અમદાવાદઃ અમદાવાદ જિલ્લાના સાણંદના જીઆઈડીસીમાં આવેલી એક ફેક્ટરીમાં આજે વિકરાળ આગ લાગી હતી. ડાયપર બનાવનારી જાપાનીઝ કંપની યૂનીચાર્મમાં લાગેલી આગને બુઝાવવા માટે 27 જેટલા ફાયર ફાઈટર્સ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. શોર્ટ સર્કિટને કારણે ફેક્ટરીમાં આગ લાગી હતી.
યૂનિચાર્મ કંપનીમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે, તેના ધુમાડા દૂર દૂર સુધી દેખાયા હતા. આ મામલે એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું કે, આગ બહુ ભયાનક હતી. એએમસી અને આસપાસના વિસ્તારોમાંથી પણ ફાયર બ્રિગેડના જવાનોને બોલાવવા પડ્યા હતા. આગમાં આખી ફેક્ટરીનો નાશ થયો છે.
અમદાવાદ એસપી ગ્રામીણ કેટી કમરિયાએ જણાવ્યું કે, ફેક્ટરીની અંદર રહેલો કાચો માલ જ્વલનશીલ હતો એટલે જ જોતજોતામાં આગે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. પરિણામે એની પર કાબુ મેળવવાનું મુશ્કેલ બની ગયું હતું. ફાયર ફાઈટર્સ ઉપરાંત આશરે 125 જેટલા સ્ટાફ મેમ્બર્સે પણ બચાવ કાર્યમાં મહત્વનો સાથ આપ્યો હતો. ઘટનાસ્થળે આગ બુઝાવવા માટે 3 ફાયર એન્જિન્સ, 9 વોટર ટેંકર, 11 વોટર વોવર્સ, 1 સ્મોક એક્ઝાસ્ટર સહિતના કુલ 31 વાહનોને મોકલવામાં આવ્યા હતા.
આગ લાગવાથી ફેક્ટરીમાં રહેલો કરોડો રુપિયાનો માલ બળીને ખાક થઈ ગયો છે. જો કે, સદનસીબે કોઈની જાનહાની થઈ હોવાના સમાચાર નથી.