અમેરિકાના ફિલ્મ સિટી લૉસ એન્જલસના જંગલોમાં ભીષણ આગ લાગી છે. આ આગમાં 5 લોકોના મોત થયા હતા અને સેંકડો ઘરો બળીને રાખ થઈ ગયા હતા. આ આગએ આખા અમેરિકાને હચમચાવી નાખ્યું છે. આ આગની અસર અમેરિકાના ફિલ્મ સિટી હોલીવુડ પર પણ પડી છે.
ઓસ્કાર નોમિનેશનની તારીખો પણ મુલતવી રાખવામાં આવી છે. આ આગ પર પ્રિયંકા ચોપરાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. પ્રિયંકાએ તેના ઇન્સ્ટાગ્રામ પર આ અંગે એક પોસ્ટ શેર કરી છે. જેમાં પ્રિયંકાએ લખ્યું, ‘આ આગથી પ્રભાવિત થયેલા તમામ લોકો સાથે મારી સંવેદના છે. મને આશા છે કે તમે પણ સુરક્ષિત હશો. ઝડપથી વધી રહેલી આગને કારણે હજારો એકર જમીન અને સેંકડો ઘરોનો નાશ થયો છે. હું તે બધા સૈનિકોને સલામ કરું છું જેઓ રાતભર આગળ આવીને લોકોને મદદ કરી રહ્યા છે. થાક્યા વિના સતત કામ કરવાની તમારી ભાવનાને હું સલામ કરું છું.
ઓસ્કાર નોમિનેશન્સ આગળ વધારવાનો નિર્ણય
એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસે ઓસ્કાર નોમિનેશન વોટિંગ વિન્ડો લંબાવી છે. આશરે 10,000 એકેડેમી સભ્યો માટે મતદાન 8 જાન્યુઆરીથી શરૂ થયું હતું અને ૧૨ જાન્યુઆરીના રોજ પૂર્ણ થવાનું છે. જોકે, હવે આ સમયમર્યાદા બે દિવસ લંબાવવામાં આવી છે અને 14 જાન્યુઆરીએ સમાપ્ત થશે. લોસ એન્જલસમાં ફેલાયેલી ભીષણ આગને ધ્યાનમાં રાખીને એકેડેમીએ આ નિર્ણય લીધો છે. એટલું જ નહીં, જે નામાંકનોની જાહેરાત પહેલા 17 જાન્યુઆરીએ થવાની હતી તે હવે 19 જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવી છે.
એકેડેમીએ બુધવારે સભ્યોને સીઈઓ બિલ ક્રેમર તરફથી તારીખોમાં ફેરફારની વિગતો આપતો ઈમેલ મોકલ્યો. જેમાં એકેડેમીએ લખ્યું છે કે,’દક્ષિણ કેલિફોર્નિયામાં લાગેલી વિનાશક આગથી પ્રભાવિત થયેલા લોકો પ્રત્યે અમે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરવા માંગીએ છીએ.’ અમારા ઘણા સભ્યો અને ઉદ્યોગ સાથીદારો લોસ એન્જલસ વિસ્તારમાં રહે છે અને કામ કરે છે અને અમે તમારા વિશે વિચારી રહ્યા છીએ. હવે આ આગમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. અમેરિકાની કડકડતી ઠંડીમાં લાગેલી આ આગથી બધાને ચિંતા થઈ ગઈ છે.