ભારતીય રેડિયોનો અવાજ: અમીન સાયાણી

કોરોના વાઈરસ ફૂંફાડા મારતો ચીનથી ભારત આવ્યો અને એને પગલે દેશઆખાને તાળાં મારી દેવામાં આવ્યા ત્યારથી વૉટ્સઍપ પર જાતજાતની જે અફવાઓ ઊડ્યા કરે છે, એમાંની એક છેઃ ‘રેડિયો બ્રૉડકાસ્ટર અમીન સાયાણીનું અવસાન…’ અફવા બાદ એમના પુત્ર રાજીલને ફોન જોડ્યો તો એ કહે કે ‘પપ્પા ઓકે છે. માર્ચથી એ ઘરની બહાર નીકળ્યા નથી.’

મૂળ કચ્છી ખોજા અમીન જાનમોહમ્મદ સાયાણીનો જન્મ 21 ડિસેમ્બર, ૧૯૩૨માં મુંબઈમાં. એમને રેડિયોજગતમાં લાવનાર હતા એમના મોટા ભાઈ હમીદ સાયાણી, જે પોતે અજોડ રેડિયો બ્રોડકાસ્ટર હતા. ‘બૉર્નવિટા ક્વિઝ કોન્ટેસ્ટ’ પ્રોગ્રામ એમણે જ શરૂ કરેલો. ૧૯૭૫માં એમનું અકાળ અવસાન થતાં નાના ભાઈ અમીનભાઈએ એ કાર્યક્રમ સંભાળ્યો. દૂરદર્શનના આગમન પહેલાં અમીન સાયાણી ફિલ્મોની પબ્લિસિટી રેડિયો પર કરતા. ‘રોટી કપડા ઔર મકાન’, ‘શોલે’ જેવા ફિલ્મકાર્યક્રમ તો એક-એક વર્ષ ચાલેલા. અમીનજીની વાત નીકળે ને ‘બિનાકા ગીતમાલા’નો ઉલ્લેખ ન થાય એ પોસિબલ નથી.
સતત ૪૧ વર્ષ ચાલેલો, અસીમ લોકપ્રિયતાને વરેલો એક કલાકનો રેડિયો કાર્યક્રમ ‘બિનાકા ગીતમાલા’ ૨૦૦૧માં ‘વિવિધ ભારતી’ પરથી ‘સિબાકા ગીતમાલા’ના નામે ફરી શરૂ થયેલો. ૧૯૫૨ની આખરથી ૧૯૫૩ના અંત સુધી અડધો કલાકનો ફિલ્મી ગીતોનો કાઉન્ટડાઉન કાર્યક્રમ ‘રેડિયો સિલોન’ પરથી પ્રસારિત થતો. એમાં સાત ગીત પ્રસારિત થતાં. ૧૯૫૪થી બિનાકાએ કાર્યક્રમનું સ્વરૂપ બદલ્યું અને અમીનજીએ સંગીતસીડી અથવા પાયદાન શરૂ કરી.

મેં જ્યારે ‘ચિત્રલેખા’ માટે એમનો ઈન્ટરવ્યુ લીધેલો ત્યારે એમણે કહેલુઃ ‘બિનાકા માટે મને અઠવાડિયાના પચીસ રૂપિયા મળતા, જેમાં કાર્યક્રમ તૈયાર કરવાનો, શ્રોતાના હજારો પત્રો ચકાસવાના જેવી કામગીરીનોય સમાવેશ થતો. એમ તો નવોદિત ગાયક-ગાયિકાને પોતાની પ્રતિભા રજૂ કરવાની તક આપતા ‘ઓવલટિન કી ફુલવારી’ નામના કાર્યક્રમના સંચાલક તરીકે મને દર અઠવાડિયે રોકડા નહીં, પણ ઓવલટિનનો એક નાનકડો ડબ્બો મળતો.’

