સન સુડતાળીસનો સિને-સિનારિયો…

હાહાહા… ભારતના મુક્ત આકાશમાં ટ્રાઈ-કલર પરચમ લહેરાયાના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાનો ઉત્સવ ચોમેર ઊજવાઈ રહ્યો છે. તમારા માનીતા સદા અગ્રસર સાપ્તાહિક ‘ચિત્રલેખા’એ તો અમૃત મહોત્સવ સતત એક વર્ષ ઊજવવાની જાહેરાત કરી છે. વિગત માટે જોઈ લો લેટેસ્ટ ‘ચિત્રલેખા.’ પણ આપણે વાત કરવી છે 1947ની. આ વર્ષમાં  કેવી કેવી ઘટના ઘટેલી? ને કેવીક ફિલ્મો રિલીઝ થયેલી?

જેમ કે, 8 ઑગસ્ટે કિદાર શર્માની ‘નીલ કમલ’ રિલીઝ થયેલી. હીરોઃ 23 વર્ષી રાજ કપૂર. અને ફીમેલ લીડ્સઃ બેગમ પારા, 16 વર્ષી મધુબાલા (તે વખતે સ્ક્રીન-નેમ હતું મુમતાઝ). ફિલ્મ ખાસ ચાલી નહોતી, પણ આગળ જઈને રાજ-મધુબાલા દંતકથા બની ગયાં.

8 ઑગસ્ટે (1947) જ લેજેન્ડરી કર્ણાટકી ગાયિકા એમએસ સુબ્બુલક્ષ્મી અભિનિત ફિલ્મ ‘મીરા’નો એક પ્રાઈવેટ શો મુંબઈમાં યોજાયેલો. પ્રખર ઈતિહાસકાર વીરચંદ ધરમશી રસપ્રદ માહિતી આપતાં કહે છેઃ “મીરાના પ્રાઈવેટ સ્ક્રીનિંગમાં ઉપસ્થિત હતા કો-ઓપરેટિવ મૂવમેન્ટના પ્રણેતા વૈકુંઠભાઈ લલ્લુભાઈ મહેતા તથા મુંબઈના કેટલાક રાજકીય આગેવાનો… તે વખતે ફિલ્મ-શોમાં રાજકારણીઓ કે મોભાદાર વ્યક્તિ ખાસ જતાં નહીં, પણ એમએસ સુબ્બુલક્ષ્મી માટે તો મહાત્મા ગાંધીજીને પણ આદર એટલે અનેક સમ્માનીય વ્યક્તિએ એમાં હાજરી આપેલી ફિલ્મ, જો કે, રિલીઝ થઈ નવેમ્બરમાં.”

અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમ્માન મેળવનાર અને ગુજરાતી તરીકે આપણને ગૌરવ અપાવનાર ઈતિહાસકાર વીરચંદભાઈ 1947ની બીજી એક રસપ્રદ ઘટના વિશે માહિતી આપે છે. એ કહે છેઃ “તે વખતે ફિલ્મના ધી એન્ડ પછી બ્રિટિશ રાષ્ટ્રગીત “ગૉડ સેવ ધ કિંગ”ની ધૂન વગાડવાનો રિવાજ હતો. આઝાદી મળી તે પછી સૌ એક્ઝીબીટરો (સાદા શબ્દોમાં થિયેટરમાલિકો)એ ભેગા થઈને એક નિર્ણય લીધો કે હવે “ગૉડ સેવ ધ કિંગ” બંધ. એને બદલે અંતમાં રાષ્ટ્રધ્વજ દેખાડવો. એની સાથે “વંદે માતરમ” કે એવા કોઈ દેશભક્તિના ગીતની બે-ત્રણ પંક્તિ વગાડવી. થોડા સમય બાદ તિરંગા સાથે રાષ્ટ્રગીત વગાડવાની પ્રથા અમલમાં આવી.”

