ભૂંજગાસન એક એવું આસન છે કે જે એર કંટ્રોલરની જેમ કામ કરી તન અને મનને નવી ઊર્જા અને ઉત્સાહથી ભરી દે છે. શરીરને સુડોળ બનાવવામાં ભૂજંગ આસન ખૂબ જ ફાયદાકારક છે. આ આસન કરતી વખતે આખા શરીરમાં ખેંચાણ થાય છે, જેના કારણે આખા શરીરમાં જામેલી ચરબીને દૂર કરવામાં તે મદદરૂપ થાય છે. ભૂજંગાસનમાં બોડીનો શેપ ફેણ ઉઠાવેલા સાપ જેવો લાગે છે, જેથી તેને ભૂજંગાસન અથવા સર્પ આસન કહેવામાં આવે છે. જો રોજ આ આસન આઠથી દસ વાર કરવામાં આવે તો અનેક હેલ્થ પ્રોબ્લેમ્સને કંટ્રોલ કરી શકાય છે.
ભૂજંગાસન કરતી વખતે ગરદન અને છાતીમાં ખેંચાણ થાય છે જેનાથી ફેફસાને પૂરતો ઓક્સિજન મળે છે. આ આસન થાઈરોઈડ કંટ્રોલ કરવામાં પણ મદદરૂપ બને છે.
ભૂજંગાસન કરવાની રીત
- સૌથી પહેલા જમીન પર આસન પાથરીને તેની ઉપર પેટના બળે સૂઈ જાઓ.
- ઊંડો શ્વાસ લો અને ધીરેથી તમારૂં માથું, છાતી તથા પેટને ઊંચા કરો, નાભિને જમીન પર રાખો.
- તમારા શરીરના ઉપરના ભાગને હાથના ટેકાથી પાછળની તરફ ખેંચો.
- બંને હથેળી પર સરખો ભાર આવે તે રીતે પોઝિશન લો.
- કરોડરજ્જુના એક-એક મણકાને વાળતા જતાં સજાગતાથી શ્વાસ લેતા રહો, જો શક્ય હોય તો પીઠને બને તેટલી ધનુષની જેમ વાળો અને હાથ સીધા રાખો.
- શ્વાસ બહાર કાઢતા ધીરેથી તમારૂં પેટ, છાતી અને માથું જમીન પર પાછા લાવો.
- આ જ પ્રમાણે આઠથી દસ વાર કરો.
ભૂજંગાસનના ફાયદા
- થાઈરોઈડની સમસ્યા ધરાવતા લોકો માટે બેસ્ટ છે ભૂજંગાસન.
- ખભાને પહોળા અને ગરદન પર જામેલી ચરબી દૂર કરી તેને સુડોળ બનાવે છે.
- પેઢુંને મજબૂત કરે છે.
- રક્તપ્રવાહમાં સુધારો કરે છે.
- થાક અને તણાવ ઓછો થાય છે.
- સાઈટિકાની સમસ્યા ઓછી કરવામાં મદદરૂપ થાય છે.
- અસ્થમાના લક્ષણો ઘટાડે છે.
- અનિયમિત માસિક ધર્મની સમસ્યા પણ દૂર થાય છે.
- પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.
- કમરના દુ:ખાવામાં રાહત આપે છે.
- પાચનતંત્રને મજબૂત બનાવે છે.
ભૂજંગાસનમાં શું સાવધાની રાખશો?
- ગર્ભાવસ્થા દરમિયાન આ આસન ના કરવું.
- કાંડા કે પાંસળીમાં કોઈ ઈજા થઈ હોય તો ભૂજંગાસન કરવાનું ટાળો.
- ભૂતકાળમાં કોઈ લાંબા ગાળાના રોગ કે કરોડરજ્જુની બીમારી થઈ હોય તો આ આસન ના કરશો.
- જો કમરમાં કોઈ ફ્રેક્ચર કે મણકાની સમસ્યા હોય તો પણ આ આસન ના કરવું જોઈએ.
સુચન: આ આસન કર્યા બાદ આગળ ઝૂકવાવાળા આસન જેમ કે નૌકાસન, પવનમુક્તાસન અને પર્વતાસન કરવાથી વધુ ફાયદો થાય છે.
(પત્રકારત્વમાં માસ્ટર્સ કર્યા પછી હાલ યોગા ઈન્સ્ટ્રક્ટર તરીકે કાર્યરત અમદાવાદસ્થિત નેહા સેન યોગના વિષયને લઇને લોકોમાં જાગૃતિ કેળવવાનું કામ કરે છે. ખાસ કરીને મહિલાઓમાં આ વિષયે જાગૃતિ લાવવા એમણે ગુજરાત યુનિવર્સિટીમાં યોગના ઘણા સેશન્સ લીધા છે.)