દીવડા અને નવડાનો મહિમા!

અમે તો મોદીજીની જાહેરાત સાંભળતાંની સાથે રણઝણસિંહને ફોન લગાડી દીધો: “જોયું ? મોદીજી માત્ર નવ મિનિટ માગે છે…”
રણઝણસિંહ કહે “અલ્યા નવ ? જ્યાં ચોવીસ ગુણ્યા સાંઈઠ ગુણ્યા એકવીસ દીધી છે ત્યાં નવ બીજી ! એમાં શું ?”
અમે ગુંચવાયા. “ચોવીસ ગુણ્યા સાંઈઠ ગુણ્યા એકવીસ એટલે વળી શું ?”
“ગાન્ડા, એકવીસ દિવસના લોકડાઉનની હંધીય મિનિટું ગણો તો એટલી જ થાય ને !”
અમે તો રણઝણસિંહની ત્યાગ ભાવના ઉપર ઓવારી ગયા. અમે ઉત્સાહમાં આવીને કીધું “તમે જોયું ? સાહેબે નવ વાગીને નવ મિનિટનું કેમ નક્કી કર્યું ? કારણકે નવનો આંકડો એ મંગળનો આંકડો છે ! વળી પાંચમી તારીખ વત્તા ચોથો મહિનો એટલે પણ નવ ! વાહ શું ગોતી લાવ્યા છે…”
“મન્નુડા, હંધાય આંકડાની આપણે ત્યાં કાંઈને કાંઈ મહત્તા કરીને રાખી જ છે ! એક પરમાત્મા, બે શિવ અને શક્તિ, ત્રણ લોક, ચાર દિશા, પાંચ તત્વ, છ ઋતુ, સાત વાર, આઠ ચોઘડિયાં… ગમે ઈ આંકડાની મહિમા કરવા હાટું આપણી આખી સિસ્ટમ તૈયાર છે.”
“હા, એ ખરું…” અમે જરીક મુંઝાયા.
પણ પછી આપણી વોટ્સએપ યુનિવર્સિટી અમારી વહારી આવી પહોંચી. અમે સોશિયલ મિડિયામાં ફરતી સાયન્ટિફીક અને ખગોળશાસ્ત્રની થિયરીને ટાંકીને કહ્યું :


“શું તમને ખબર છે ? આ રવિવારે નવ વાગે મંગળગ્રહ અને શુક્રગ્રહની ભમણકક્ષા બદલાવવાની છે….” વગેરે વગેરે.
રણઝણસિંહે સાંભળ્યે રાખ્યું. અમે ઉપરોક્ત યુનિવર્સિટીનો બીજો હવાલો આપતાં કહ્યું :
“તમને તો એ પણ ખબર નહીં હોય કે દીવાની જ્યોતમાંથી જે ધૂમાડો નીકળે છે એમાં જે ફલાણું ફલાણું તત્વ હોય છે તે હવામાં રહેલા વાયરસનો નાશ કરી શકે છે… વગેરે વગેરે…”
અમારું આખું વક્તવ્ય પુરું થયું એટલે રણઝણસિંહ બોલ્યા : “પત્યું ?”
અમે કહ્યું “હજી તો ઘણું આવશે, પણ હાલ પુરતું પત્યું.”
“તો ઠીક, હવે સાંભળ…”
અમે ફોનનું ડબલું કાને લગાડીને તેને સરવા કર્યા.
“મન્નુડા, જો ખરેખર એમ જ હોય તો આપણે બારીયું, બારણાં અને બાલ્કનીયુંમાં જઈને નાના નાના દીવડા પ્રગટાવવાને બદલે એક ઝાટકે કોરોના વાયરસનો ખાતમો કરી દેવાનો આઈડિયા કરવો જોઈં ને ?”
“કઈ રીતે ?”
“આજકાલ આખા દેશની પોલીસ ખડે પગે સડકો ઉપર ઊભી છે. એમને હુકમ કરો કે ભાઈ, રવિવારે નવ વાગે તમારે દેશની તમામ સડકો ઉપર ઘી વડે તાપણાં કરવાનાં છે ! જરા વિચાર કર મન્નુડા, કાંઈ જેવી તેવી ઉર્જા ઉત્પન્ન થાશે ?”
અમે છક્કડ ખાઈ ગયા. છતાં છેલ્લો સવાલ પૂછી લીધો : “એના માટે ઘી ક્યાંથી લાવવાનું ?”
“કેમ ? હંધાય મંદિરોનાં તાળાં ખોલો ? શું એટલું ઘી સ્ટોકમાં નહીં હોય ? ભઈલા, આખરે તો આ ધરમનું જ કામ છે ને !”
અમે હજી મુંઝવણમાં છીએ કે આને “માસ્ટર-સ્ટ્રોક” કહેવાય કે નહીં !

-મન્નુ શેખચલ્લી

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]