નવી દિલ્હીઃ કોરોના સંકટથી ઝઝૂમી રહેલા ગુજરાત અને મહારાષ્ટ્ર પર હવે વાવાઝોડાનું જોખમ ઝળૂંબી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે તાજા અપડેટમાં કહ્યું છે કે અરબી સમુદ્રમાં બનેલું ડિપ્રેશન બપોર પછી ડીપ ડિપ્રેશનમાં તબદિલ થઈ જશે અને ઇસ્ટ સેન્ટ્રલ અરબી સમુદ્રમાં આગામી 12 કલાક દરમ્યાન ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે. આ વાવાઝોડાથી સૌથી વધુ જોખમ મુંબઈને છે, જેને લીધે ત્યાં રેડ અલર્ટ જારી છે. બહુ આશ્ચર્યની વાત છે કે જૂન મહિનામાં કોઈ વાવાઝોડું મહારાષ્ટ્ર અથવા ગુજરાતમાં મુસીબતો વધારનારું છે. સામાન્ય રીતે આવું નથી થતું.
1891માં સૌપ્રથમ વાર મહારાષ્ટ્રમાં જૂન વાવાઝોડું આવ્યું હતું
1891માં સૌપ્રથમ વાર મહારાષ્ટ્રમાં જૂન મહિનામાં વાવાઝોડું આવ્યું હતું. ત્યારે પહેલી વાર અરબી સમુદ્રમાં મહારાષ્ટ્રના તટીય વિસ્તારોની આસપાસ વાવાઝોડાનું જોખમ ઊભું થયું હતું
બંગલાદેશે ‘નિસર્ગ’ નામ આપ્યું
બંગલાદેશે નિસર્ગ નામ આપ્યું. વૈશ્વિક હવામાન સંસ્થાના 13 સભ્ય દેશ વારાફરથી વાવાઝોડાનાં નામ આપે છે. આ વખતે આ ચક્રવાતનું નામ બંગલાદેશે આપ્યું છે. અંગ્રેજીમાં એક શબ્દ છે Nisarga- જેનો અર્થ બાંગ્લા ભાષામાં પ્રકૃતિ થાય છે.
મુંબઈમાં રેડ અલર્ટ જાહેર કરતા ભારતીય હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે સમુદ્રમાં ચોથી જૂન સુધી સ્થિતિ બહુ વિકટ હશે. આ દરમ્યાન 90થી 100 કિલોમીટર પ્રતિ કલાકમની ઝડપે પવન ફૂંકાશે, જે વધીને 110 કિલોમીટર પણ થવાની શક્યતા છે. આ વાવાઝોડાની અસર મુંબઈ પર સૌથી વધુ થશે અને એને કારણે મુંબઈ મહાનગરપાલિકાના કન્ટ્રોલ રૂમ અને અન્ય વિભાગોના કન્ટ્રોલ રૂમમાં પર્યાપ્ત કર્મચારીઓની સંખ્યાને તહેનાત કરવામાં આવી છે.
પૃથ્વીના વાયુમંડળમાં હવા હોય છે, સમુદ્રની ઉપર જમીન તરફ હવા જાય છે. હવા હંમેશાં ઉચ્ચ દબાણથી નીટા દબાણવાળા ક્ષેત્ર તરફ ફંટાય છે, જ્યારે હવા ગરમ થઈ જાય છે, ત્યારે હલકી થઈ જાય છે અને ઉપર ઊઠવા લાગે છે. સમુદ્રનું પાણી ગરમ હોય છે તો એના ઉપર મોજૂદ હવા પણ ગરમ થઈ જાય છે અને ઉપર ઊઠવા લાગે છે. આ જગ્યાએ નિમ્ન દબાણનું ક્ષેત્ર બનવા લાગે છે. ત્યારે આસપાસની ઠંડી હવા આ નિમ્ન દબાણવાળા ક્ષેત્રને ભરવા માટે આગળ વધવા લાગે છે, પણ પૃથ્વી પોતાની ધરી પર ફરતી રહે છે, જેને કારણે આ હવા સીધી દિશામાં નહીં જઈને ઘૂમવા લાગે છે અને ચક્કર લગાવતી આગળ વધવા માંડે છે. એને ચક્રવાત કહે છે.