અમદાવાદઃ શહેરમાં બહુ ચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં કાર્તિક પટેલને કોર્ટમાંથી આંચકો મળ્યો છે. કોર્ટે કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી ફગાવી છે. તેમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. હોસ્પિટલના સંચાલક કાર્તિક પટેલના જમાઈએ અરજી કરી હતી, તેમાં ધરપકડથી બચવા માટે કાર્તિક પટેલ વતી અરજી કરવામાં આવી હતી.
ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈ હાઇકોર્ટમાં અરજી થઈ છે તેમાં ભોગ બનનાર 15 અરજદારોની અલગ-અલગ ફરિયાદ નોંધવાની માગ માટે અરજી થઇ છે. જોકે અત્યાર સુધીમાં માત્ર એક જ ફરિયાદ નોંધવામાં આવી છે.
આ હોસ્પિટલમાં થયેલા ઓપરેશન બાદ દર્દીઓને કોઈ ને કોઈ તકલીફ ઊભી રહી છે. અત્યાર સુધી કોઈ તપાસ એજન્સી કે આરોગ્ય વિભાગ તરફથી નિવેદન લેવામાં આવ્યાં નથી. તાજેતરમાં જ આ કાંડમાં વધુ બે નામ સામે આવ્યાં છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં CEO રાહુલ જૈન અને મિલિંદ પટેલની મુખ્ય સંડોવણી હોવાનું સામે આવ્યું હતું.અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કેસમાં તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસ અનુસાર કેમ્પનું આયોજન કરીને દિવસના 3થી 4 ઓપરેશન ડોક્ટરો કરતા હતા. એવું પણ જાણવા મળ્યું છે કે હોસ્પિટલ સ્ટાફમાં અનેક લોકોનાં પગાર નહીં ચૂકવતા તેઓ નોકરી છોડી ગયા હતા.