ફરી પાછા 1947ની ફિલ્મો પર આવીએ તો, તે વર્ષની પાંચ મબલક નફો કરનારી ફિલ્મો હતીઃ ‘શેહનાઈ,’ ‘દો ભાઈ, ’ ‘દર્દ,’ ‘મિર્ઝા સાહિબાન’ અને ‘જુગ્નૂ.’ એક ફિલ્મ 16 ઑગસ્ટે રિલીઝ થયેલીઃ ‘મેરે ગીત.’ મુંબઈના સ્વસ્તિક થિએટરમાં રિલીઝ થયેલી આ ફિલ્મ એ વિશે એટલી જ માહિતી મળે છે કે તે સમયના જાણીતા ગીતકાર રમેશ ગુપ્તાએ ‘જય શક્તિ પિક્ચર્સ’ના પરચમ તળે એનું નિર્માણ કરેલું. કલાકારો પણ જાણીતા નહોતા. કોઈ પાસે વધુ માહિતી હોય તો પ્લીઝ, શૅર કરજો.

-અને ‘શેહનાઈ…’ હાલ ટીવી-રિઆલિટી શો ‘ડાન્સ દીવાને’નું જ્યાં શૂટિંગ થાય છે એ મુંબઈના ગોરેગામ વિસ્તારમાં આવેલા ‘ફિલ્મિસ્તાન સ્ટુડિયો’ની ફિલ્મ ‘શેહનાઈ’ મુંબઈના ‘નૉવેલ્ટી’માં રિલીઝ થયેલી. આજની કેટલીક સુપરહિટ ફિલ્મના સર્જક રાજકુમાર સંતોષીના પિતા પ્યારે લાલ (પીએલ) સંતોષીએ એ ડિરેક્ટ કરેલી શેહનાઈના કલાકારો હતાઃ દિલીપકુમારના નાના ભાઈ નસીર ખાન, ઈંદુમતિ, રાધાક્રિશ્નન, વીએચ દેસાઈ, રેહાના, વગેરે. પછી તો પીએલ સંતોષીએ મધુબાલા-ભારત ભૂષણ અભિનિત સુપરહિટ ‘બરસાત કી એક રાત’ તથા ‘દિલ હી તો હૈ’ જેવી ફિલ્મો ડિરેક્ટ કરી. એક આડવાતઃ એમનાં પત્ની (અને રાજકુમાર સંતોષીનાં મમ્મી) સુમિત્રા ગુજરાતી હતાં.

મૂળ ગોવાના ચિક ચૉકલેટ તરીકે પ્રખ્યાત એવા સહાયક સાથે મળીને સંગીતકાર સી. રામચંદ્રે તૈયાર કરેલાં ગીત-સંગીત આ ફિલ્મનાં પ્રમુખ આકર્ષણ હતાં. યાદ કરો આ સ્વરાંકનઃ ‘આના મેર્રી જાન, મેર્રી જાન, સન્ડે કે સન્ડે…’ કૉમેડિયન મેહમૂદના પિતા મુમતાઝ અલીઅને દુલારી પર આ સોંગ ચિત્રિત થયેલું.

આ ફિલ્મ અને એનાં ગીત-સંગીત પાછળ લોક ગાંડું થયેલું. એક ઈન્ટરેસ્ટિંગ વાત એ કે ‘મેર્રી જાન’ અને બીજા એક ગીત ‘જવાની કી રેલ ચલી જાયે રે’ માટે છાપાંમાં ચર્ચાપત્રો છપાતાઃ “આવાં વલ્ગર ફિલ્મગીત સમાજને ક્યાં લઈ જશે? આવાં ગીતોથી યુવા પેઢીનું નૈતિક પતન થઈ રહ્યું છે…” સંયોગથી 1990ના દાયકામાં આ જ ગીતના ઢાળ પરથી ઈંડાંનો પ્રચાર કરવા બનેલું ગીત, ‘ખાના મેરી જાન, મેરી જાન, મુર્ગી કે અંડે…’ પણ એટલું જ લોકપ્રિય થયેલું.

દેશના ભાગલા પહેલાંનો ભારેલો અગ્નિ તથા ભાગલા બાદના અંધાધૂંધી, અજંપના માહોલમાં ‘શેહનાઈ’ તથા એનાં ગીત ખાસ કરીને ‘આના મેર્રી જાન સન્ડે’ કામચલાઉ તો કામચલાઉ, પણ છુટકારો અપાવતાં.

-કેતન મિસ્ત્રી