નવી દિલ્હીઃ કોરોના રોગચાળાને લીધે દેશમાં છેલ્લા ત્રણ મહિનાથી બધા પ્રકારની ક્રિકેટ પ્રવૃત્તિ બંધ છે એટલે ભારતીય ટીમના ખેલાડીઓ પણ પ્રેક્ટિસ માટે મેદાનમાં જઈ નથી શક્યા. મોટા ભાગના ખેલાડી ફિટનેસ જાળવી રાખવા માટે ટીમના ટ્રેનરના નિર્દેશોનું પાલન કરી રહ્યા છે. જોકે હવે બધા ક્રિકેટરો ટુર્નામેન્ટ અને પ્રેક્ટિસ કરવાની રાહ જોઈ રહ્યા છે અને મેદાનમાં ઊતરવા ઉત્સુક છે.
ચહલ ક્રિકેટ રમવા ઉતાવળો
ક્રિકેટ મેદાનની સાથે સોશિયલ મિડિયા પર ધમાલ મચાવતો ભારતીય ટીમનો લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ પણ મેદાનમાં ઊતરવા માટે અધીરો બન્યો છે. જોકે ઘરે રહેવા દરમ્યાન ચહલ કેટલીક એક્ટિવિટીમાં વ્યસ્ત રહે છે. એક ઇન્ટરવ્યુમાં ચહલે જણાવ્યું હતું કે તે ઓનલાઇન ડાન્સ ક્લાસ લઈ રહ્યો છે અને ડાન્સ તેની હોબી બની ગઈ છે. એની સાથે લોકડાઉન દરમ્યાન કેટલાય પ્રકારની મોબાઇલ ગેમ પણ રમી રહ્યો છે.
ચહલે કહ્યું હતું કે તે સવારે કસરત કરે છે. ભારતીય ટીમના ટ્રેનરે જે નિર્દેશ આપ્યા છે. તેનું તે સખતાઈથી પાલન કરી રહ્યો છે. એ ડાન્સ ક્લાસમાં પણ સમય પસાર કરી રહ્યો છે.
ખાલી સ્ટેડિયમમાં રમવાની મજા જરાય નહીં
ચહલે કહ્યું હતું કે જો IPLની ટુર્નામેન્ટ ખાલી સ્ટેડિયમમાં કરાવવામાં આવત તો એ દર્શકો વગર ફિક્કી પડી જાત. દર્શકો વગર સ્ટેડિયમમાં રમવાની જરાય મજા ન આવે.
કુલદીપ અને હું એકસાથે રમતા મોટા થયા છે. મેદાનમાં અમારી જોડી શાનદાર રહે છે. અમે બંનેએ ભારતીય ટીમમાં એકસાથે રમવાનું શરૂ કર્યું અને એકસાથે ઘણું બધું શીખ્યા. અમારી બંને વચ્ચે સારો તાલમેલ છે. મને એની સાથે બોલિંગ કરવામાં મજા આવે છે.
હું ટેસ્ટ ક્રિકેટ માટે તૈયાર નથી
કુલદીપની જેમ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કરવા માટે હું હજી તૈયાર નથી, કેમ કે ટેસ્ટ ક્રિકેટ પડકારપૂર્ણ ફોર્મેટ છે. આમાં ક્રિકેટરોની અસલ પરીક્ષા હોય છે. હું ભાર માટે ટેસ્ટ ક્રિકેટ રમવા ઇચ્છું છું, પણ હાલ ઘરેલુ ક્રિકેટમાં લાલ બોલથી ખુદને સાબિત કરવા ઇચ્છું છું. ત્યાર બાદ હું ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમવા વિશે વિચારીશ. સ્પષ્ટ કહ્યું તો ટેસ્ટ ક્રિકેટ રમવા માટે હાલ હું તૈયાર નથી.