સ્ટ્રૉકવાળા દર્દીઓ માટે ભારતીયોએ બનાવ્યો રૉબોટ હાથ

સ્ટ્રૉકથી ઘણી વાર માણસની આંગળીઓ અથવા હાથ કામ કરતા બંધ થઈ જાય છે. કેટલાકને પગે પણ તકલીફ થઈ જાય છે. સ્ટ્રૉક એ બ્રેઇનએટેક એટલે કે મગજનો હુમલો છે. તે ગમે ત્યારે ગમે તેની સાથે થઈ શકે. જ્યારે મગજને લોહીનો પ્રવાહ કપાઈ જાય ત્યારે થાય છે. આવું જ્યારે થાય છે ત્યારે મગજના કોષોનેઑક્સિજન મળતો નથી અને તે મરવા લાગે છે. જ્યારે સ્ટ્રૉક દરમિયાન મગજના કોષો મરવા લાગે છે ત્યારે સ્મૃતિ અને સ્નાયુનું નિયંત્રણ ખોરવાઈ જાય છે.

સ્ટ્રૉકથીદર્દીને કેટલી અસર થશે તેનો આધાર મગજમાં ક્યાં લોહી નથી પહોંચ્યું તેના પર રહે છે. મગજને કેટલું નુકસાન થયું તેના પર પણ આધાર છે. જો કોઈને નાનો સ્ટ્રૉક હોય તો તેને હાથ કે પગમાં કામચલાઉ નબળાઈ આવી શકે છે. જો કેટલાકને મોટો સ્ટ્રૉક આવે તો શરીરનો એક ભાગ સાવ પેરેલાઇઝ થઈ જાય છે. તેઓ બોલવાની શક્તિ ગુમાવી દે છે. કેટલાક લોકો સ્ટ્રૉકમાંથી સંપૂર્ણ પણે સાજા થઈ જાય છે પરંતુ બે તૃત્તીયાંશ લોકોને કોઈ ને કોઈ ખામી રહી જાય છે.

હવે રૉબોટની મદદથી આવા દર્દીઓને મદદ મળવાની શરૂ થઈ ગઈ છે અને આનંદની વાત એ છે કે ભારત પણ આમાં સક્રિય છે. ભારતના ટૅક્નૉલૉજી નિષ્ણાતોશોધ-સંશોધન કરીને આવા દર્દીઓને રાહત આપવા માટે પ્રયાસો કરી રહ્યા છે. અત્યાર સુધી ભારત બહારની ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરીને દર્દીઓને કે અન્યોને રાહત-સુવિધા આપતું હતું, પરંતુ હવે બહારની ટૅક્નૉલૉજીના બદલે ભારતમાં જ ટૅક્નૉલૉજી વિકસે અને તેનો ફાયદો થાય તે જોવાની દૃષ્ટિ કેળવાઈ છે જે સારી વાત છે.

આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાનિકોએ સ્ટ્રૉકના દર્દીઓના પુનર્વસન માટે વિશ્વનો પ્રથમ રૉબોટ હાથ બનાવ્યો છે. તેમણે તેના માટેની કસોટીઓ પણ પૂરી કરી છે. આ યંત્ર બે આંગળીનો રૉબોટ હાથ છે જે ચાર સળિયાની યાંત્રિક પ્રણાલિ પર ચાલે છે. તેને ચાર ડિગ્રી જેટલી સ્વતંત્રતા (ડિગ્રી ઑફ ફ્રીડમ-ડીઓએફ) હોય છે. પ્રાધ્યાપક આશીષ દત્તા અને પ્રાધ્યાપક કે. એસ. વેંકટેશે આ સિદ્ધિ મેળવી છે. તેઓ આ અંગેની વિગતો સમજાવે છે.

તેઓ કહે છે કે “આ હાથનો ઉપયોગ દર્દી દ્વારા હાથ પર કરી શકાય છે. તે બ્રેઇનકમ્પ્યૂટરઇન્ટરફેસ (બીસીઆઈ)ની મદદથી મગજના સંકેતોનો ઉપયોગ કરે છે. બીસીઆઈ હાથ પર પહેરેલું હોય છે. તેનાથી પેરાલિસિસના દર્દીઓને તેમના અંગૂઠા, તર્જની (પહેલી આંગળી), મધ્યમાની હિલચાલ કરીને શારીરિક અભ્યાસ કરી શકે છે.” આ રૉબોટ હાથ જેને એક્સોસ્કેલેટન પણ કહે છે તેનું સંચાલન ૩૦૦ મેગાહર્ટ્ઝના મેગામાઇક્રૉ કન્ટ્રૉલર દ્વારા થાય છે. તે બેટરી દ્વારા ચાલે છે. આ પ્રાધ્યાપકોનું કહેવું છે કે આ યંત્રની કિંમત અંદાજે રૂ. ૧૫,૦૦૦ જેટલી થશે.

આ એક્સોસ્કેલેટન માટે આ બંને પ્રાધ્યાપકોએ યુકે સ્થિત ઉલ્સ્ટર યુનિવર્સિટી સાથે ભાગીદારી કરી છે. તેમાં ત્યાંના પ્રાધ્યાપક ગિરિજેશ પ્રસાદનો સહયોગ મળ્યો છે. ગિરિજેશ પ્રસાદ મૂળ ગોરખપુરના છે. આ રીતે ભલે બહારથી મદદ લેવાઈ હોય, પરંતુ બહારથી મદદ કરનારા પણ મૂળ તો ભારતીય જ છે. આ યંત્રમાં સેન્સરો છે જે દર્દી દ્વારા આંગળીની ટોચે જે દબાણ અપાય તેનું નિયંત્રણ કરે છે. જો દર્દી આંગળી બંધ કરી શકે કે હલાવી શકે તો યંત્ર શાંત થઈને હિલચાલનેઅનુસરે છે. જો તે તેમ ન કરી શકે તેમ હોય તો યંત્ર સક્રિય રીતે આંગળીને બંધ થવા ફરજ પાડે છે અને આમ કરતી વખતે સંકેતોનો ઉપયોગ કરીને બીસીઆઈની સૂચનાઓ લે છે.

યંત્રની ડિઝાઇનના સંદર્ભમાં, એક્સસ્કેલેટનની હિલચાલની સ્વતંત્રતાની ડિગ્રી હિલચાલ હિલચાલ માનવ આંગળીની હિલચાલ પર આધારિત છે. માણસ જ્યારે સિક્કા ગણતો હોય ત્યારે જે હિલચાલ થાય તેને વિચારણામાં લેવામાં આવી છે. યંત્રમાં રહેલા સાંધા ચાર સળિયાના હોય છે જે માનવ જેવી હિલચાલ આપે છે.

માનવ હાથને સહાય અને પુનર્વસન માટે એક્સસ્કેલેટન રૉબોટની ડિઝાઇન અને તેના વિકાસ માટે રૂ. ૫૫ લાખનો ખર્ચ થયો જેને ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને યુકેની બ્રિટિશ કાઉન્સિલે ભોગવ્યો છે. આ ખર્ચ વર્ષ ૨૦૧૮માં મંજૂર થયો હતો. આ સંશોધન જર્નલ ઑફ ન્યૂરો સાયન્સ મેથડ્સ, બાયોમેડિકલ એન્ડ હેલ્થ ઇન્ફૉર્મેટિક્સ, હેપ્ટિક્સ એન્ડ એન્જિનિયરિંગ ઇન ધ મેડિકલ એન્ડ બાયૉલૉજી સૉસાયટીની જર્નલ સહિતની જર્નલોમાં પ્રકાશિત થયો છે.