ગાંધીનગરઃ રિપબ્લિક ઓફ ઈન્ડોનેશીયાના બેન્ગુકુલુ પ્રોવિન્સના ગવર્નર ડો.એચ.રોહિડીંગ મેરીયાશ અને પ્રતિનિધિ મંડળે આજે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણી સાથે મુલાકાત કરી હતી. આ પ્રતિનિધિ મંડળ ભારતના એક સપ્તાહના પ્રવાસે આવ્યું છે અને તે દરમિયાન ગુજરાત સહિત કલકત્તા, મુંબઇ અને દિલ્હીના વિવિધ સ્થળો અને ઉદ્યોગોની મુલાકાત લઇ વિશિષ્ટ જાણકારી મેળવવાનું છે. મુખ્યપ્રધાન સાથેની આ મુલાકાત બેઠક દરમિયાન રીપબ્લીક ઓફ ઇન્ડોનેશીયાના બેન્ગુકુલુ પ્રાન્તના ગવર્નરે મત્સ્યઉદ્યોગ, એકવાકલ્ચર અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝનના વિકાસની સંભાવનાઓ અંગે પરસ્પર સહયોગ માટે પરામર્શ કર્યો હતો. મુખ્યપ્રધાને ૧૬૦૦ કિ.મી. લાંબો સમુદ્ર કિનારો ધરાવતા ગુજરાતમાં મત્સ્યઉદ્યોગ અને મેરીટાઇમ સેકટર તેમજ પ્રવાસન વૈવિધ્યની વિગતો આપતાં ઇન્ડોનેશીયા સાથે ભારત, ગુજરાતની આ ક્ષેત્રે સહભાગીતા ઉપયુક્ત બનશે તેવી અપેક્ષા દર્શાવી હતી. આગામી વાયબ્રન્ટ સમિટ-૨૦૨૧માં યોજાશે તેમાં ઇન્ડોનેશીયાના પ્રતિનિધિ મંડળને આવવાનું નિમંત્રણ પણ તેમણે પાઠવ્યું હતું.