નવી દિલ્લીના એઇમ્સે સર્વાઇકલ કેન્સરની ચકાસણી માટે ઓછી કિંમતના પૉકેટ કૉલ્પૉસ્કૉપ માટે પરીક્ષણો સફળતા પૂર્વક પૂરાં કર્યાં છે. આ યંત્ર ડ્યુક યુનિવર્સિટીએ બનાવેલું છે. તેની કિંમત માત્ર ૫૦૦ ડૉલર જ છે. તમને થશે કે ૫૦૦ ડૉલર ઓછા લાગે છે કે તમે તેની આગળ માત્ર શબ્દ લગાવો છો? પરંતુ અત્યારે વપરાતા મશીનની કિંમત જાણશો તો આ ૫૦૦ ડૉલર માત્ર જ લાગશે. અત્યારે વપરાતા મશીનની કિંમત ૧૫,૦૦૦ ડૉલર છે. વધુ અગત્યની વાત એ છે કે વર્તમાન ટૅસ્ટની જેમ તે પીડાદાયક નથી.
શોધકર્તા આ પ્રાથમિક કાળજી સેટિંગમાં એફ.ડી.એ. દ્વારા માન્ય યંત્રને દાખલ કરવા તમિલનાડુ સરકાર સાથે વાટાઘાટ કરી રહ્યા છે.
પરીક્ષણનાં પરિણામો વિશે વાત કરતા એઇમ્સના ગાઇનેકૉલૉજીનાં પ્રાધ્યાપક નીરજા ભાટિયાએ કહ્યું, “પૉકેટ કૉલ્પૉસ્કૉપ સર્વાઇકલ કેન્સરનાં સ્ક્રીનિંગમાં ઘણી નોંધપાત્ર પ્રગતિ છે. તે નાનું અને સરળ યંત્ર છે. વાપરવામાં સરળ છે. સંગ્રહ અને લાવવા-લઈ જવામાં પણ સરળ છે. આમ છતાં પ્રમાણભૂત કૉલ્પૉસ્કૉપ કરતાં તેની તસવીરો તેના જેટલી જ સારી, અથવા વધુ સારી છે. હૉસ્પિટલના કર્મચારીઓને આ યંત્ર વાપરવા અને તસવીરો રેકૉર્ડ કરી તેને અન્યત્ર રહેલા નિષ્ણાતોને મોકલવા માટેનું પ્રશિક્ષણ આપી શકાય તેમ છે. આ નિષ્ણાતો તેમનું મૂલ્યાંકન કરી યોગ્ય ચિકિત્સાકીય વિકલ્પોની સલાહ આપી શકે છે.”
ડ્યુક યુનિવર્સિટીમાં ગ્લૉબલ વીમેન્સ હૅલ્થ ટૅક્નૉલૉજીસના ગ્લૉબલ હૅલ્થ ઍન્ડ ડિરેક્ટર ડૉ. નિમ્મમી રામાનુજમે કહ્યું કે સર્વાઇકલ કેન્સર દરમિયાન મહિલાઓને ઓછી પીડા થાય તેવો ટેસ્ટ વિકસાવવાનો વિચાર આધુનિક ગાઇનેકૉલૉજીના પિતા ગણાતા જેમ્સ મેરિયોન સિમ્સના પુસ્તકમાંથી આવ્યો. સિમ્સે તેમના પુસ્તકમાં લખ્યું છે કે તેમને મહિલાઓના ગુપ્ત ભાગોને જોવાં બિલકુલ પસંદ નહોતાં. તેમને સ્પેક્યુલમ શોધવાનો યશ મળે છે જે સર્વાઇકલ કેન્સર માટે મહિલાઓની તપાસ કરવા આજે પણ વપરાય છે. મહિલાઓએ જે ટૅસ્ટમાંથી પસાર થવું પડે છે તેમાં સૌથી પીડાદાયક અને અસુવિધાજનક ટૅસ્ટોમાંનો એક આ ટૅસ્ટ છે અને સિમ્સના સમયથી તેમાં ખાસ બદલાવ આવ્યો નથી. આના પરથી ડૉ. રામાનુજમને મહિલાઓના દૃષ્ટિકોણથી સર્વાઇકલ કેન્સરના સ્ક્રીનિંગ અંગે વિચાર આવ્યો. અને પ્રેરણા મળી ટૅમ્પન પરથી.
અનેક વર્ષો પછી આ પ્રેરણાના લીધે ઓછી કિંમતનું પૉકેટ કૉલ્પૉસ્કૉપ બન્યું, જે હવે દિલ્લીના ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ ખાતે સફળતાપૂર્વક પરીક્ષણમાંથી પસાર થયું છે. કૉલ્પૉસ્કૉપ થોડા લાંબા ટૅમ્પન જેવું લાગે છે જે અંત તરફ હળવું હોય છે. તે પ્રમાણભૂત કૉલ્પૉસ્કૉપ કરતાં સર્વિક્સ (યોનિમાંની ધમની)ને વધુ સારી સુઘડતા સાથે જોઈ શકે છે.
ભારતની મહિલાઓમાં સ્તન કેન્સર પછી સર્વાઇકલ કેન્સર વધુ જોવા મળે છે. રાષ્ટ્રીય કેન્સર નોંધપત્રક મુજબ, ભારતમાં વર્ષ ૨૦૧૩માં ૯૨,૭૩૧ કેસો સર્વાઇકલ કેન્સરના નોંધાયા હતા. વર્ષ ૨૦૨૦માં આ આંક ૧,૦૦,૪૭૯એ જવા અંદાજ છે. વૈશ્વિક સર્વાઇકલ કેન્સરના દર્દીઓમાં ભારતનો ક્રમ ત્રીજો આવે છે.
સર્વાઇકલ કેન્સર શું છે તે પણ જાણી લો. મહિલાઓના ગર્ભાશયમાં યુટેરિન સર્વાઇક્સ ગર્ભાશયને યોનિ સાથે જોડતો સૌથી નીચેનો ભાગ છે. જ્યારે સર્વાઇક્સના કોષો અસાધારણ રીતે વધવા લાગે અને તે અન્ય પેશીઓ તેમજ અવયવોમાં ઘૂસણખોરી કરવા લાગે ત્યારે સર્વાઇકલ કેન્સર થયું તેમ કહેવાય છે. આ કેન્સર ફેફસા, યકૃત, મૂત્રાશય, યોનિ અને મળાશયને અસર કરે છે. સદ્નસીબે સર્વાઇકલ કેન્સર ધીમેધીમે આગળ વધે છે, તેથી તેનું નિદાન વહેલા શક્ય છે, તેને અટકાવી શકાય છે, તેની સારવાર પણ શક્ય છે. અમેરિકામાં તો છેલ્લા કેટલાક દાયકાઓમાં સર્વાઇકલ કેન્સરમાં ઘટાડો જોવા મળ્યો છે.
સર્વાઇક્સમાં કેન્સર પૂર્વેના ફેરફારોનું જે મહિલાઓમાં નિદાન થાય છે તેમાંની મોટા ભાગની મહિલાઓની ઉંમર વીસી કે ત્રીસીમાં હોય છે. પરંતુ જ્યારે મહિલાઓમાં સર્વાઇકલ કેન્સરનું નિદાન થાય છે તેની સરેરાશ ઉંમર ૫૦થી ૬૦ વચ્ચે હોય છે. આમ, આ કેન્સર ધીમેધીમે આગળ વધે છે અને તેથી જ તેને વહેલી તકે અટકાવવું શક્ય છે.