અભિનંદન, હવાઈ દળના વડાએ MiG-21માં સાથે ઉડ્ડયન કર્યું…

ભારતીય હવાઈ દળના પાઈલટ, વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને 2 સપ્ટેંબર, સોમવારે પઠાણકોટ એરબેઝ ખાતે જિંદગીનો યાદગાર અનુભવ પ્રાપ્ત થયો હતો. એમણે હવાઈ દળના વડા એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆની સાથે MiG-21 યુદ્ધવિમાનમાં ઉડ્ડયન કર્યું હતું. નિવૃત્ત થતા પૂર્વે એર ચીફ માર્શલ ધનોઆનું આ આખરી ઉડ્ડયન હતું જ્યારે પાકિસ્તાનમાંથી સુખરૂપ પાછા ફરવામાં ભાગ્યશાળી નિવડેલા અભિનંદને સુસ્વાસ્થ્ય ફરી પ્રાપ્ત કર્યા બાદ આ પહેલું મોટું ઉડ્ડયન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કશ્મીરના પુલવામા જિલ્લામાં ગયા ફેબ્રુઆરીમાં ત્રાસવાદી હુમલા બાદ ભારતીય હવાઈ દળે પાકિસ્તાનના બાલાકોટમાં ત્રાસવાદી અડ્ડાઓ પર સર્જિકલ હુમલા કર્યા હતા. એ દરમિયાન, ભારતની સીમાની અંદર ઘૂસવાનો પ્રયત્ન કરનાર પાકિસ્તાનના એક એફ-16 ફાઈટર વિમાનને અભિનંદન વર્તમાને તોડી પાડ્યું હતું, પરંતુ એ કાર્યવાહી દરમિયાન અભિનંદનનું વિમાન પાકિસ્તાનની હવાઈ સીમાની અંદર તૂટી પડ્યું હતું. અભિનંદન બચી ગયા હતા, પણ સ્થાનિક લોકોએ પકડી લીધા હતા. બાદમાં પાકિસ્તાન લશ્કરે એમને ત્યાંથી બચાવી ભારતને સોંપી દીધા હતા.

નોંધનીય બાબત એ હતી કે અભિનંદને એમની ખૂબ જાણીતી થયેલી લાંબી મૂંછને સોમવારે ટૂંકી કરી નાખી હતી.