કિશોરકુમારના ગીતો ગાવાથી કુમાર સાનૂની કારકિર્દી બની

કુમાર સાનૂને ફિલ્મ ‘આશિકી’ (૧૯૯૦) ના ગીતોથી ભલે સફળતા મળી હોય પણ એ પહેલાં ‘જુર્મ’ (૧૯૯૦) માં તક મળી હતી અને એનું લોકપ્રિય ગીત ‘જબ કોઈ બાત બિગડ જાયે’ કિશોરકુમારના ગાયેલા એક ગીતને કારણે મળ્યું હતું. કુમારને પહેલી મોટી તક સંગીતકાર કલ્યાણજી- આણંદજીએ ફિલ્મ ‘જાદૂગર’ (૧૯૮૯) માં અમિતાભ બચ્ચન માટે ગીત ગવડાવીને આપી હતી. ‘જાદૂગર’ માટે કિશોરકુમાર જેવા અવાજની જરૂર હોવાથી એ સમય પર એમના કવર વર્ઝન ગાતા કુમારને કલ્યાણજીએ બોલાવ્યા હતા અને ટાઇટલ ગીત આપી ઓડિશન લીધું હતું.

કુમારને ખબર ન હતી કે એમણે એ ગીતનું રેકોર્ડિંગ કરી લીધું છે. ત્યારે અમિતાભ ન્યુયોર્કમાં શુટિંગ કરતા હતા અને સંજય દત્ત ત્યાં જઈ રહ્યો હતો એટલે એની સાથે કલ્યાણજીએ કુમારના અવાજની કેસેટ મોકલાવી અભિપ્રાય માંગ્યો હતો. અમિતાભે કુમારનો અવાજ સાંભળી ખુશ થઈને કહી દીધું હતું કે બધા જ ગીતો એની પાસે ગવડાવો. કુમારે ત્રણ ગીતો ગાયા હતા. ફિલ્મ ના ચાલી પણ એ વાત ફેલાઈ ગઈ કે કોઈ નવો ગાયક આવ્યો છે અને અમિતાભ માટે ગાયું છે. દરમ્યાનમાં કુમારે સંગીતકાર રાજેશ રોશન સાથે મુલાકાત કરી ત્યારે એમણે કોઈ ગીત સંભળાવવા કહ્યું.

કુમારે એમની જ ફિલ્મ ‘કાશ’ (૧૯૮૭) ના કિશોરકુમારે ગાયેલા ‘ટી સીરીઝ’ માટેના ગીતોના કવર વર્ઝન તરીકે પોતે રેકોર્ડ કરેલા ગીતોની કેસેટ સાંભળવા આપી. એમાંનું પહેલું ગીત ‘બાદ મુદ્દત કે’ સાંભળી રાજેશ અને એમના સહાયકોએ ખાસ પ્રતિભાવ ના આપ્યો અને પછી જાણ કરીશું એમ કહ્યું. તેથી કુમારે બીજું ગીત ‘ફૂલ યે કહાં સે’ સાંભળવાનો આગ્રહ કર્યો. એ પછી એમણે ફરીથી ‘બાદ મુદ્દત કે’ સાંભળ્યું અને પ્રભાવિત થયા પછી વચન આપ્યું કે આ પ્રકારનું કોઈ ગીત હશે તો તને ગાવા માટે જરૂર બોલાવીશું.

થોડા જ દિવસોમાં રાજેશ રોશને ટેલીગ્રામ કરીને ‘જુર્મ’ નું ‘જબ કોઈ બાત બિગડ જાયે’ ગાવા માટે બોલાવ્યા હતા. ૧૯૮૮ માં એનું રેકોર્ડિંગ થઈ ગયું હતું. ૧૯૯૦ માં ‘આશિકી’ રજૂ થઈ એ પહેલાં જ એના ગીતોએ ધૂમ મચાવી દીધી હતી. એ પછી ફિલ્મ ‘જુર્મ’ રજૂ થઈ ત્યારે પણ એ ગીતને ખાસ આવકાર મળ્યો ન હતો. પરંતુ ‘આશિકી’ ના ગાયક કુમાર સાનૂએ બીજાં કયા ગીતો ગાયા છે એ લોકો શોધવા લાગ્યા ત્યારે આ ગીત બહુ ગમ્યું અને ધીમે ધીમે લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. કુમારને ‘આશિકી’ ના ગીતો ગાવાની તક કિશોરકુમાર જેવા અવાજને કારણે મળી હતી એનો પણ રસપ્રદ કિસ્સો છે.

એક વખત ગુલશનકુમારે નદીમ- શ્રવણને કુમારની મુલાકાત એવી રીતે કરાવી કે એ અમારે ત્યાં કિશોરકુમારના કવર વર્ઝન ગાય છે. એમણે કુમારને અજમાવવા રોમેન્ટિક ગીતોનું ‘ચાહત’ નામનું આલબમ અનુરાધા પૌડવાલ સાથે તૈયાર કર્યું અને ગુલશનકુમારને એમના સંગીત રૂમમાં સંભળાવી રહ્યા હતા. ત્યારે નિર્દેશક મહેશ ભટ્ટ કોઈ કામથી અચાનક આવ્યા અને એમણે પણ બધાં ગીતો સાંભળ્યા પછી કહ્યું કે આ કોઈ ફિલ્મના ગીતો જેવા લાગે છે. ગુલશનકુમારે વાતવાતમાં કહી દીધું કે તમે એના પર ફિલ્મ બનાવો. મહેશ ભટ્ટે ગીતો પરથી ફિલ્મની વાર્તા તૈયાર કરી અને નવા કલાકારો રાહુલ અને અનુની સાથે શુટિંગ પણ કરી લીધું. પહેલાં ગીતોનું આલબમ રજૂ થતાની સાથે જ લોકપ્રિય થઈ ગયું. તેથી ફિલ્મ રજૂ કરવાનો ઉત્સાહ આવ્યો. ફિલ્મ પણ હિટ થઈ ગઈ અને એના ગીતોને કારણે કુમાર સાનૂને ગાયક તરીકે એવો પ્રેમ મળ્યો કે પાછું વળીને જોવું પડ્યું નથી.