એ કહેવાની જરૂર નથી કે આજે કોરોના વાયરસને લઈને સમગ્ર વિશ્વમાં મૉલ, રસ્તાઓ અને ફ્લાઇટ તથા ટ્રેનો પણ સેનેટાઇઝ થઈ રહી છે. કોરોના વાયરસે માનવજાતને સંકટમાં મૂકી દીધી છે.
પણ આજે વાત એની નથી કરવી. બહારના આ વાઇરસના ખતરા સામે તો બધા લડીશું જ, પણ આજે વાત કરવી છે અંદરના વાઇરસની. આપણી સ્વાર્થી જીવનશૈલી જ રીતે આજે પ્રકૃતિ માટે, પર્યાવરણ માટે અને સમાજ માટે વાઇરસ બની ચૂકી છે એની. દેખીતી રીતે જ એ વાઇરસ સામે આ બહારી ચીજવસ્તુને સેનેટાઇઝ કરીને નહીં લડી શકાય. એના માટે તો આપણે આપણી જાતને અંદરથી સેનેટાઇઝ કરવી પડશે.
હા, આજે જ્યારે દેશમાં 21 દિવસ લોકડાઉનની સ્થિતિ જાહેર કરાઇ છે ત્યારે આપણને આત્માને સેનેટાઇઝ કરવાનો ઉત્તમ સમય મળ્યો છે. આમ પણ, આ 21 દિવસ શું કરવું એ સૌથી મોટો સવાલ છે!
ત્રણ કામ છે જે આપણે આ એકવીસ દિવસમાં કરી શકીએ. આપણે માનવજાત જ્યારે જ્યારે કુદરતી આફતો કે મુશ્કેલીમાં ફસાઈએ છીએ ત્યારે ઈશ્વરને યાદ કરી ભવિષ્યમાં તકેદારી લેવાનાં મનોમન સોગંદ પણ ખાઈએ છીએ. પણ પછી શું? કોઈ તકેદારી લઈએ છીએ ખરા?
૨૨ માર્ચે જ્યારે જનતા કરફ્યૂ જાહેર કરવામાં આવ્યો ત્યારે ફરજિયાત તમામ શહેરોમાં લોકો ઘરમાં ભરાઈ રહેલા. આ દિવસે અમદાવાદમાં હવાનું પ્રદુષણ માપવામાં આવેલું જે સામાન્ય દિવસો કરતાં ઘણું જ ઓછું બતાવતું હતું. અમદાવાદ જ નહીં, દેશના બધા જ શહેરોમાં આ સ્થિતિ હતી. આ એક દિવસના કરફ્યુથી વાતાવરણની શુદ્ધતામાં ખાસ્સો વધારો થયેલો નોંધાયો. એના પરથી આપણે વિચારવાનું છે કે આપણે પર્યાવરણને કેટલું નુકશાન પહોંચાડી રહ્યા છીએ. છેલ્લા થોડા સમયથી સ્વચ્છતા બાબતે સરકાર પણ કડક બની છે અને એ કારણથી લગભગ ભારતભરમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવી છે. ગીરનું જંગલ અને સોમનાથનો દરિયો એ ગુજરાતનું અત્યંત રમણીય સ્થળ ગણાતું. આ સ્થળો આપણી ધરોહર હતી. કુદરત સાથે જોડાવા માટે સૌરાષ્ટ્રના આ બન્ને સ્થળો પ્રકૃતિના ખોળા જેવા હતા. જેમજેમ પર્યટકો વધતા ગયા એમ એમ જંગલો કપાઈને હોટલો બનતી ગઈ અને દરિયો પણ ટૂંકાવીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાઈ રહ્યો છે ત્યારે કુદરતના પ્રકોપ સમો કોરોના જાણે કે પ્રલય બનીને આવ્યો છે. આવનારા 21 દિવસ આપણે પ્રતિજ્ઞા લઈએ કે કુદરતે આપેલા આ સંકેતને સમજીને કેટલાક અતિ મહત્વના કર્યો કરીને ઈશ્વરે આપેલા આ સુંદર જીવન બદલ એમનો આભાર માનીએ.
