અમદાવાદઃ “ગીફટ એન ઓર્ગન” સપ્તાહના ભાગરૂપે સીઆઈઆઈની યુથ વિંગ, યંગ ઈન્ડીયન્સ (YI)ના અમદાવાદ ચેપ્ટર દ્વારા રવિવારે ‘અંગદાન’ અંગે જાગૃતિ માટે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની હાજરીના લીધે શોભી ઉઠ્યો હતો. આ રેલીનો ઉદ્દેશ વધુને વધુ લોકો અંગદાન કરવા પ્રેરાય તે માટે જાગૃતી ફેલાવવાનો અને અંગદાન સાથે સંકળાયેલી ખોટી માન્યતાઓ અને દ્વિધા દૂર કરવાનો છે.
યંગ ઈન્ડીયન્સના અમદાવાદ ચેપ્ટરના ચેર મોનિલ પરીખના જણાવ્યા મુજબ “વિવિધ બાઈકર ગ્રુપના 500થી વધુ બાઈકર્સ ‘રાઈડ ફોર લાઈફ’ રેલીમાં જોડાયા હતા”. આ પ્રસંગે સીઆઈઆઈ ગુજરાતના ચેરમેન રાજુ શાહ, યંગ ઈન્ડીયન્સના અમદાવાદ ચેપ્ટરના ચેર મોનિલ પરીખ, અદાણી એન્ટરપ્રાઈઝના ડીરેક્ટર પ્રણવ અદાણી, એસીપી ટ્રાફિક પોલીસ આકાશ પટેલ, સીમ્સ હોસ્પિટલના મેનેજીંગ ડિરેક્ટર ડો. મિલન ચગ તેમજ ગુજરાતી ફિલ્મના કલાકારો પ્રતીક ગાંધી, દીક્ષા જોશી, કિંજલ રાજપ્રિયા, પ્રખ્યાત ગુજરાતી ગાયક અરવિંદ વેગડા, અને ઉપસ્થિત રહેલા અન્ય મહાનુભાવોએ ૨૨ કી.મી ની આ રેલીને સિમ્સ હૉસ્પીટલથી લીલી ઝંડી આપી હતી. આ રેલી સાયન્સ સીટી ચાર રસ્તા, બોપલ ચાર રસ્તા, ઈસ્કોન ચાર રસ્તા શિવરંજની ચાર રસ્તા, નેહરુનગર અને વસ્ત્રાપુર ચાર રસ્તા થઈને છેલ્લે સિમ્સ હૉસ્પીટલ ખાતે સમાપન થઈ હતી.