સામાન્ય રીતે આપણે નવા વર્ષમાં પ્રવેશતાની સાથે ઈચ્છાઓની સૂચિ અને યોજના બનાવીએ છીએ. આ વર્ષે, એ સુનિશ્ચિત કરો કે તમારી ઇચ્છાઓ અને યોજનાઓ જ્ઞાનથી પ્રેરિત હોઈ. જ્યારે આપણી ઈચ્છાઓ અને કાર્યોને જ્ઞાનની શક્તિ મળે છે ત્યારે જીવનમાં સુખ અને આનંદ જ મળે છે. પરંતુ જ્ઞાન વિના, આપણી ઇચ્છાઓ નબળી પડી જાય છે, આપણી યોજનાઓ ગૌણ અને અનિશ્ચિત બની જાય છે.
અહીંયા જે જ્ઞાન વિશે વાત કરું છે એનો અર્થ છે આત્મજ્ઞાન, એટલે કે સમય અને અવકાશના સંદર્ભમાં પોતાને અને આ જીવનને સમજવું. આપણે આ પૃથ્વી પર ક્યારે અને કેવી રીતે આવ્યા અને આ સમયમાં આપણે અહીં શું યોગદાન આપવા માંગીએ છીએ તેના પર ચિંતન કરવું એ જ વાસ્તવિક જ્ઞાન છે. જ્યારે તમે આ ગ્રહને વધુ સારું અને સુખી સ્થાન બનાવવા માટે યોગદાન આપશો એવી દ્રષ્ટિ અને હેતુ સાથે ચાલો છો ત્યારે તમારું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. જ્યારે તમારા જીવનનો ઉદ્દેશ્ય બીજા લોકોના જીવનમાં જ્ઞાન અને આધ્યાત્મિકતાનો ફેલાવો અને સમાજને સુધારવાનો હોય, તો જીવનમાં હતાશા માટે કોઈ સ્થાન નથી રહેતું. યાદ રાખો, આ સમયે જ્યારે વિશ્વ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે અને અસંખ્ય સંઘર્ષોથી ઘેરાયેલું છે, ત્યારે તમે દુનિયાને બીજા લોકો માટે આશાનું કિરણ છો.
જ્ઞાનને આત્મસાત કરવા માટે મૌન જરૂરી છે. મૌનને સર્જનાત્મકતાની જનની કહેવામાં આવે છે. વર્ષમાં બે કે ત્રણ વખત મૌન માટે સમય ફાળવો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ‘હું મારા સ્વભાવમાં પાછો ફરું છું, અને વારંવાર સર્જન કરું છું.’ જ્યારે આપણે આપણા સ્વભાવમાં પાછા ફરીએ છીએ ત્યારે આપણને નવી ઉર્જા મળે છે અને આપણી સર્જનાત્મકતા વધે છે. તે આપણને આપણા સ્ત્રોત સાથે જોડે છે, સકારાત્મક ઉર્જાથી ભરે છે અને આપણને જે જોઈએ છે તે બનાવવાની શક્તિ આપે છે.
ગહન જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે ધ્યાનને આપણી દિનચર્યાનો એક ભાગ બનાવવો જોઈએ. ઘણા લોકો ધ્યાન શીખ્યા છે, પરંતુ હજુ પણ તેને તેમને પ્રાથમિકતા નથી બનાવતા. આ એટલા માટે છે કારણ કે જ્યારે આપણે ખુશ હોઈએ છીએ, ત્યારે આપણે આપણા કાર્યોથી મળતા સુખનો આનંદ માણવા માંગીએ છીએ. તે મૂળને પાણી આપ્યા વિના વૃક્ષના ફળનો આનંદ માણવા જેવું છે. આપણે આપણી જાતને રોજ યાદ અપાવવું જોઈએ કે આપણે મૂળને પાણી આપવું પડશે તો જ વૃક્ષ નિયમિત અને સારી ગુણવત્તા વાળા ફળ આપશે. તેથી ધ્યાનને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવો અને સુનિશ્ચિત કરો કે આપણી આસપાસના દરેક વ્યક્તિ પણ ધ્યાન કરે છે.
આ નવા વર્ષમાં, ચાલો આપણે બંધુત્વની ભાવનાને પ્રોત્સાહન આપવા અને આપણી આસપાસના સંઘર્ષોને ઉકેલવાનો સંકલ્પ લઈએ. પ્રથમ તમે શરૂઆત કરો અને એવા મિત્રોનો સંપર્ક કરો જેઓ આપણાથી અથવા આપણા મિત્રવર્તુળથી દૂર ગયા છે. આજે લોકો, પરિવારો અને દેશો વચ્ચે સર્વત્ર સંઘર્ષ છે અને જો આપણે દરેક સંકલ્પ કરીએ કે આપણે સમુદાયો વચ્ચેના અંતરને દૂર કરીશું અને લોકોને એક કરીશું, તો તે આપણા માટે અત્યંત તૃપ્તિ આપનાર રહેશે.
દરેક વર્ષ, સારું કે ખરાબ, આપણને અનુભવ અને જ્ઞાન પ્રદાન કરે છે. ગયા વર્ષથી શીખેલા બોધને લઈને નવા વર્ષમાં નવી ઉર્જા અને સમર્પણ સાથે આગળ વધો.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)