મુંબઈઃ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઉદઘાટન સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રિત જૂજ વિદેશી મહેમાનોમાં અમેરિકાની સુપરમોડેલ અને ટીવી અભિનેત્રી જીજી હેડિડનો પણ સમાવેશ થતો હતો. જેલેના ઉર્ફે જીજીએ પોતાને આ સમારોહમાં આમંત્રણ આપીને ભારતની સંસ્કૃતિથી વાકેફ થવા બદલ અને પોતાનાં પ્રથમ ભારત પ્રવાસને યાદગાર બનાવવા બદલ અંબાણી પરિવારનો અને ખાસ કરીને નીતા અંબાણીનો આભાર માન્યો છે.
જીજીએ તેનાં ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છેઃ ‘ભારતની રચનાત્મક્તા અને વિરાસતની ઉજવણી કરતા સુંદર વર્લ્ડ-ક્લાસ કલ્ચરલ સેન્ટરમાં આયોજિત ઉદઘાટન સમારોહમાં મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપવા બદલ હું અંબાણી પરિવારનો હૃદયપૂર્વક આભાર માનું છું. ફેશન શોમાં ભારતનો મહાન સંગીત જલસો નિહાળ્યાં બાદ મને આ સાંસ્કૃતિક કેન્દ્ર વિશે ઘણું જાણવા મળ્યું કે આ કેન્દ્ર દુનિયાભરનાં કલાકારોને એમની નૃત્ય, સંગીત, ફેશન ડિઝાઈનિંગ કે અન્ય કલાને પ્રસ્તુત કરવા અને એમાં પારંગત બનવા માટેનું મંચ પૂરું પાડશે. હું તો આ કલ્ચરલ સેન્ટરની મુલાકાત લેવાની અન્યોને પણ ભલામણ કરું છું. મારો ભારતપ્રવાસ યાદગાર બની રહ્યો. ખૂબ ખૂબ પ્રેમ.’
ઉલ્લેખનીય છે કે, ઉદઘાટન સમારોહના બીજા દિવસના સંગીત કાર્યક્રમ વખતે જીજી હેડિડ ભારતીય વસ્ત્રોમાં સજ્જ થઈને આવી હતી. એણે અબુ જાની – સંદીપ ખોસલાએ ડિઝાઈન કરેલી ચિકનકારી સાડી અને સોનાથી મઢેલું બ્લાઉઝ પહેર્યાં હતાં.
https://www.instagram.com/p/CqjAxXEuQSV/