રિશી કપૂર-પરેશ રાવલ… ખાઠીમીઠી સ્મૃતિ!

ઈ કાલે હોલિકાદહનના સપરમા દહાડે ‘શર્માજી નમકીન’ મૂવીનું ટ્રેલર રિલીઝ થયું. ફિલ્મની ખાસિયત એ કે હિન્દી સિનેમાના બે દિગ્ગજ કલાકારો,  સ્વર્ગીય રિશી કપૂર અને પરેશ રાવલ એમાં એક પાત્ર ભજવે છે.

વસ્તુ એવી છે, સાહેબ, કે રિશી કપૂરે આ ફાની દુનિયામાંથી એક્ઝિટ કરી ત્યારે ફિલ્મનું ખાસ્સુંએવું શૂટિંગ બાકી રહી ગયેલું, જે પરેશ રાવલે પૂરું કર્યું છે.

એક રસપ્રદ વાત એ કે, સમ યર્સ બૅક રિશી કપૂરનું એક પાત્ર પહેલાં પરેશ રાવલ ભજવવાના હતા. વાત છે ઉમેશ શુક્લ દિગ્દર્શિત સુપરહીટ ફિલ્મ ‘102 નૉટઆઉટની. 100 વર્ષના દત્તાત્રેય વખારિયા (અમિતાભ બચ્ચન) અને એમના 75 વર્ષી પુત્ર બાબુલાલ ઉર્ફે બાબુડિયો (રિશી કપૂર)ના સંબંધની લાગણીનીતરતી કથા પર આધારિત આ ફિલ્મમાં પુત્ર બાબુડિયાની ભૂમિકા પહેલાં પરેશ રાવલ ભજવવાના હતા, પણ કોઈ અકળ કારણસર એ રોલ રિશી કપૂર પાસે ગયો.

પરેશભાઈ જેમની પ્રતિભાને પંચમુખી રુદ્રાક્ષ સાથે સરખાવે છે એ કવિ-લેખક-દિગ્દર્શક-અભિનેતા-સંગીતકાર સૌમ્ય જોશીના નાટક પરથી બનેલી ‘102 નૉટ આઉટ’માં બાબુડિયાની ભૂમિકા રિશી કપૂરે ભજવી તો હવે એમની શર્માજીની અધૂરી રહી ગયેલી ભૂમિકા પરેશ રાવલ ભજવી રહ્યા છે.

પરેશભાઈ કહે છેઃ “સુપર ઍક્ટર અને સુપર્બ હ્યુમન બીઈંગ રિશીજીને આ મારી અંજલિ છે.”

આ પહેલાં પરેશ રાવલ-રિશી કપૂર રાજકુમાર સંતોષીની ‘દામિની’થી લઈને સંજય છેલની ‘પટેલ કી પંજાબી શાદી’ જેવી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા હતા,

આમ તો ટેલિવિઝન પર એક જ પાત્ર વિવિધ કલાકારો ભજવે એ નવીનવાઈની વાત નથી. 1950ના દાયકામાં જબરદસ્ત લોકપ્રિયતાને વરેલો ટીવીશો ‘રિપ્લે’ઝ બિલીવ ઈટ ઑર નૉટ’ના હોસ્ટ હતા ખુદ લરૉય રૉબર્ટ રિપ્લે. અચાનક 13 એપિસોડ બાદ એમનું હાર્ટ અટૅકથી નિધન થતાં એમના ફ્રેન્ડે બાકીના એપિસોડ પૂરા કર્યા.

અમેરિકાથી ઘરઆંગણે આવીએ તો, વર્ષો પહેલાં એકતા કપૂરની ‘કે’ સિરીઝવાળી અનેક સિરિયલમાં ઍક્ટરોની આવનજાવન સામાન્ય થઈ પડેલી. નવો કલાકાર પરદા પર આવે ત્યારે અમુક સેકન્ડ માટે દશ્ય થીજી જાય ને લખાણ આવેઃ “હવેથી આ પાત્ર આ કલાકાર ભજવશે.” જો કે એકતા મોટા ભાગના કિસ્સામાં પ્લાસ્ટિક સર્જરીનો સહારો લેતી. ફિન્નિશ. પછી શું છે કે ચહેરો જ નહીં, આખેઆખો માણસ બદલાઈ જાય તોય ચિંતા નહીં. જેમ કે, ‘ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી’માં મિહિર વીરાણી ભજવતા અમર ઉપાધ્યાયે શો છોડી દેતાં એની જગ્યાએ રોનીત રૉય આવ્યો. એ જ શોમાં તુલસી વીરાણીનું પાત્ર ભજવતી સ્મૃતિ ઈરાનીના સ્થાને ગૌતમી કપૂર આવેલી. ‘કહાની ઘર ઘર કી’માં પાર્વતીનું મુખ્ય પાત્ર ભજવતી સાક્ષી તન્વરના સ્થાને જયા સીલ આવી ગયેલી. આવા તો અનેક કિસ્સા મળે, પણ એક ફિલ્મમાં એક જ પાત્ર બે અલગ અલગ ઍક્ટરે ભજવ્યા હોય એવો કદાચ આ પહેલો કિસ્સો જ હશે. મકાનની  અગાશી પર ચડેલા શર્માજી રિશી કપૂર હોય, પણ અગાશીની નીચે ઊભેલા શર્માજી પરેશ રાવલ હોય… એક્સાઈટિંગ, હેંને?

‘શર્માજી નમકીન’ની વાર્તા એક નિવૃત્ત વિધુરની આસપાસ ફરે છે. દિલ્હીનિવાસી બી.જી. શર્મા (રિશી કપૂર-પરેશ રાવલ) 58 વર્ષી વિધુર છે. જીવનની સમી સાંજે નોકરી છૂટી જતાં એમનું જીવન થંભી જાય છે. અચાનક એક દિવસ સુખ શર્માજીના બારણે ટકોરા દે છે. એમનો ભેટો એક કિટ્ટી ગ્રુપ (જુહી ચાવલા, શીબા ચઢ્ઢા ઍન્ડ કંપની) સાથે થાય છે. કિટ્ટીની મહિલાઓ શર્માજીની પાકકળાને બહાર લાવવામાં મદદ કરે છે, કિટ્ટી મળી હોય ત્યારે શર્માજી આંગળાં ચાટી જાય એવી ચટાકેદાર વાનગીઓ બનાવે છે. આમ શર્માજીના જીવનમાં જબરદસ્ત પલટો આવે છે, પણ એનો જવાન પુત્ર અને અન્યો આને કેવી રીતે જુએ છે?

હિતેશ ભાટિયા દિગ્દર્શિત, રિશી કપૂર-પરેશ રાવલ ઉપરાંત જુહી ચાવલા, સતીશ કૌશિક, શીબા ચઢ્ઢા અને ઈશા તલવાર વગેરેને ચમકાવતી ‘શર્માજી નમકીન’ 31 માર્ચે પ્રાઈમ વિડિયો પર પ્રીમિયર થશે. ટ્રેલર તો બડું રસપ્રદ લાગે છે. આશા રાખીએ કે ફિલ્મ પણ ટ્રેલર જેટલી જ સ્વાદિષ્ટ હોય.

એ હેંડો ત્યારે, સૌને રંગપંચમીની શુભકામના!