અભિનેત્રી બ્રુના અબ્દુલ્લાના કારણે ચર્ચામાં છે વોટર બર્થ, ફાયદો કે નુકસાન?

તાજેતરમાં મૂળ બ્રાઝિલિયન એવી બોલિવૂડ અભિનેત્રી બ્રુના અબ્દુલ્લાએ દીકરીને જન્મ આપ્યો. તમે કહેશો કે એ તો સારા સમાચાર છે, પણ એમાં મોટી કઈ વાત છે. મોટી વાત એ છે કે બ્રુનાએ પોતાની દીકરીને જન્મ પાણીમાં આપ્યો. સામાન્ય રીતે એવું કહેવાય કે સુંદર સ્ત્રીઓમાંથી કેટલીક પોતાના બાળકને ખાસ સ્તનપાન કરાવતી નથી હોતી. પરંતુ બ્રુનાએ તો લોકોને જણાવ્યું છે કે તે કેટલી સારી રીતે સ્તનપાન કરાવી રહી છે.

આ જ રીતે બીજી એક અભિનેત્રી એમી જેક્સને પણ માતૃપદ ધારણ કર્યું છે. તેણે એક દીકરાને જન્મ આપ્યો છે. તેણે તો સ્તનપાન કરાવતો ફોટો સૉશિયલ મિડિયા પર મૂક્યો. આમ, આધુનિક સ્ત્રીઓ સ્તનપાન કરાવવામાં ગૌરવ લે છે તે પણ સારી વાત છે જે ઘણી આધુનિક યુવતીઓ માટે પણ પ્રેરણાદાયક રહેશે.

બ્રુનાએ પાણીની અંદર પ્રસૂતિની તસવીર ઇન્ટરનેટ પર મૂકી હતી. તેણે કહ્યું કે તેણે પ્રેગ્નન્સી પહેલાં જ વિચારી લીધું હતું કે તે પાણીની અંદર જ પ્રસૂતિ કરાવશે. કેટલી સારી વાત! આ રીતે દરેક યુવાન અને યુવતીએ પોતાના કુટુંબ વિશે આયોજન કરાવવું જોઈએ. આ પછી જે બ્રુના કહે છે તે વિચાર વધુ આવકારદાયક છે. બ્રુના અબ્દુલ્લા કહે છે કે તે ઈચ્છતી હતી કે તેનું સંતાન કોઈ પણ દવા વગર આવે. એકદમ પ્રાકૃતિક રીતે આ દુનિયામાં ડગ માંડે. આથી તેણે એક શાંત અને આરામવાળી જગ્યા પસંદ કરી જ્યાં તે પોતાના સંતાનને કુદરતી રીતે પાણીની અંદર જન્મ આપી શકે. જન્મ આપતી સમયે તેની સાથે માત્ર તે જ લોકો હોય જે તેને સારી લાગણીનો અનુભવ કરાવી શકે. બ્રુના નસીબદાર રહી કે તેને આ બધું જ મળ્યું!

પાણીની અંદર જન્મ આપવો શું છે? હૂંફાળા નવશેકા પાણીમાં પ્રસૂતિ કરાવવી તેને પાણીની અંદર ડિલિવરી કરાવી તેમ કહેવાય છે. કેટલીક સ્ત્રીઓ વેણ ઉપડતી વખતે પાણીની અંદર રહેવાનું અને બાળકનો જન્મ થાય ત્યારે પાણીની બહાર આવવાનું પસંદ કરતી હોય છે. જ્યારે કેટલીક સ્ત્રીઓ જન્મ આપતી વખતે પણ પાણીની અંદર રહેવાનું પસંદ કરે છે.

આવું કરવા પાછળનું કારણ?

કારણ એ છે કે બાળક નવ મહિના માતાના ગર્ભમાં એમ્નિઑટિક પ્રવાહીમાં રહ્યું હોય છે. આથી જો પાણીની અંદર જન્મ આપવામાં આવે તો બાળક માટે નરમાશ અને સુવિધાદાયક રહે છે. માતા માટે પણ તે ઓછું તણાવદાયક રહે છે.

દાયણો, પ્રસૂતિ કેન્દ્રો અને ડૉક્ટરો હવે વધુ પ્રમાણમાં માનવા લાગ્યાં છે કે જો વેણ અને ડિલિવરી દરમિયાન તણાવ ઘટાડવામાં આવે તો કસુવાવડ કે બાળકનું મૃત્યુ થવાની જટિલતા ઘટી શકે છે. જોકે સાથે એ પણ સૂચના છે કે પાણીની અંદર ડિલિવરી કરાવવી હોય તો લાયકાત પ્રાપ્ત ડૉક્ટરના નિરીક્ષણ હેઠળ જ તે કરાવવી જોઈએ.

પાણીની અંદર પ્રસૂતિ કરાવવાના બીજા ફાયદા આ પ્રમાણે છે:

  • હૂંફાળું પાણી આરામદાયક, મનને આનંદ આપનારું અને હળવાશ આપનારું હોય છે.
  • વેણના પાછળના તબક્કામાં પાણી સ્ત્રીને ઊર્જા આપનારું રહે છે. આમ પણ, માનવી નદી કે દરિયાકિનારે જઈને પ્રસન્નતા, ઊર્જા અનુભવે છે તે જાણીતી હકીકત છે.
  • ઉત્સાહથી સ્ત્રીનું વજન ઘટે છે, મુક્ત હિલચાલ થાય છે અને નવી સ્થિતિ આવે છે.
  • ઉત્સાહથીગર્ભાશયનું સંકોચન થવું વગેરે ક્રિયા અસરકારક રીતે થાય છે. રક્તસંચાર પણ સુધરે છે. પરિણામે ગર્ભાશયના સ્નાયુઓને સારો ઑક્સિજન મળી રહે છે. માતા માટે ઓછા દુઃખાવાની સ્થિતિ સર્જાય છે. બાળકને પણ વધુ ઑક્સિજન મળી રહે છે.
  • પાણીમાં રહેવાથી ચિંતાના કારણે લૉ બ્લડ પ્રૅશર થવાના પ્રમાણમાં ઘટાડો થાય છે.

 

જોકે દરેક ક્રિયા સાથે લાભ અને ગેરલાભ અથવા જોખમ બંને જોડાયેલાં હોય છે. પાણીની અંદર પ્રસૂતિ સાથે કેટલું જોખમ જોડાયેલું છે તેના પર બહુ ઓછું સંશોધન થયું છે. છેલ્લાં ૩૦ વર્ષમાં પાણીમાં પ્રસૂતિની લોકપ્રિયતા વધી છે. રૉયલ કૉલેજ ઑફ ઑબ્સ્ટેટ્રિશિયન અને ગાઇનેકૉલૉજિસ્ટના એક અભ્યાસ પ્રમાણે, પાણીની અંદર સ્ત્રી રહે તેનાથી પાણી માતાના રક્તપ્રવાહમાં ભળવાની શક્યતા રહે છે.  જોકે બ્રિટિશ મેડિકલ જર્નલ માને છે કે પાણીમાં જન્મ ૯૫ ટકા સુરક્ષિત હોય છે.