પર્યાવરણને નુકશાન કરતું સૌથી મોટું પરિબળ હોય તો એ છે વાહનો. આજની પેઢી શારીરિક શ્રમ માટે જીમ પસંદ કરે છે. જીમમાં તગડી ફી ચૂકવીને એક કલાક સાઈકલિંગ કરવું છે, પણ જીવનશૈલીમાં થોડો બદલાવ લાવીને પેટ્રોલના ધુમાડા, અવાજનું પ્રદુષણ અને ટ્રાફિક સમસ્યાને નિવારવા રોજ-બ-રોજના કામમાં સાઈકલનો ઉપયોગ નથી કરવો. જો કે અમુક શહેરોમાં સાઈકલિંગને પ્રોત્સાહન આપવા માટે અને એ રીતે પર્યાવરણની જાળવણી માટે સાઇકલ સેન્ટર શરૂ થયા છે જે ખૂબ જ આવકાર્ય છે. બહુ જ આયોજનપૂર્વક દરેક બાબતના વિચાર પછી જે રીતે આ સેન્ટર શરૂ કરાયા છે એને ખૂબ સારો પ્રતિસાદ મળે તો પર્યાવરણને થતું નુકશાન કંઈક અંશે અટકાવી શકાય. લોકડાઉન દરમ્યાન આપણે જરૂર પૂરતું જ બહાર નીકળીએ, શુદ્ધ હવામાં ઘરની અગાસી પર વ્યાયામ કે યોગાસન કરને જાતને તંદુરસ્ત રાખીએ અને પ્રકૃતિને ભરપૂર માણીએ. સામાન્ય સંજોગોમાં ભાગ્યેજ ઘરના બગીચાના એકા’દ ફુલને ધ્યાનથી જોવાતું હશે તો, અત્યારે મળેલા સમયમાં ઘરના બગીચાને પણ જીવંત બનાવીએ. કલાકો સુધી બગીચામાં બેસીને હળવું સંગીત સાંભળવાનો આનંદ જ ઓર હોય છે. 21 દિવસ દરમ્યાન જો આવી પ્રવૃત્તિને દિનચર્યા બનાવી દેવામાં આવે તો 21 દિવસ પછી આપણને આપણે નવા રૂપમાં મળી શકીશું.
શોખને ફરી જીવંત કરીએ, નવા શોખ કેળવીએ
બાળક હોય કે વડીલ, દરેકને કોઈ શોખ હોય છે. દરેકમાં કોઈ ટેલેન્ટ રહેલી હોય છે. ભણતર, નોકરી, ઘરકામ અને પોતપોતાની જવાબદારીઓનાં બોજ તળે એ તમામ શોખ કે આવડત દબાઈને રહી જતી હોય છે. ક્યારેક કોઈ જૂના સંભારણામાં આવા શોખની એકા’દ ઝલક મળી આવે ત્યારે મન આનંદ અને વિષાદથી ભરાઈ જતું હોય છે. સમયની ખેંચતાણમાં આપણામાં રહેલી વાંચન, ડ્રોઈંગ, પેઇન્ટિંગ, સિગિંગ અને આવી કેટલીય કુશળતાને એક બોક્સમાં પૂરી દીધા હોય છે.
ચાલો, આજે એ બોક્સને ખોલીએ. સારા પુસ્તકો વાંચીએ, મોબાઇલ ફોનની સ્ક્રીન તો સતત વાંચીએ છીએ, પણ આ દિવસોમાં એકાદ પુસ્તક પણ બાથમાં ઝાલીએ અને હદયમાં ભરીએ. ખૂબ હોંશથી વસાવેલા પુસ્તકની ધૂળ ઉડાડી એને પણ પહેલા જેટલો પ્રેમ આપીએ. ગમતું બધું જ કરીએ. મનને ગમતી બધી જ પ્રવૃત્તિ જાતને રિજુવીનેટ કરવા માટે પર્યાપ્ત છે. આ પ્રવૃતિથી પ્રફુલ્લિત થઈ જતું મન છેક આત્માને સેનેટાઈઝ કરે છે.
