જાળવો ઈસ, બેસો વીસ

 

જાળવો ઈસ, બેસો વીસ…

 

શહેરી ઘરોમાંથી અને ક્યાંક ક્યાંક ગામડામાં પણ ખાટલો અદ્રશ્ય થતો જાય છે. ચાર પાયા અને એ પાયાને જોડતા લંબાઇ અને પહોળાઈ અનુસારનાં લાકડાં જે આકૃતિ બનાવે તેને ખાટલો કહેવાય. જે સામાન્ય વપરાશમાં બેસવા માટે તેમજ રાત્રે ગોદડું બિછાવીને સૂઈ જવા માટે ઉપયોગમાં લેવાય છે. આ ખાટલાના પાયાને જોડતો લંબાઈવાળો લાકડાનો ભાગ “ઈસ” કહેવાય છે. જ્યારે પહોળાઈ તરીકે જોડતો ભાગ “ઉપળું” કહેવાય છે.

ઈસ લાંબી છે એટલે વધારે માણસો બેસે તો એ વજનને કારણે વળે અને વજન વધી જાય તો તૂટી જાય. આ કારણથી ઈસ ઉપર આવતું વજન બૅલેન્સ કરવું પડે. જેથી વજનનું અસંતુલિત વિતરણ ઇસને નુકસાન ન કરે. આ વાત સમજાવવા માટે ઉપરોક્ત કહેવત વાપરી છે. ક્યારેક આ સિધ્ધાંત ભૂલી જનાર ખાટલામાં અસંતુલિત વજનને કારણે ઈસ તૂટી જવાથી નીચે પછડાય છે. મુળ આ એન્જીનિયરીંગનો સિધ્ધાંત બહુ સરળ રીતે સામાન્ય વ્યવહારમાં ગોઠવી દેવાયો છે અને કહેવાયું છે “જાળવો ઈસ, બેસો વીસ”.

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)