સુરતમાં વધુ ચાર નકલી ડોક્ટરો પકડાયા

સુરતઃ શહેરમાંથી છેલ્લા બે મહિનામાં 50 કરતાં વધુ નકલી ડોક્ટરો પકડાયા હતા. ત્યારે આ કડીમાં  ભેસ્તાન પોલીસે વધુ ચાર બોગસ ડોક્ટરોની ધરપકડ કરી છે. ઉન વિસ્તારમાં અલગ-અલગ ક્લિનિક પર પોલીસે દરોડા પાડ્યા હતા. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી છે. મેડિકલ ડિગ્રી વિના એલોપેથીની પ્રેક્ટિસ કરતા હોવાનું બહાર આવ્યું છે.

આ પહેલાં શહેરમાંથી છ જેટલા ઝોલાછાપ ડોક્ટરો  ઝડપાયા હતા, જેઓ કોઈ પણ મેડિકલ ડિગ્રી વિના દર્દીઓના જીવ અને આરોગ્ય સાથે ચેડાં કરતા હતા. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમના સાથે રાખવી ડીંડોલી પોલીસ દ્વારા નવાગામ વિસ્તારમાં અલગ-અલગ ક્લિનિક પર છાપો મારી છ જેટલા બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં 2 મહિલા ડોક્ટરનો પણ સમાવેશ થાય છે. BEMSની બોગસ ડિગ્રીને આધારે આ બોગસ તબીબો છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા. પોલીસે એલોપેથીની દવાનો મોટો જથ્થો, ઇન્જેક્શન સહિત ડોક્ટરી સાધન-સામગ્રી કબજે કરી આગળની તપાસ હાથ ધરી હતી.

સુરત પોલીસે છેલ્લા બે મહિનામાં 50 કરતા વધુ નકલી ડોકટરો ઝડપી પાડ્યા હતા, ત્યારે આગામી સમયમાં પણ સુરત પોલીસ આ ઓપરેશન ચાલુ રાખશે અને નકલી ડોકટરોને ઝડપશે, પોલીસે પણ એક જનતાજોગ સંદેશ જાહેર કર્યો છે અને કહ્યું છે કે સ્થાનિકોના ધ્યાનમાં જો આવા બોગસ ડોકટરો આવે તો તે લોકો પણ પોલીસનો સંપર્ક કરી શકશે.