મુઠ્ઠી ઊંચેરા કલાનિર્દેશકની એક્ઝિટ

છેલભાઈ વાયડા-પરેશભાઈ દરુ…

આ બે નામ વાંચીને જો કાનમાં પરિચિત ઘંટડી વાગી ન હોય તો આ લોઃ છેલ-પરેશ. ગુજરાતી નાટક જોવા જઈએ ને સભાગૃહમાં ત્રીજી ઘંટડી વાગે, પરદો ઊઘડે તે પહેલાં નેપથ્યમાંથી નામાવલિ બોલાય છે. એક સમય હતો, જ્યારે નાટક કોઈનું બી હોય, કલાકારો કોઈ બી હોય, એક કૉમન નામ (ઈન ફૅક્ટ, એક જોડીનું નામ) બોલાય બોલાય ને બોલાય જઃ કલા છેલ-પરેશ. કલાનિર્દેશન-કિંગ, સંન્નિવેશ-સમ્રાટની આ જોડી ખંડિત થઈ 2014માં, જ્યારે છેલભાઈનું 79 વર્ષની વયે અવસાન થયું. બુધવારે (10 નવેમ્બર, 20201) રાતે 86 વર્ષી પરેશ દરુની વિદાયના સમાચાર આવ્યા. સંયોગથી 14 નવેમ્બરે એમનો …મો જન્મદિવસ છે. ગયા વર્ષે, 31 જુલાઈ, 2020ના રોજ પરેશભાઈનાં અર્ધાંગિની, પ્રખ્યાત કૉસ્ચ્યૂમ ડિઝાઈનર લીના દરુનું અવસાન થયું. અને, હવે પરેશભાઈ…

પરેશભાઈને જોતો ત્યારે મને હંમેશાં કાકા કાલેકર યાદ આવતા. ફરફરતી શ્વેત દાઢી, હોઠ પર એવું જ ફરફરતું મંદ સ્મિત, આંખ પર ચશ્માં, માથા પર ગોળાકાર ટોપી, કૉટનના સાદા ઝભ્ભા પર કાળી બંડી. કાકાસાહેબની જેમ પરેશભાઈ પણ ફરવાના, ખાસ કરીને હિમાલય ખૂંદવાના, પર્વતારોહણના શોખીન. હિમાલયની ગિરિકંદરાઓની એમણે ઝડપેલી તસવીરો એક અલાયદો લેખ માગી લે.

ગુજરાતી રંગભૂમિ પર ‘મને સૂરજ આપો’ (1966) નાટકમાં પહેલવહેલી વાર ક્રેડિટ્સમાં નામ ચમક્યાં- કલાઃ છેલ-પરેશ. એ સમયના ગુજરાતી રંગભૂમિના ધુરંધર ગણાય એવાં નામો ચંદ્રવદન ભટ્ટ અને કાંતિ મડિયાથી લઈને વિજય દત્ત, પ્રવીણ જોશી, અરવિંદ જોશી, અરવિંદ ઠક્કર, શૈલેશ દવે સાથે કામ કરનારી આ જોડીએ કાંતિ મડિયાનાં ૩૨ નાટકોમાંથી ૩૧ નાટકના સેટ્સ ડિઝાઈન કરેલા.

૧૯૬૦ના દાયકાના કાંતિ મડિયાથી લઈને એકવીસમી સદીના વિપુલ મહેતા એમ ત્રણ પેઢીના પિસ્તાળીસથી વધુ નાટ્યદિગ્દર્શકો સાથે કામ કરી ચૂકેલી આ જોડી વિશે થોડાં વરસ પહેલાં ‘ચિત્રલેખા’ના એક વિશેષાંક વિશે લખવાનું થયેલું. તે વખતે પરેશભાઈ સાથે એમના કમલકુંજ, જુહુ સ્કીમવાળા નિવાસસ્થાને એક લાંબી બેઠક યોજાયેલી. મેં એમને કહ્યું કે “તમે કઈ સાલ (1935)માં જન્મ્યા કે તમે જે.જે. સ્કૂલ ઑફ આર્ટ્સમાં હાઉસ ડેકોરેશનના પ્રોફેસર હતા છતાં તમારા સ્ટુડન્ટ છેલભાઈ સાથે 1966માં કેવી રીતે જોડી બનાવી એ બધું તો જાણવું જ છે, પણ તમારી કામ કરવાની સ્ટાઈલ, કામની વહેંચણી, તમને કામ કરવાનો અપાર આનંદ, સંતોષ મળ્યા હોય એવાં નાટકો, વગેરે વિશે વધારે જાણવું છે.”

