(પતિ-પત્ની પરસ્પરની પ્રવૃત્તિઓ પ્રત્યે અનુકૂળ થઈને રહે. પત્નીના જે ધન આદિ પદાર્થો છે એ પતિના પણ છે અને પતિના જે ધન આદિ પદાર્થો છે એ પત્નીના પણ છે. આ વિષયે ક્યારેય તેમની વચ્ચે દ્વેષ થવો જોઈએ નહીં. તેમણે આપસમાં હળીમળીને આનંદ માણવો.)
વીણા ભટ્ટ નામનાં મારાં ક્લાયન્ટ કહેતાં, “મારા પતિને જ્યારે પણ પૈસાની જરૂર હશે ત્યારે હું તેમને મદદ કરીશ, પરંતુ મારો હિસાબ હંમેશાં અલગ રહેશે.”
વીણાબહેનના કહેવાનો ભાવાર્થ એવો હતો કે તેઓ પોતાના પતિના પૈસા પર નિર્ભર રહેવા માગતાં નથી. આમ છતાં, પતિને જરૂર હોય ત્યારે તેમને સહાય કરવાની તેમની તૈયારી છે. આમ, તેઓ નાણાકીય આત્મનિર્ભરતાની વાત કરી રહ્યાં હતાં. વર્તમાન જગતમાં આવા વલણમાં કંઈ જ ખોટું નથી.
હવે આપણે રાહુલ જૈન નામના યુવા વેપારીની વાત કરીએ. મૂળ જયપુરનો રાહુલ મુંબઈમાં રહે છે. તે પણ સ્પષ્ટપણે કહે છે, “મારી પત્ની રીના ગૃહિણી છે પણ તે પોતાની રીતે ખર્ચ કરવા સ્વતંત્ર છે. હું તેને કોઈ સવાલ નહીં કરું, કારણકે કમાવાની મારી જવાબદારી હોય તો ઘર સંભાળવાની તેની. જોકે, એ મારી આવક, અમારાં રોકાણો, વીમો, વગેરે બાબતે સવાલો પૂછ્યે રાખે એ પણ મને નહીં ગમે.”
પતિ અને પત્ની આર્થિક રીતે સ્વતંત્ર-આત્મનિર્ભર હોય તે જ ખરી સ્વતંત્રતા એવું આજકાલ માનવામાં આવે છે. હકીકતમાં આ બાબત મૂળભૂત રીતે જ અયોગ્ય છે. તેનું કારણ એ છે કે પતિ અને પત્ની રથનાં બે પૈડાં હોય છે. તેઓ અલગ અલગ હોવા છતાં તેમણે પરસ્પર અવલંબન રાખીને ચાલવું પડે છે. તેમણે જીવન અને પરિવારનો રથ સંયુક્તપણે દોડાવવાનો હોય છે. બન્ને પૈડાં અલગ અલગ હોવા છતાં એકસાથે જ દોડે એ જરૂરી છે. એક પૈડું કામ ન કરે તો બીજું પણ ન કરી શકે.
પતિ-પત્ની શારીરિક અને ભાવનાત્મક જરૂરિયાતો પૂરી કરવા માટે પરસ્પર નિર્ભર હોય છે. તેમની સામાજિક જરૂરિયાતો પણ તેમણે સાથે મળીને જ સંતોષવાની હોય છે. દા.ત. ધાર્મિક વિધિઓ કરવી, વડીલોની સેવા કરવી, બાળકોને ઉછેરવાં, વગેરે. પાર્ટીઓમાં જવું કે બહાર ફરવા જવું એ બધામાં પણ એકમેકનો સાથ આવશ્યક છે.
લાગણીઓની બાબતે તેઓ પરસ્પર અવલંબન ધરાવે છે. માનસિક તાણ હોય, હતાશા હોય, સુખ હોય કે પછી આનંદની વહેંચણી કરવાની હોય, બધામાં એકબીજાનો સથવારો અને સધિયારો આવશ્યક હોય છે. પતિ-પત્નીએ એકબીજાના શ્રેષ્ઠ મિત્ર બનીને રહેવાનું હોય છે. બન્ને જણ એકબીજાના મૂડને સમજતાં હોય છે અને સાથ આપતાં હોય છે. જો શારીરિક, સામાજિક અને ભાવનાત્મક દૃષ્ટિએ તેમને એકબીજા વગર ચાલી શકતું ન હોય તો આર્થિક દૃષ્ટિએ પણ તેમના વચ્ચે પરસ્પર અવલંબન હોવું જોઈએ.
મહિલાઓને સદીઓથી વંચિત રાખવામાં આવી છે અને તેમનું શોષણ કરવામાં આવ્યું છે એ વાત તો સાચી જ છે, પણ હવે તેઓ પોતાની રીતે જીવવા મુક્ત છે એવું કહીને માત્ર તેમના નાણાકીય સ્વાતંત્ર્યનો આગ્રહ રાખવો એ ખરું સ્વાતંત્ર્ય નથી. આ જ રીતે પતિએ પણ પોતાની આર્થિક સ્થિતિ વિશે પત્નીને માહિતગાર રાખવી જરૂરી છે.
ખરું પૂછો તો, આ મામલો એવો છે કે તેમાં શું કરવું અને શું નહીં કરવું તેની સ્પષ્ટ માર્ગરેખા દોરી શકાય નહીં. આ પ્રશ્ન દરેક યુગલે જાતે જ સંભાળી લેવાનો હોય છે. વળી, આ કોલમમાં કોઈ પ્રવચન આપવાનો ઉદ્દેશ જરાપણ નથી. આપણે તો શાસ્ત્રોમાં નાણાકીય પરસ્પર અવલંબન વિશે જે કહેવાયું છે તેના પરથી ચર્ચા કરી રહ્યા છીએ.
આપણે શરૂઆતમાં જે ઉદાહરણ જોયાં તેમાં એકબીજાને સહયોગ આપવાની વાત છે, પરંતુ તેમાં હકીકત એવી હોય છે કે જે માણસ આપનાર હોય તેનો હાથ હંમેશાં ઉપર રહેતો હોય છે અને લેનારે કૃતજ્ઞતા દાખવવી પડતી હોય છે. આ બધી બાબતો લાગણીના નાજુક તાંતણાઓ છે. તેના વિશે કાળજીપૂર્વક વિચાર કરવાનો હોય છે. કોઈ પણ સંબંધમાં એકનો હાથ ઉપર હોય અને બીજાનો નીચો હોય ત્યારે જાણ્યે-અજાણ્યે, વહેલો કે મોડો, અહમ્ આવી જાય છે. આવું ન થાય તે માટે શાસ્ત્રોમાં સંયુક્ત હિસાબની વાત કરવામાં આવી છે.
બધા પૈસા બન્નેના હોય છે. બન્ને જણ તેના માલિક છે અને તેનું સંચાલન કેવી રીતે કરવું એ બન્ને જણ નક્કી કરે. પતિ-પત્નીમાંથી કોઈ એકનો હાથ ઉપર ન રહે, કોઈ કોઈના પર ઉપકાર કરતું નથી. કોઈ ઉપર નથી અને કોઈ નીચું નથી. બન્ને જણ સમાન છે. થોડા ઘણા અંશે બૅન્કના જોઈન્ટ અકાઉન્ટ જેવી આ વાત છે.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)