તહેવારોની સીઝન પૂરબહારમાં ચાલી છે. નવરાત્રિમાં વરસાદે ઘણે ઠેકાણે મૂડ બગાડ્યો. જો કે લોકો એ વચ્ચે ગરબે રમ્યા અને દશેરામાં ફાફડા-જલેબીની મોજ પણ માણી. હવે લોકો દિવાળીની તૈયારીમાં લાગ્યા છે. ઘરની સાફસફાઈ ચાલે છે. તહેવારોની ખરીદી પણ ખરી જ અને એ પછી છેલ્લે સૌથી અગત્યની બાબત: દિવાળીના સમયે આવતા મહેમાનોની આગતા-સ્વાગતા કરવા માટે ભાતભાતનાં સ્વાદિષ્ટ ફરસાણ-મીઠાઈ, વગેરેની તૈયારી. હા, ઘણાં ઘરોમાં એ કામ પણ શરૂ થઈ ગયું છે.
તહેવારનો માહોલ તો છે જ, પણ સ્વાસ્થ્ય જાળવણી તરફ વધુ ને વધુ જાગ્રત થઈ રહેલા લોકોની તબિયતને અનુરૂપ કયા પ્રકારની વાનગી બનાવી શકાય? એવી વાનગી, જેમાં પાછી વિવિધતા હોય અને બધાને પસંદ આવતી હોય. આજકાલ તો વળી, વાનગી આકર્ષક દેખાય એ રીતે પીરસવાનું મહત્ત્વ પણ બહુ વધી ગયું છે એટલે ઘરનાં વડીલો અને ગૃહિણીઓ એ પણ વિચારે છે. મૂળ વાત એ છે કે ઘરેથી કોઈ ખાલી મોઢે અને ખાલી પેટે જવું ન જોઈએ.
દિવાળી એ ફૅમિલી ફેસ્ટિવલ છે. આખા વર્ષભર ખૂબ જ વ્યસ્ત રહેતા કુટુંબીજનોને મળવાનો અવસર એટલે દિવાળી તેમ જ નવું વર્ષ. આ દિવાળીનું સામાજિક મહત્ત્વ છે. ત્રણથી પાંચ દિવસના સમયગાળામાં ઘણાં બધાં ગેધરિંગ થાય. આવાં ગેધરિંગના સમયે સૌથી મોટો તેમ જ મૂંઝવતો પ્રશ્ર્ન એ હોય છે કે આવનારા મહેમાનોને કયા પ્રકારનાં પકવાન પીરસીશું?
દિવાળીનો સમય એટલે ચોમાસું પૂરું થયા બાદના ઉકળાટ પછી થોડી ઠંડકની શરૂઆત, મતલબ ઋતુસંક્રમણનો સમય. આ ઉપરાંત, તહેવારોની ભાગંભાગને કારણે આવા સમયે શરદી, ખાંસી, ગળામાં બળતરા જેવી તકલીફ સામાન્ય છે. આથી જ આવા સમયે જે પણ વાનગી પીરસવામાં આવે એ આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને પીરસાય એ જરૂરી છે, જેથી આવેલા મહેમાનો વિના સંકોચ કે તબિયતની ઝાઝી ફિકર કર્યા વગર તમે આપેલી ખાદ્ય સામગ્રી લઈ શકે.
દિવાળીના નાસ્તાની વાત આવે ત્યારે આપણને સ્વાભાવિકપણે ચવાણું, સેવ, ચકરી, ચોળાફળી, મઠિયા, પૂરી, વગેરે યાદ આવે, કારણ કે આ બધા દિવાળી માટેના નિયમિતપણે બનતા પરંપરાગત નાસ્તા છે. એવી જ રીતે ગળપણમાં ઘૂઘરા, મેવાવટી, સક્કરપારા, પેંડા, ઘારી, કાજુકતરી, માવાની અન્ય મીઠાઈ કે બેંગાલી સ્વીટ્સ, વગેરે સ્થાન પામે છે.
