નવી દિલ્હી: વોટ્સએપ તેના યુઝર્સ માટે સમયાંતરે નવા નવા અપડેટ લઈને આવે છે. હજી ગયા સપ્તાહે જ કંપનીએ ડાર્ક મોડ ફીચર લોન્ચ કર્યું હતું. આ વર્ષે વોટ્સએપમાં અનેક શાનદાર ફીચર લઈને આવી રહ્યું છે. જેમાં મલ્ટીપલ ડિવાઇસ સપોર્ટ, પસંદ કરેલા મિત્રો માટે લાસ્ટ સીન ઓપ્શન, અને અનેક મજેદાર ફીચર સામેલ છે. આપણે અહીં જાણીએ આ અપકમિંગ ફીચર કે જેનાથી તમારું ચેટિંગ વધુ મનોરંજક બની રહેશે.
લાસ્ટ સીન ફોર સિલેક્ટેડ ફ્રેન્ડ્સ
મોટે ભાગે વોટ્સએપ યુઝર્સ તેમની ગોપનીયતા માટે લાસ્ટ સીન ઓપ્શનમાં ‘Nobody’ ( કોઈ નહીં)’ સિલેક્ટ કરીને રાખે છે. આ ઓપ્શનથી બીજાને ખબર નથી પડતી કે છેલ્લે તમે ક્યારે વોટ્સએપ પર એક્ટિવ હતા. જો કે, આ ઓપ્શનની એક મર્યાદા પણ છે જેમાં તમે પણ બીજાનું લાસ્ટ સીન નથી જોઈ શકતા. હવે ટૂંક સમયમાં તમે ‘પસંદ કરેલા મિત્રો માટે લાસ્ટ સીન’ ઓપ્શન મળી રહેશે જેમાં તમે પસંદ કરેલા મિત્રોને તમારું લાસ્ટ સીન દેખાડી શકશો અને તેમનું લાસ્ટ સીન પણ જોઈ શકશો. હાલમાં આ ફીચરનું ટેસ્ટીંગ ચાલી રહ્યું છે, એવી અપેક્ષા છે કે આગામી કેટલાક સપ્તાહમાં આ સુવિધા તમામ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.
મલ્ટીપલ ડિવાઇસ સપોર્ટ
અત્યારે વોટ્સએપ યુઝર્સ એક સમયે એક ડિવાઇસ પર જ તેમનું એકાઉન્ટ એક્ટિવ રાખી શકે છે. કેટલાક યુઝર્સને આ કારણે અનેક વાર મુશ્કેલી થાય છે. હવે વોટ્સએપ ટૂંક સમયમાં મલ્ટીપલ ડિવાઇસ ફિચર્સ રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે, જેથી વપરાશકર્તાઓ તેમનું એક જ એકાઉન્ટ અલગ અલગ ડિવાઈસ પર ચલાવી શકશે. આ એ યુઝર્સ માટે માટે ખૂબ ઉપયોગી થશે જે એક કરતા વધુ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. જો કે, હજુ સુધી કંપનીએ આ ફીચરની લોન્ચિંગ ડેટ અંગે કોઈ જાણકારી આપી નથી.
ઓટોમેટિક ડિલીટ થઈ જશે મેસેજ
એપ પર મળતા આ ફીચરની મદદથી યુઝર્સ તરફથી મોકલેલા કે રિસીવ કરેલા મેસેજને એક સેટ કરવામાં આવેલી ટાઈમ લિમિટ પછી ગાયબ કરી દેશે. વોટ્સએપ અપડેટ્સને મોનિટર કરનારી વેબસાઈટ WABetaInfo અનુસાર હજુ આ ફિચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. ડિસઅપિયરિંગ મેસેજ ફીચર્સને વોટ્સએપના બીટા વર્જન 2.19.275માં જોવા મળ્યું છે. વોટ્સએપનું આ ફિચર સૌ પ્રથમ ગ્રુપ ચેટ માટે રોલઆઉટ કરવામાં આવી શકે છે. આ ફિચરનો ગ્રુપ એડમિન ઉપયોગ કરી શકશે અને નક્કી કરી શકશે કે કોઈ મેસેજ કેટલા સમય બાદ ડિલીટ થઈ જશે.
વોટ્સએપ સિક્યોર ચેટ બેકઅપ
વોટ્સએપ અત્યારે ચેટને બેકએપ કરીને તેમની સિક્યોરિટી વધારવાનાર ફીચર પર કામ કરી રહ્યું છે. અત્યારે વોટ્સએપ ચેટ હિસ્ટ્રી iCloud અથવા તો ગૂગલ ડ્રાઈવ પર સેવ થાય છે, પણ આ બેકઅપ ફાઈલ વોટ્સએપના એન્ડ-ટૂ-એન્ડ ઈનક્રિપ્શનથી પ્રોટેક્ટેડ નથી હોતી. નવા સિક્યોરિટી ફીચરથી વોટ્સએપ આ ખામીને દૂર કરવા માગે છે. આ ફીચર લોન્ચ થયા બાદ યુઝર્સ ક્લાઉડ પર બેકઅપ લેતા પહેલા ચેટ હિસ્ટ્રીને ઈનક્રિપ્ટ કરી શકશે.
એન્ડ્રોઈડ ડિવાઈસ માટે વોટ્સએપ અત્યારે ફિંગરપ્રિન્ટ લોક સપોર્ટની સાથે આવે છે. જેના મારફતે યુઝર તેમના વોટ્સએપને ફોનના ફિંગરપ્રિન્ટ મારફતે લોક કરી શકે છે. હવે કંપની એન્ડ્રોઈડ માટે નવા સિક્યોરિટી ફીચર ફેસ અનલોકનું ટેસ્ટિંગ કરી રહી છે. આઈઓએસ યુઝર્સ માટે તો કંપનીએ ગયા વર્ષે જ આ ફિચરને લોન્ચ કરી દીધું હતું.