સવાલ સાંભળી શ્વેત દાઢી પસવારતાં પસવારતાં પરેશભાઈ કહેઃ “મને, પર્સનલી, સૌથી વધારે આનંદ-સંતોષ મળ્યાં કાંતિ મડિયાનાં નાટકના સેટ ડિઝાઈન્સમાં. ‘આતમને ઓઝલમાં રાખ મા’, ‘મુઠ્ઠી ઊંચેરો માનવી’, ‘આંખની અટારી સાવ સૂની’, ‘બહોત નાચ્યો ગોપાલ’, ‘અમે બરફનાં પંખી,’ વગેરેમાં એમની સાથે કામ કરવું એ અમારે માટે પડકાર પણ હતો અને જશન પણ. આનાં અમુક કારણ હતાં- પોતાને શું જોઈએ છે એ વિશે મડિયા બહુ સ્પષ્ટ હતા. બીજી વાતઃ એ ક્યારેય ખર્ચની, બજેટની પરવા નહોતા કરતા. અમને છુટ્ટો દોર આપતા. એમને માટે નાટક પહેલાં, બીજું બધું પછી.”

1967-1968 દરમિયાન ભજવાયેલા કાંતિ મડિયાના ‘આતમને ઓઝલમાં રાખ મા’ નાટકની જાહેરખબરમાં પહેલી લીટી આ મૂકવામાં આવતીઃ

“આંખના પલકારામાં બદલાતા ભવ્ય સાત સેટવાળું નાટક.” આની નીચે અંગ્રેજીમાં બે શબ્દો છપાતાઃ “સ્લાઈડિંગ સ્ટેજ.”

તો ‘મુઠ્ઠી ઊંચેરો માનવી’માં ધસમસતાં પૂરની એમણે એવી આબેહૂબ ઈફેક્ટ ખડી કરેલી કે પ્રેક્ષકો માત્ર પૂરના દશ્ય માટે ફરીફરીને નાટક જોવા જતા. આ  સિવાય ગુજરાતી રંગભૂમિ પરનું એક સીમાચિહ્ન ગણાય એવું નાટક એટલે મડિયાનું ‘બાણશય્યા’. નાટકની ક્લાઈમૅક્સમાં અરવિંદ જોશી (જે શિલ્પી હતા) જે જગદજનનીનું શિલ્પ બનાવવા માગતા હતા એ વિશેની એમની કલ્પનાને સ્ટેજ પર સ્લાઈડ્સ દ્વારા બતાવવામાં આવેલી. એ સ્લાઈડ્સનાં ડ્રૉઈંગ્સ પરેશભાઈએ બનાવેલાં. આવાં તો અનેક ઉદાહરણ આપી શકાય પરેશભાઈની કલાનાં.

ગુજરાતી રંગભૂમિનો ઈતિહાસગ્રંથ લખાય તો એમાં ટાંચાં સાધનની મદદથી તખતા પર કમાલ બતાવનારા પરેશ દરુ, કહો કે છેલ-પરેશ એક એવો અધ્યાય હશે, જે આર્ટ ડિરેક્ટરની આવનારી પેઢી માટે પ્રેરણારૂપ સાબિત થશે.

ચાર ભાષામાં 600થી વધુ નાટક, 30થી વધુ ફિલ્મ તથા સિરિયલ્સ દ્વારા કલાકાર-કસબીઓ તથા પ્રેક્ષકોનાં હૃદયમાં કાયમી સ્થાન કરી ગયેલા કલાસમ્રાટ પરેશ દરુને નાટ્યાંજલિ.