અભિમાન તો રાજા રાવણનુંય ટક્યું નથી

અભિમાન તો રાજા રાવણનુંય ટક્યું નથી

રાવણ અતિ વિદ્વાન અને શક્તિશાળી રાજા હતો. એ પરમ શિવભક્ત પણ હતો. એના રાજ્યમાં સમૃધ્ધિ આળોટતી. આ બધાનું એને ખૂબ અભિમાન હતું. આપણે જાણીએ છીએ તેમ રાવણને દસ માથાં હતાં. દસ માથાવાળો માણસ સંભવી શકે નહીં એટલે અહીંયા દસ માથાનો અર્થ દસ માણસ કરતાં પણ વધુ ઘમંડ હતો એવો થાય. આ ઘમંડે જ રાવણનું પતન નોતર્યું અને સોનાની લંકાનો ધ્વંશ થયો. રાવણનો પણ સકુળ વિનાશ થયો.

જ્યારે કોઈ વ્યક્તિ પોતાની સંપત્તિ કે સત્તાના જોરે અભિમાનમાં રાચતી હોય ત્યારે આ કહેવત વપરાય છે. આ પ્રકારનું અભિમાન રાવણ જેવા મહા શક્તિશાળીનું પણ નથી ટક્યુ એ દાખલો અપાય છે.

ભક્ત કવિ નરસિંહ મહેતાએ આ સંદર્ભમાં કહ્યું છે-

“રાવણ સરખો રાજિયો, જેની મંદોદરી રાણી;

દશ મસ્તક છેદાઈ ગયાં, બધી લંકા લુંટાણી”

આવી જ પંક્તિઓ કવિ બુલખીરામે કહી છે-

“રૂડો હતો રાવણ શાસ્ત્રવેત્તા

નવે ગ્રહો નિકટમાં રહેતા

હરી સીતા કષ્ટ લહ્યું કુબુદ્ધિ

વિનાશકાળે વિપરીત બુદ્ધિ”

આવી જ વાત કબીરજીએ નીચેની પંક્તિઓ થકી કહી છે-

“ગરવ કિયો જબ લંકાપતિ રાવણે‚ લંકાપતિ રાવણે

સોન કેરી લંક જલાયો.. સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે…

કહત કબીરા સુનો ભાઈ સાધુ‚ સુન મેરે સાધુ રે..

શરણે આવ્યો વાં કો તાર્યો‚ સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે…”

આમ જો મહાશક્તિશાળી રાવણનું અભિમાન ન ટક્યું હોય, હિટલર, ઔરંગઝેબ કે મુસોલિની જેવા હતા ન હતા થઈ ગયા હોય તો એના પરથી મિથ્યાભિમાનમાં નહીં રાચવાનો દાખલો લઈ નિરાભીમાની રહેવું જોઈએ. ધન, સંપત્તિ, સત્તા કે વિદ્યાનું અભિમાન ક્યારેય લાંબુ ટકતું નથી.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)