આ ગીતમાલાની એ હદે લોકપ્રિયતા હતી કે તે વખતે ફિલ્મસંગીતકારનાં મહેનતાણાં પણ ગીતમાલા પર પૉપ્યુલરિટીના આધારે નક્કી થતાં. યાદ હોય તો, ‘અભિમાન’ ફિલ્મમાં એક સીન છે. સિંગર અમિતાભ બચ્ચનનો સેક્રેટરી અસરાની પોતાના બૉસનું ગીત ગીતમાલામાં કયા નંબર પર વાગે છે એના આધારે પ્રોડ્યુસર પાસે પૈસા માગે છે. એ અરસામાં અનેક નાનાંમોટાં શહેરના બગીચામાંનાં લાઉડસ્પીકર પર ગીતમાલા કાર્યક્રમ વહેતો. ૧૯૬૦ના અરસામાં ૨૦ કરોડથી વધુ શ્રોતા ગીતમાલાના હતા, કારણ કે ભારત સહિત પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકાથી આરબ દેશોથી લઈને આફ્રિકાના પૂર્વ કાંઠા સુધી ગીતમાલાનાં ધ્વનિમોજાં પહોંચતાં. રેડિયો ખરીદનાર ગ્રાહકની પ્રથમ શરત એ રહેતી કે એમાં રેડિયો સિલોન પકડાવું જોઈએ. આટલો જબરદસ્ત પૉપ્યુલર કાર્યક્રમ રેડિયો સિલોન પરથી શરૂ થવાનું કારણ એ હતું કે ૧૯૫૦ના દાયકામાં સ્વતંત્ર ભારતના પહેલા ઈન્ફર્મેશન-બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટર, ચુસ્ત શાસ્ત્રીય સંગીતપ્રેમી બાલકૃષ્ણ કેસકરે
‘ઑલ ઈન્ડિયા રેડિયો’ પરથી ફિલ્મગીતના પ્રસારણ પર પ્રતિબંધ મૂકી દીધેલો. એ માનતા કે ફિલ્મગીતો તો વલ્ગર અને ભારતીય સંસ્કૃતિ વિરોધી છે. પરિણામે ગીતમાલા તથા અનેક ફિલ્મકાર્યક્રમ રેડિયો સિલોન પરથી પ્રસારિત થતા.

આ તરફ બિનાકા ટૂથપેસ્ટની ઉત્પાદક સીબા કંપનીને રેડિયો સિલોનની લોકપ્રિયતા ચેક કરવી હતી. કાર્યક્રમ શરૂ થયો એના પહેલા અઠવાડિયે ૧૦,૦૦૦ પત્રો મળ્યા. ત્રણ અઠવાડિયાંમાં તો એ કાર્યક્રમનું લોકોને ઘેલું લાગી ગયું. ૧૯૮૯માં બિનાકા ગીતમાલાને પચીસ વર્ષ પૂરાં થયાં ત્યારે મુંબઈના ષણ્મુખાનંદ હોલમાં એનો મોટો કાર્યક્રમ યોજાયેલો. દેશમાં ટીવીના આગમન બાદ અમીનજીએ દૂરદર્શન માટે પણ અનેક કાર્યક્રમ કર્યા. અવારનવાર ‘ટાટા સ્કાય ક્લાસિક’ પરથી હિંદી સિનેમાના સુવર્ણયુગ વિષયક અમીનજીના ઈન્ટરવ્યુ પ્રસારિત થતા રહે છે.

એમનો એ અવાજ દાયકાઓથી ગૂંજતો રહ્યો છેઃ “જી હાં, ભાઈઓ ઔર બેહનો. મૈં આપકા દોસ્ત અમીન સયાની બોલ રહા હૂં. ઔર આપ સુન રહે હૈં બિનાકા ગીતમાલા.”

ઘણું જીવો, વહાલા અમીનજી!

(કેતન મિસ્ત્રી)