પરિવાર સાથે યાદગાર સમય વીતાવીએ
છેલ્લે ક્યારે આખા પરિવારે સાથે બેસીને વાત કરી હશે? કોઈ આવું પૂછે તો માથું ખંજવાળવું પડે. આજની દોડધામ ભરી જિંદગી અને મહત્વાકાંક્ષાઓ તથા સપનાઓનો બોજ એટલો વધી રહ્યો છે કે એકજ ઘરમાં રહેતા દરેક સભ્યો અલગ અલગ જિંદગી જીવે છે. દરેકને પોતાનો રૂમ, પોતાનું ટીવી, પોતાના ફોન અને પોતાની વર્ચ્યુઅલ દુનિયા. આ બધામાં આપણે પરિવારની હસી-ખુશી કે હળવાશની પળોને ભૂલી જ ગયા છીએ. એક જ ઘરમાં, એક જ રૂમમાં બેઠેલી ઘરની ચાર વ્યક્તિ પોતપોતાના સેલફોનમાં મોં નાખીને બેઠી હોય એ દ્રશ્ય ઉછીનું લેવા જવું પડે એમ નથી. ક્યારેય એવો વિચાર આવ્યો છે કે જે રીતે કોરોના વાયરસ એકબીજાના સંપર્કમાં આવવાથી પણ ફેલાઈ રહ્યો છે એવી જ રીતે ક્યારેક કોઈ એવો જીવલેણ વાયરસ આવ્યો કે જે મોબાઇલ ફોનને અડકવાથી ફેલાશે તો શું થશે? આ કલ્પના માત્ર સમગ્ર માનવજાતને ધ્રુજાવી નાખનાર છે. Nothing is impossible કયારેય પણ કશું પણ બની શકે છે. માટે આવો, એ એકવીસ દિવ પરિવાર સાથે જીવીએ. સાથે મળીને ઘરના નાના-મોટા કામ કરવા, સાથે બેસીને વિસરાઈ ગયેલી રમતો રમવી, જૂના ફોટોગ્રાફ જોઈને વીતેલા સમયની એ પળોને યાદ કરવી, બાળકોને સાંભળવા અને જીવનના મૂલ્યો વિશે પોતાની જિંદગીમાંથી શીખ આપવી- આ સમય જિંદગીભરનું સંભારણું બની રહેશે. જીવનની જરૂરિયાતોને પૂરી કરવાની દોડધામમાં બાળકના બાળપણને નહિ માણી શકયાનો અફસોસ લગભગ દરેક માતા-પિતાને થતો હોય છે. આપણને આ સમયે એક તક મળી છે કે આપણે આ અફસોસને આનંદમાં ફેરવી શકીએ. આવો ક્વોલિટી ટાઈમ મન અને આત્માને સેનેટાઇઝ કરવા માટે પૂરતો છે.
-પણ આ બધા વચ્ચે આ 21 દિવસ જાતને એનલાઈઝ કરીને આત્માને સેનેટાઇઝ કરવા માટે ખૂબ જ સારો સમય છે. તો ચાલો, રાહ કોની છે? જે મળ્યું છે એને મન ભરીને જીવી લઈએ. શાહરુખાનની ફિલ્મ ‘કલ હો ન હો’ ના ગીતની જેમ જ…
हर घड़ी बदल रही है रूप ज़िन्दगी, छाँव है कभी कभी है धूप ज़िन्दगी,
हर पल यहाँ जी भर जियो, जो है समाँ कल हो न हो।
(નીતા સોજીત્રા)