ઈન્સ્ટન્ટ બન ઢોસા

ઢોસામાં પણ જોઈએ તેટલી નવી વેરાયટી જાણવા મળે છે. વળી, ઢોસા તો બાળકોના પ્રિય છે જ!  તો ઈન્સ્ટન્ટ બન ઢોસા તો સહુને ભાવશે!

સામગ્રીઃ

  • રવો 1 કપ
  • દહીં ¾ કપ
  • પાણી ½ કપ
  • કોથમીર ધોઈને સમારેલી 2 ટે.સ્પૂન
  • કાંદો 1
  • બેકીંગ સોડા ¼ ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ

વઘાર માટેઃ

  • જીરુ 1 ટી.સ્પૂન
  • રાઈ 1 ટી.સ્પૂન
  • અડદ દાળ 1 ટી.સ્પૂન
  • કળીપત્તાના પાન 7-8
  • તેલ 1 ટી.સ્પૂન
  • સફેદ 1 ટી.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 1 ટે.સ્પૂન

ચટણી માટેઃ

  • ચણા દાળ 1 ટે.સ્પૂન
  • અળદ દાળ 1 ટે.સ્પૂન
  • નાનો કાંદો 1
  • ટામેટું 1
  • કાશ્મીરી લાલ મરચાં 3-4 (પાણીમાં પલાળેલા)
  • રાઈ ½ ટી.સ્પૂન
  • કળી પત્તાના પાન 3-4
  • તેલ ½ ટી.સ્પૂન

રીતઃ રવો તેમજ દહીં મેળવીને તેમાં ½ કપ જેટલું પાણી થોડું થોડું ઉમેરી દો. આ મિશ્રણને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દો.

એક ફ્રાઈ પેનમાં વઘાર માટે તેલ ગરમ કરી તેમાં રાઈ તેમજ જીરૂ તતડાવી દો. અળદની દાળ ઉમેરીને 2 મિનિટ સાંતળો, જેથી ચઢી જાય. ત્યારબાદ તેમાં કળી પત્તાના પાન ઉમેરીને ઝીણો સમારેલો કાંદો મેળવીને ગુલાબી રંગનો સાંતળો. ત્યારબાદ સફેદ તલ તેમજ કોથમીર ઉમેરીને તરત ગેસ બંધ કરી દો.

10 મિનિટ થાય એટલે દહીં રવાનું મિશ્રણ લઈ તેને મિક્સીમાં બારીક પીસી લીધા બાદ તેમાં વઘારેલી સામગ્રી તથા મીઠું સ્વાદ મુજબ ઉમેરી દો. થોડી કોથમીર મેળવી દો. હવે બેકીંગ સોડા તેમાં નાખીને ઉપર 1 ટી.સ્પૂન જેટલું પાણી મેળવીને ચમચા વડે એકસરખું હલાવ્યા બાદ આ મિશ્રણને એક વઘારીયામાં 1 ટી.સ્પૂન જેટલું તેલ ગરમ કરી ગેસની ધીમી આંચે 1 થી 1½  કળછી જેટલું તેમાં ઉમેરીને ઢાંકીને ધીમી આંચે ½ મિનિટ રાખીને ચમચી વડે તેને ઉથલાવીને બીજી બાજુ પણ ઢાંકીને થવા દો. બંને બાજુએથી સોનેરી રંગના બન ઢોસા શેકાઈ જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લો.

ચટણીઃ ફ્રાઈ પેનમાં ચણા તેમજ અળદ દાળને શેકી લો. તેમાં સમારેલા કાંદા તેમજ ટામેટાં પણ સાંતળી લો. આ મિશ્રણ ઠંડું થાય એટલે મિક્સીમાં પલાળેલાં મરચાં, મીઠું સ્વાદ મુજબ ઉમેરીને બારીક પીસી લો. એક વઘારીયામાં તેલ ગરમ કરી રાઈ તતડાવી, કળીપત્તાના પાન ઉમેરી લીધા બાદ વઘારને ચટણીમાં રેડી દો.

બન ઢોસા ચટણી સાથે પીરસો.