ અમિયા ચક્રવર્તીની ‘જ્વાર ભાટા’. સ્ક્રીન પર નામ ચળક્યુઃ દિલીપકુમાર. પછી એ નોંધે છે કે “મને અભિનયનાં કક્કોબારાખડી શીખવ્યાં દેવિકા રાની અને ડિરેક્ટર નીતિન બોઝે. એ બન્ને મારા પહેલા ગુરુ હતા. દેવિકા રાનીએ મને શીખવ્યું કે ડિરેક્ટરને હંમેશાં એમ જ હોય કે એણે આબાદ શૉટ ઝડપ્યો છે, પણ જ્યાં સુધી ઍક્ટરને શ્રેષ્ઠ આપ્યાનો સંતોષ ન થાય ત્યાં સુધી એણે ડિરેક્ટરને રિટેક માટે રિક્વેસ્ટ કર્યા કરવી.”

-અને નીતિન બોઝ. મહાનની હરોળમાં બિરાજે એવા સર્જક. એ અરસામાં એટલે કે 1946માં નીતિન બોઝ ‘બૉમ્બે ટૉકીઝ’ માટે રવીન્દ્રનાથ ટાગોરની વાર્તા પરથી બંગાળીમાં ‘નૌકા ડૂબી’ અને, હિંદીમાં ‘મિલન’ (1946) બનાવી રહ્યા હતા. ‘નૌકા ડૂબી’ના હીરો હતા અભિભટ્ટાચાર્ય ને ‘મિલન’ના, દિલીપકુમાર.

નીતિન બોઝની કલાકારો પાસેથી કામ કઢાવવાની એક પોતીકી સ્ટાઈલ હતી. ઍક્ટર જે પાત્ર ભજવે એની વધુ ને વધુ નજીક કેવી રીતે જવાય એ દિલીપકુમાર નીતિનદા પાસેથી શીખ્યા. આના પુરાવા રૂપે એ એક રોમાંચક પ્રસંગ નોંધે છે. ‘મિલન’માં એવો પ્રસંગ આવે છે કે રમેશ (દિલીપકુમાર) ટ્રેનમાં આખી રાતનો ઉજાગરો વેઠી સવારે વારાણસી પહોંચી માતાના અસ્થિવિસર્જન કરે છે.

દિલીપકુમારના શબ્દોમાઃ “શૂટિંગ પહેલાં નીતિનદાએ મને પૂછ્યું કે અસ્થિવિસર્જન કરતી વખતે રમેશના દિમાગમાં શું ચાલી રહ્યું હશે એનો તેં વિચાર કર્યો છે? ટ્રેનમાં એ આખી રાત અસ્થિના ઘડાને બે હાથમાં ઝાલીને અક્કડ બેસી રહ્યો છે. એને ડર છે કે ઝોકું આવ્યું ને અસ્થિ બહાર વીખરાઈ જાય તો… કેમ કે ઘડામાં અસ્થિ નહીં, પણ તારી માતા છે, જે એના મૃદુ સ્પર્શથી રોજ સવારે તને જગાડતી, ગરમાગમર ચા આપતી, ભાવતાં ભોજન જમાડતી.”

દિલીપકુમાર સ્તબ્ધ થઈ ગયાઃ “ના સર, આટલું બધું તો મેં નથી વિચાર્યું. અને સ્ક્રિપ્ટમાં પણ, આટલું ઊંડાણથી સમજાવવામાં આવ્યું નથી.

“મારો ઉત્તર સાંભળી નીતિનદાએ પ્રત્યુત્તર આપ્યો એ મારા માટે એક એવી મૂલ્યવાન શીખ હતી, જે જિંદગીભર હું ભૂલ્યો નહીં. એમણે મને રમેશ અસ્થિ લઈને ઘરેથી નીકળ્યો ને એનું વિસર્જન કર્યું ત્યાં સુધીના પ્રવાસ વિશેની અનુભૂતિ કાગળ પર વ્યક્ત કરવા કહ્યું…

“મને બરાબર યાદ છે, મુંબઈમાં ઘોડબંદર વિસ્તારમાં ‘મિલન’નું શૂટિંગ હતું. શૂટિંગની આગલી આખી રાત જાગી, પાંચ ફૂલ્સ્કેપ કાગળમાં મેં રમેશની મનઃસ્થિતિ લખી. બીજા દિવસે શૂટિંગ બાદ નીતિનદાએ મારી પીઠ થાબડતાં કહ્યું, રવીન્દ્રનાથ ટાગોરે ‘નૌકા ડૂબી’ વાર્તા લખી ત્યારે એમને કલ્પના પણ નહોતી કે આના પરથી ફિલ્મ બનશે. એ પટકથાલેખકની જવાબદારી છે કે મૂળ વાર્તાને એક અલગ ઊંચાઈએ લઈ જાય. ઍક્ટર તરીકે તારું કર્તવ્ય એ છે કે કથાકાર, પટકથાકારે જે વિઝ્યુલાઈઝ નથી કર્યું એ કરવું ને સીન્સને વધુ નિખારવા.”

આગળ જતાં (1951માં) નીતિનદાએ દિલીપકુમાર-અશોકકુમાર-નરગિસને લઈને ‘દીદાર’ બનાવી. ગુરુ નીતિનદાનો ઋણસ્વીકાર કરવા દિલીપકુમારે પોતે લખેલી કથા-પટકથા પરથી ‘ગંગા જમુના’નું ડિરેક્શન સોંપ્યું. અલબત્ત, ડિરેક્ટર નીતિનદા હતા, પણ ‘ગંગા જમુના’ દિલીપકુમારનું સંતાન હતું ને એમણે જ એનું લાલનપાલન કર્યું. મુદ્દો એ કે આત્મકથા આવી ત્યારે દિલીપકુમાર એ સ્થાન પર હતા, જ્યાં ફિલ્મરસિકો એમને રીતસરના પૂજતા હતા. એ સમયે એમણે આરંભનાં પોતાના બે ગુરુ વિશે લંબાણપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી એ મોટી વાત છે.

હિંદી સિનેમાના એક અને અજોડ ‘લીડર’ને અંજલિ આપતાં અમિતાભ બચ્ચને બરાબર જ કહ્યુઃ “હિંદી સિનેમાનો ઈતિહાસ લખાશે તો એ દિલીપકુમાર પહેલાં અને દિલીપકુમાર પછી જ હશે.”

અલવિદા, દિલીપ સાહબ.

કેતન મિસ્ત્રી