અમદાવાદઃ ગુજરાત હાલમાં પાડોશી દેશના આતંકીઓ તરફથી થનાર સંભવિત હુમલાઓની સંભાવનાઓને લઇને હાઇએલર્ટ પર છે. ત્યારે પ્રશાશન પણ નાગરિકોને સાવધ રહેવા અપીલ કરી રહ્યું છે. જેને લઇને શહેરના વસ્ત્રાપુર સ્થિત એક મોલમાં એક મોકડ્રીલ યોજાઈ હતી. નેક્સસ મૉલ્સ દ્વારા અમદાવાદ ઉપરાંત દેશના સાત શહેરોમાં આવેલા પોતાના મૉલ ખાતે આ પ્રકારની કવાયત હાથ ધરી છે. આમાંના દરેક શહેરમાં સ્થાનિક સત્તાધીશોના સહયોગથી પ્રોટોકોલ મુજબ તમામ પ્રકારના સલામતીનાં પગલાંનો અમલ થાય તે માટેના ચોક્કસ નિયમોનું પાલન થાય તે હેતુથી આ મોકડ્રીલ યોજાઈ હતી. મોલ તરફથી જણાવવામાં આવ્યું કે ગ્રાહકો, રિટેઈલરો તથા કર્મચારીઓની સલામતી અને સુરક્ષા એ અમારી અગ્રતા છે. એક જવાબદાર કંપની તરીકે પોર્ટફોલિયોના તમામ મૉલ ખાતે કોમ્પલાયન્સ ડેની બીજી એડિશનનુ આયોજન કર્યું હતું. જ્યારે અમારા મોલમાં કોઈ પણ વિપરીત ઘટના બને ત્યારે તેનો સામનો કરવા માટે શું કરવું તે બાબતે અમારા સ્ટાફ અને રિટેઈલર્સને જાણકાર અને સશક્ત બનાવવા તે એક જવાબદાર કંપની તરીકે અમારી ફરજ બની રહે છે. સ્થાનિક કાયદા અમલીકરણ એજન્સીઓ એટલે કે સ્થાનિક પોલિસ, એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, બોમ્બ ડિટેકશન અને ડિસ્પોઝલ સ્કવોડ વગેરેના સહયોગથી અમે અમદાવાદ વન મૉલ અને અમારા તમામ મૉલ ખાતે આજે એન્ટી-ટેરરીઝમ ડ્રીલનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કલાકો દરમિયાન આ મૉલ બંધ રાખવામાં આવ્યાં હતાં.