જો કોઈ વ્યક્તિને ઉધરસ, ગળામાં દુઃખાવો, માથાનો દુઃખાવો અને ઉલટી થતી હોય તો તેણે સ્વાઇન ફ્લૂની તપાસ કરાવવી જોઈએ. આ સ્થિતિમાં માત્ર ચિકિત્સકોની સલાહ પ્રમાણે જ દવાઓ લેવી જોઈએ. સ્વાઇન ફ્લૂમાં ઉધરસ કે ગળું બેસી જવું વગેરેની સાથે ૧૦૦૦ ફૅરનહિટ સુધી તાવ આવી શકે છે. નિદાનની પુષ્ટિ આરઆરટી કે પીસીઆર ટૅક્નિક દ્વારા કરાવાયેલા લૅબૉરેટરી ટૅસ્ટથી થાય છે. તેમણે કહ્યું કે હળવો ફ્લૂ કે સ્વાઇન ફ્લૂ તાવ, ઉધરસ, ગળામાં ખારાશ, નાક વહેવું, સ્નાયુઓમાં દર્દ, માથાનો દુઃખાવો, ઠંડી, ક્યારેક ક્યારેક ઝાડા કે ઉલટી સાથે આવે છે.
હળવા કિસ્સાઓમાં શ્વાસ લેવામાં તકલીફ પડતી નથી. સતત વધતા સ્વાઇન ફ્લૂમમાં છાતીમાં દર્દની સાથે ઉપરોક્ત લક્ષણો, શ્વસન દરમાં વૃદ્ધિ, લોહીમાં ઑક્સિજનની ખામી, બ્લડપ્રૅશર, ભ્રમ, બદલાતી માનસિક સ્થિતિ, નિર્જલીકરણ અને અસ્થમા, કિડનીની નિષ્ફળતા, મધુમેહ, હૃદયની નિષ્ફળતા, એન્જાઇના, કે સીઓપીડી હોઈ શકે છે.
ગર્ભવતી મહિલાઓમાં ફ્લૂ, ભ્રૂણનાં મૃત્યુ સહિત અનેક ગંભીર જટિલતાઓનું કારણ બની શકે છે. હળવા કિસ્સાઓમાં હૉસ્પિટલમાં દાખલ થવાની આવશ્યકતા નથી હોતી, પરંતુ ગંભીર લક્ષણો હોય તો દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવો જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે આજકાલ રાજસ્થાન, ગુજરાત બધે સ્વાઇન ફ્લૂના વાયરા છે. રાજસ્થાનમાં તો ૧૯૮થી વધુનાં મૃત્યુ સ્વાઇન ફ્લૂના કારણે થયાં છે.
ડરવાની જરૂર નથી, સાવધાની ચોક્કસ રાખવી જોઈએ. કયા પ્રકારની સાવધાની? પહેલાં તો એ કે આ ચેપી બીમારી છે. તેથી ચેપ ન ફેલાય તેનું ધ્યાન રાખવું જોઈએ. દર્દી હોય કે ન હોય, છિંક ખાતી વખતે હંમેશાં રૂમાલ કે હાથ આડો રાખો. આ જ રીતે ઉધરસ ખાતી વખતે પણ રૂમાલ કે હાથ આડો રાખવો જોઈએ. આ ઉપરાંત વ્યક્તિએ છિંક કે ઉધરસ ખાધા પછી જો તેના હાથ ક્યાંક (જેમ કે દરવાજો, બારી, મેજ, કીબૉર્ડ વગેરે) અડી જાય તો ત્યાં વાઇરસ ચોંટી જાય છે અને પછી તે બીજી વ્યક્તિના હાથમાંથી તેના શરીરમાં દાખલ થઈ જાય છે. જો તમે ટિશ્યૂ પેપરનો ઉપયોગ છિંક, ઉધરસ કે શરદી કાઢવા કરતા હો તો તે ટિશ્યૂ પેપર તરત જ કચરાપેટીમાં પધરાવી દો.જો તમે નવજાત બાળક તમારા પરિવારમાં હોય અને તમને શરદી કે ઉધરસ થઈ હોય તો તેનાથી તમે દૂર રહો. માતા હોય તો થોડું ધ્યાન રાખીને તેની સાથે રહે. સતત પાણી પીતા રહો જેથી શરીરમાં પાણી ટકી રહે. ભીડભાડવાળી સાર્વજનિક જગ્યાએ ન જાવ. તાવ ઉતરી ગયા પછી પણ ચોવીસ કલાક ઘરમાં જ રહો.
સૌથી શ્રેષ્ઠ વાત એ છે કે તમારી રોગપ્રતિકારક ક્ષમતા જ વધારો, જેથી તમને રોગ જ ન થાય. આ માટે અનેક ઉપાયો છે- રોજ સવારે હળદરની એક ચમચી પાણી સાથે લઈ લો. દૂધમાં હળદર નાખીને પણ પી શકાય. તુલસીનાં પાંદડાં ચાવી જાવ. અરડૂસીનાં પાનનો રસ પણ લાભદાયી છે. આમળાં પણ સારાં. ગળોનો રસ પણ પી શકાય.