આ બધી વાનગી ખરેખર તો આપણે પેઢી-દર પેઢી ખાતાં આવ્યાં છીએ એટલે આજની તારીખેય અનેક ઘરમાં એ બને છે. આમ પણ અત્યારના ભેળસેળના જમાનામાં બજારમાંથી લાવવા કરતાં ઘરે બનાવેલી વાનગી ખાવી વધુ વાજબી છે. ઘણી વખત બહારનાં તળેલાં ફરસાણનાં તેલની ક્વૉલિટીને કારણે કે સાકરની ચાસણીમાંથી બનેલી મીઠાઈ પણ ગળામાં બળતરા જેવી તકલીફ ઊભી કરી શકે.
હવે તો ચોળાફળી, મઠિયા, ફાફડા જેવી અનેક વસ્તુ તૈયાર મળે છે, જે ઘરે લાવીને ફક્ત તળવાની જ રહે છે. એ ઉપરાંત, મહેમાનોને સર્વ કરવા માટે ભેળ, ઢોકળાં, હાંડવો, મિની ઢેબરાં અથવા વડાં તેમ જ દહીં-બુંદી જેવા ઈન્સ્ટન્ટ સ્નૅક્સ પણ ખરા. આ વચ્ચે ઘણા લોકોને એ જાણીને નવાઈ લાગશે કે આજેય અમુક ઘરમાં નવા વર્ષના દિવસે મહેમાનોને પીરસવા માટે રોટલો અને માખણ તૈયાર કરવામાં આવે છે. સાથે ગોળ પણ હોય. આ સાદી લાગતી કાઠિયાવાડી વરાઈટી દિવાળીના તહેવારમાં ખૂબ જ યુનિક લાગે છે.
આજે ઘણા પરિવારોમાં બહારથી બધું લાવીને પીરસવાનું ચલણ એટલું વધી ગયું છે કે અમુક લોકો હવે ઘરમાં બનેલી મીઠાઈ વધુ પસંદ કરે છે. એમાં પણ આપણી પાસે દૂધી કે ગાજરનો હલવો, મૈસુક, મોહનથાળ, સુખડી, લાડવા જેવા અનેક વિકલ્પ છે અને આમાંથી ઘણી ચીજ સહેલાઈથી ઘરે બનાવી પણ શકાય છે. આ ઉપરાંત, ડ્રાયફ્રૂટ્સની સાથે ખજૂર તેમ જ અંજીરના મિશ્રણથી પણ સાકર વગરની હેલ્ધી સ્વીટ બનાવી શકાશે.
કાર્બોનેટેડ ડ્રિન્ક્સની જગ્યાએ કેસર અને ડ્રાયફ્રૂટ્સવાળું ઠંડું કે ગરમ દૂધ અને લસ્સી, તો આઈસક્રીમની જગ્યાએ ક્રીમ સૅલડ કેવું રહેશે? આ ઉપરાંત, મિન્ટ જ્યુસ, વરિયાળી કે જલજીરા વૉટર, તહેવારોની દોડાદોડી તેમ જ ઉજાગરા અને કસમયે લેવાતા આહારને કારણે થયેલા સ્ટમક ડિસ્ટર્બન્સને નૉર્મલ કરવામાં મદદ કરશે.
મોટી ઉંમરના ઘણા લોકો ઘરે આવતા મહેમાનોને ખાવા-પીવા માટે બહુ આગ્રહ કરે છે. મુખ્યત્વે કોઈ ને કોઈ ગળી વસ્તુ. ઘૂઘરો નહીં તો પેંડો અને પેંડો નહીં તો બરફી… એ પાછળ એમનો ભાવ સારો હોય છે, પણ એક વાત બધાએ સમજવાની જરૂર છે. ખાસ તો યુવાનો એવા વ્યવહાર કે ઔપચારિકતામાં માનતા નથી. એમને એવો આગ્રહ પણ ગમતો નથી. વળી, દરેક માણસ એની પ્રકૃતિ અને પેટની જરૂરત મુજબ જ ખાય-પીવે એ વધુ મહત્ત્વનું છે. આપણા ઘરે આવતા દરેક ઓળખીતા-પાળખીતાને મીઠાઈ ભાવતી અને ફાવતી જ હોય એ જરૂરી નથી.
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)