મુંબઈઃ હિંદુજા ગ્રુપના ચેરમેન ગોપીચંદ હિંદુજાના નેતૃત્વ હેઠળના હિંદુજા પરિવારે 37.196 અબજ પાઉન્ડ સાથે સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ધ સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટમાં યુકેમાં રહેતા ટોચના 1000 લોકો અથવા પરિવારોની નેટવર્થ રેન્કિંગ તૈયાર કરવામાં આવે છે, જે તેમાં સૌથી વધુ ધનવાન લોકોને રજૂ કરે છે. આ પ્રતિષ્ઠિત રેન્કિંગ હિંદુજા ગ્રુપે મેળવેલી બિઝનેસની દુનિયામાં અભૂતપૂર્વ સફળતા અને નોંધપાત્ર સિદ્ધિઓનું પ્રમાણ છે.
ચેરમેન જી. પી. હિંદુજાના નેતૃત્વ હેઠળ યુકે સ્થિત પરિવારની ગ્રુપ ઓફ કંપનીઝ મોબિલિટી, ડિજિટલ ટેક્નોલોજી, બેંકિંગ અને ફાઇનાન્શિયલ સેવાઓ, મીડિયા, પ્રોજેક્ટ ડેવલપમેન્ટ, લુબ્રિકેન્ટ્સ અને સ્પેશિયલ્ટી કેમિકલ્સ, એનર્જી, રિયલ એસ્ટેટ, ટ્રેડિંગ અને હેલ્થકેર જેવાં અનેક ક્ષેત્રોમાં 38 દેશોમાં કામ કરે છે.
બે વર્ષ પૂર્વે વાર્ષિક સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટમાં પ્રવેશનાર બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક અને તેમનાં પત્ની અક્ષતા મૂર્તિ 2024ની યાદીમાં તેમનું સ્થાન આગળ વધાય્રું છે. ગયા વર્ષે 275મા સ્થાને રહેલા આ દંપતીએ 651 અબજ પાઉન્ડ સાથે 245મું સ્થાન મેળવ્યું છે.
સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટ 2024માં સ્થાન મેળવનાર અન્ય ટોચનાં નામોમાં 29.246 અબજ પાઉન્ડ સાથે સર લિયોનાર્ડ બ્લાવાત્નિક, 24.977 અબજ પાઉન્ડ સાથે ડેવિડ એન્ડ સિમોન રુબેન તથા પરિવાર, 23.519 અબજ પાઉન્ડ સાથે સર જિમ રેટક્લિફ, 20.8 અબજ પાઉન્ડ સથે સર જેમ્સ ડાયસન અને પરિવાર, 17.2 અબજ પાઉન્ડ સાથે મર્લિન સ્વિર અને પરિવાર, 14.96 અબજ પાઉન્ડ સાથે એડેન ઓફર અને 14.921 અબજ પાઉન્ડ સાથે લક્ષ્મી મિત્તલ અને પરિવારનો સમાવેશ થાય છે.