આ ઍક્શન કૉમેડી મારે છે પરફેક્ટ પંચ

આયુષ્માન ખુરાના? ઍક્શન હીરો? ફિલ્મ જોવા ગયો ત્યારે આવી આશંકા હતી, પણ ફિલ્મ જોઈને બહાર નીકળ્યો ત્યારે ઍક્ટર-લેખક-દિગ્દર્શકને દાદ આપ્યા વિના રહેવાયું નહીં. આયુષ્મમાનની સામે જયદીપ અહલાવત પણ જોરદાર ટક્કર આપે છે. ઈનફૅક્ટ, બોલિવૂડ માટે આટલા સારા દિવસો ક્યારેય નહોતા, ખાસ કરીને નવેમ્બર-ડિસેમ્બરઃ ‘દ્રશ્યમ્ ટુ,’ ‘ઊંચાઈ,’ ‘ભેડિયા’ અને હવે ‘ઍન ઍક્શન હીરો,’ ભઈ વાહ.

માનવ (આયુષ્માન ખુરાના) મારધાડ માટે મશહૂર એવો હીરો છે. એ હરિયાણામાં શૂટિંગ કરી રહ્યો છે ત્યાં એના હાથે અકસ્માત્ એક ફૅનની હત્યા થઈ જાય છે. થવાકાળ એ ફૅન ત્યાંના માથાભારે ભૂરા સોલંકી (જયદીપ અહલાવત)નો ભાઈ હોય છે. ભૂરો પોતે મ્યુનિસિપલ કાઉન્સિલર હોવા છતાં એનો દબદબો સુપરસ્ટારથી ઓછો નથી. ગભરાયેલા માનવ લંડન ભાગી છૂટે છે. ભૂરો પણ એનો પિછો પકડતો લંડન પહોંચે છે, જ્યાં બન્ને ઉંદર-બિલાડીની રમત રમે છે. માનવ માટે પોતાને મળેલો ઍક્શન હીરોનો ઈલકાબ જાળવી રાખવાની મથામણ છે. એણે આ આવી પડેલી આફતને અવસરમાં ફેરવવી છે. જ્યારે ભૂરા માટે ઈજ્જતની વાત છે. એનું માનવું છે કે આમ જનતા સ્ટારને સ્ટાર બનાવે છે. તો માનવનું માનવું છે કે આ માથાભારે જાટ પેલા કરડતા નહીં, પણ ખાલી ભસ્યા કરતા કૂતરા જેવો છે.

જુઓ, યાર, યુકે વિસા મેળવવામાં હમણાં કેટલો વિલંબ થાય છે ત્યાં ભૂરો આટલી ઝડપથી રાણીના દેશમાં કેવી રીતે પહોંચી ગયો, ત્યાં બંધૂક કેવી રીતે મેળવી લીધી, જેવા સવાલની બવાલમાં પડવું નહીં. મૂળ વાત વિચિત્ર હોવા છતાં લેખક-દિગ્દર્શક અનિરુદ્ધ યાદવ અને સહલેખક નીરજ યાદવે પાત્રાલેખન, કથાકથનની તેજ ગતિ અને વ્યંગ જાળવી રાખતાં બે કલાક કંટાળો આવતો નથી. બીજું આપડને શું જોઈએ, હેં?

પ્રતિષ્ઠા કેટલી પોકળ હોય છે એ વિશેનાં લેખક-દિગ્દર્શકનાં નિરીક્ષણ ધારદાર છે. રાતોરાત સેલિબ્રિટી બનાવતા ને રાતોરાત એમની હાલત બે કોડીની કરી નાખતા ન્યુઝ ટીવીના સુટેડબૂટેડ સંચાલકોને, એમના દ્વારા ચલાવવામાં આવતી અદાલત, સરકારી ગુપ્તચર શાખાને અહીં રેશમી કોથળામાં પાંચશેરી ઘાલીને ફટકારવામાં આવી છે. મનોરંજનજગતમાં કઈ રીતે કામ ચાલે છે એની પર પણ કટાક્ષ કરવામાં આવ્યો છે. ક્યાંક ક્યાંક અતિરેક પણ આમ છતાં ‘ઍન ઍક્શન હીરો’ એક જોવેબલ ફિલ્મ છે એમ કહી શકાય.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]