બહુચર્ચિત લાલસિંહ ચઢ્ઢા કેવી છે?

પહેલાં તો એક સવાલઃ 28 વર્ષ પહેલાં અમેરિકાના સિનેમાપ્રેમીઓ માટે બનેલી અને ક્લાસિકની કક્ષામાં આવતી ‘ફૉરેસ્ટ ગમ્પ’ને હિંદી ઑડિયન્સ માટે બનાવવાની શું જરૂર? ઓકે, ‘લાલસિંહ ચઢ્ઢા’ એ ‘ફૉરેસ્ટ ગમ્પ’ની સત્તાવાર રિમેક છે. સમસ્યા એ છે કે એરિક રોથના મૂળ સ્ક્રીનપ્લે પરથી અતુલ કુલકર્ણીએ લખેલી પટકથા અને અદ્વૈત ચંદન (‘સિક્રેટ સુપરસ્ટાર’)નું ડિરેક્શન બન્ને સુસ્ત છે.

-અને પ્રોબ્લેમ એ પણ છે કે પ્રેક્ષક ફિલ્મ સાથે છેક સુધી કનેક્ટ જ નથી થઇ શકતો. ન તો એ ફિલ્મમાંનું કંઈ જ સાથે લઈ જાય છે.

પંજાબના લાલસિંહ ચઢ્ઢા (આમીર ખાન)ની 1970ના દાયકાથી શરૂ થયેલી જીવનસફરમાં (ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સી ઉઠાવી લીધી ત્યારથી) એ ભારતીય ઈતિહાસની કેટલીક મહત્વની ઘટનાનો સાક્ષી બને છે. લશ્કરી જવાનો દ્વારા સ્વર્ણ મંદિરમાં આદરવામાં આવેલું ઑપરેશન બ્લુસ્ટાર, ઈન્દિરા ગાંધીની હત્યા, શીખ રમખાણથી લઈને 1993ના બૉમ્બબ્લાસ્ટ, કારગિલ, છવ્વીસ નવેમ્બર, કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર, વગેરે. અને એ રીતે પંજાબના સરદાર લાલસિંહ ચઢ્ઢાનો સાવ સામાન્ય પ્રવાસ અસામાન્ય બની જાય છે.


વર્તમાન સમયમાં (2017માં) શરૂ થતી ફિલ્મમાં લાલસિંહ ચઢ્ઢા ટ્રેનમાં પોતાની સીટ લે છે. એ બચપનની પ્રેમિકા રૂપા (કરીના કપૂર)ને મળવા ચંડીગઢ જઈ રહ્યો છે. એની સામે એક મધ્યવયસ્ક મહિલા બેઠી છે. લાલસિંહ પાસે એક બૅકપૅક છે, જેમાં ગોલગપ્પા અને ચાલીસેક વર્ષની સ્મૃતિ છે. અચાનક એ ગોલગપ્પાનું બૉક્સ કાઢીને પગ પર મૂકે છે. પછી પ્લાસ્ટિકની બોટલમાં ભરેલું પાણી એમાં નાખી બે-ચાર પાણીપૂરી પેટમાં પધરાવે છે. એની સામે બેઠેલી મધ્યવયસ્ક મહિલા, અન્ય પ્રવાસી (કામિની કૌશલ, વગેરે અને આપણે) એની આ ક્રિયા જોયા કરીએ છીએ. ગોલગપ્પા પછી વારો છે સ્મૃતિના બૉક્સનો. કટ ટુ 1977 અને… અને આખો કમ્પાર્ટમેન્ટ એની કથામાં રસ લેવા માંડે છે.

લાલસિંહ જે ટ્રેનમાં બેઠો છે એ સડસડાટ દોડે છે, પણ ફિલ્મ ફ્રેક્ચર થયેલા પગવાળી ગોકળગાયની ગતિએ આગળ વધે છે, અનેક ઠેકાણે બોરિંગ, ડલ બની જાય છે.

શરૂઆતની 35-40 મિનિટ લાલસિંહના બચપનને ફાળવવામાં આવી છે, જે લાલસિંહની માતા (મોનાસિંહ), લાલસિંહની ક્લાસમેટ રૂપા, અમુક તોફાની છોકરાંની આસપાસ ફરતી રહે છે. લાલસિંહ દિલ્હી માસીને ઘરે જાય છે, ત્યાં ટેરેસ પર એને શાહરુખ ખાન નામનો એક યુવાન મળે છે, જેને બાળ લાલસિંહ થોડા ડાન્સસ્ટેપ શીખવે છે. પછી તો એ બહુ મોટો સ્ટાર બની જાય છે. મૂળ ફિલ્મમાં ગમ્પ ગાયક-સંગીતકાર એલ્વિસ પ્રેઝ્લીને પ્રોત્સાહિત કરે છે. આવી કેટલીક (પણ બહુ ઓછી) મજેદાર મૉમેન્ટસ છે ફિલ્મમાં.

એક ઓર્ડિનરી પંજાબીની મેરેથોન રનર, સૈનિક, સફળ બિઝનેસમૅન (રૂપા અંડરવેર-બનિયાન બનાવતી કંપનીનો માલિક) અને રૂપા (કરીના કપૂર) સાથેના પ્રણયની વાર્તા કારગિલ વૉર બાદ સ્પીડ પકડે છે. લશ્કરમાં બાલા (નાગ ચૈતન્ય) લાલસિંહનો દોસ્ત બને છે. કારગિલ લડાઈમાં લાલસિંહ ઘવાયેલા ભારતીય જવાનોની સાથે ભૂલમાં ઘાયલ પાકિસ્તાની સૈનિક મોહમ્મદ પાજી (માનવ વીજ)ને ભારત લઈ આવે છે, બન્ને દોસ્ત અને બિઝનેસ પાર્ટનર બની જાય છે. કમાલ છેઃ આ તે કેવો પાકિસ્તાનપ્રેમ?

ટૂંકમાં, ક્યારેક ઈમોશનલ, ક્યારેક કોમેડી તો ક્યારેક ટ્રેજેડી એમ અહીંતહીં ઝોલાં ખાતી અને અધકચરી પોલિટિકલ કમેન્ટવાળી ‘લાલસિંહ ચઢ્ઢા’ને હું પાંચમાંથી અઢી માર્ક્સ આપીશ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]